નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ શત્રુધ્ન સિંહાએ પોતાના એક નિવેદનથી દેશની જનતાને ચોકાવી દીધી છે. તેમણે સમાન નાગરિક ધારા એટલે કે (UCC – યુનિફોર્મ સિવિલ કોડ)ની હિમાયત કરી છે અને કહ્યું છે કે તેનો દેશભરમાં અમલ થવો જોઈએ. તેમણે ઉત્તરાખંડમાં લાગુ કરાયેલ સમાન નાગરિક સંહિતાના પણ વખાણ કર્યા છે.
ટીએમસી એટલે કે તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ મંગળવારે UCCને સમર્થન આપ્યું હતું અને તેમણે એવી માંગણી કરી હતી જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ દેશભરમાં માત્ર બીફ જ નહીં, પણ તમામ માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
શત્રુઘ્ન સિંહા શું બોલ્યાઃ-
ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે ઉતરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ ઘણો જ પ્રશંસનીય છે. દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવી જ જોઈએ અને મને ખાતરી છે કે દેશના બધા જ લોકો મારી સાથે સહમત થશે, પણ તેમાં કેટલીક ખામીઓ પણ છે. આ ઉપરાંત દેશમાં બીફ નહીં પરંતુ તમામ પ્રકારના માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પરંતુ જે નિયમો આપણે ઉત્તર ભારતમાં લાગુ કરી શકીએ છે તે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લાગુ કરી શકતા નથી એ હકીકત છે. અને સમાન નાગરિક સંહિતાની જોગવાઈઓનો મુસદ્દો તૈયાર કરતા પહેલા સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ.
ઉત્તરાખંડ UCC લાગુ કરનારું પ્રથમ રાજ્યઃ-
નોંધનીય છે કે ઉતરાખંડે 27મી જાન્યુઆરીથી યુસીસી લાગુ કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. UCCનો આ નિયમ લગ્ન, છૂટાછેડા, વારસો અને ઉત્તરાધિકાર સહિત અનેક વ્યક્તિગત કાયદાઓને સરળ બનાવશે.
આ પણ વાંચો…કુંભમેળા માટે રેલવેએ ગુજરાતને આપી વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેનઃ જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ…
ગુજરાતે પણ UCC લાગુ કરવાની જાહેરાત કરી :-
શત્રુઘ્ન સિંહાનું UCC અંગેનું નિવેદન ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ આવ્યું છે. ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં UCC લાગુ કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વના ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રચવામાં આવી છે અને તેણે 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ કરવાનો રહેશે. ગુજરાત સરકારે 2022 માં UCCની જરૂરિયાતનો અભ્યાસ કરવા માટે સમિતિની રચના કરી હતી જેનો ઉદ્દેશ્ય આ કાયદાના અમલીકરણની શક્યતા પર વિચાર કરવાનો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને