નાગપુર: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર સોમવારે રાતે થયેલા હુમલા પ્રકરણે ચાર અજાણ્યા લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એક સભાને સંબોધીને અનિલ દેશમુખ કટોલ જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર પર પથ્થરમારો થયો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
એનસીપી-એસપીના રાજ્યના પ્રવક્તા પ્રવીણ કુંટેએ દાવો કર્યો હતો કે દેશમુખ વિરુદ્ધનું આ કાવતરું હતું અને આ ઘટના માટે તેઓએ ભાજપને જવાબદાર ઠેરવી હતી. શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ આ હુમલા અંગે ઉચ્ચ સ્તરની તપાસની માગણી કરી હતી.
નારખેડ ગામમાં ચૂંટણી સભા યોજીને દેશમુખ કટોલ પાછા ફરી રહ્યા હતા ત્યારે રાતે આઠ વાગ્યાની આસપાસ જલાલખેડા રોડ પર બેલફાટા નજીક તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
નાગપુર રુરલ સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ હર્ષ પોદ્દારે જણાવ્યું હતું કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને ચાર અજ્ઞાત વ્યક્તિ સામે હત્યાનો પ્રયાસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઇને ટેક્નિકલ પુરાવા ભેગા કર્યા હતા.
કટોલના ડેપ્યુટી એસપી આ કેસની તપાસ કરી રહ્યા છે, જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કલેક્ટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, એમ પોદ્દારે જણાવ્યું હતું. કોઇ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ નહીં કરવાની પણ તેમણે અપીલ કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને