અમદાવાદઃ આજે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ છે. સમાજમાં પુરૂષોના યોગદાનનું સન્માન કરવા દર માટે વર્ષે 19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. પહેલીવાર 1923માં પુરૂષ દિવસ ઉજવવાની માંગ ઉઠી હતી. આપણા દેશમાં પ્રથમ વખત 19મી નવેમ્બર 2007ના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મોટા ભાગના કિસ્સામાં પુરુષો કઠણ કાળજાના હોય એવું માનવામાં આવે છે, જ્યારે એ તેમની લાક્ષણિકતા માની લેવાય છે. આમ છતાં હકીકત એ છે કે કઠણ કાળજાનો પુરુષ ભલે લાગણી વ્યક્ત કરી શકતો ના હોય, પરંતુ તેની માનસિક રીતે અસર થાય છે. અમુક કિસ્સામાં કેટલાક પુરૂષો આપધાતને જ અંતિમ ઉપાય માની લે છે. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 2,000 પુરુષે લગ્ન-કારકિર્દીની સમસ્યાને કારણે અંતિમ પગલું ભર્યું હતું.
ચાર વર્ષમાં 1762 આત્મહત્યા
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ મુજબ વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે 1062 પુરુષ અને 700 મહિલાએ આત્મહત્યા કરી છે. વર્ષ 2022માં 66 પુરુષે લગ્ન નહીં થવા, 50 પુરુષે લગ્નેતર સંબંધને કારણે, 61 પુરુષે છૂટાછેડાથી આત્મહત્યા કરી હતી.
કારકિર્દીની સમસ્યાથી પુરુષો ત્રસ્ત
આ ઉપરાંત પારિવારિક સમસ્યાને કારણે 1475 પુરુષને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે. કારકિર્દીની સમસ્યાને કારણે પણ પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વઘ્યું છે. જેમાં આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 2018માં 106 હતું અને તે 2022માં વધીને 329 થયું છે. નોકરી નહીં મળવી, ધંધા-રોજગારમાં સમસ્યા તેના માટે વિવિધ જવાબદાર પરિબળ છે. પાંચ વર્ષના આ સમયગાળામાં 70 મહિલાએ કારકિર્દીને કારણે આત્મહત્યા કરી છે. પ્રેમપ્રકરણને કારણે 2022માં 390 પુરુષ અને 253 મહિલાઓએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.
મનની વાત વ્યક્ત કરવાથી રસ્તો મળે
મનોચિકિત્સકના મત મુજબ પુરુષો પણ સંવેદનશીલ હોય જ છે, પરંતુ બહુ જ ઓછા ઓછા પુરૂષો પોતાની સંવેદના વ્યક્ત કરે છે. પ્રત્યેક પુરુષે ખાસ મિત્ર-ઘરના સભ્યોની સમક્ષ પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરતા રહેવું જોઇએ. વાસ્તવમાં, આત્મહત્યા કરવી એ કોઇ વિકલ્પ નથી પણ લાગણી વ્યક્ત કરવાથી કોઇ ચોક્કસ રસ્તો મળી રહે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં શાકભાજીના વેપારી પર Firing, સારવાર દરમ્યાન મોત
અમદાવાદમાં પુરુષ દિવસ નિમિત્તે રેલી યોજી
‘અખિલ ભારતીય પત્ની અત્યાર વિરોધી સંઘ’ દ્વારા અમદાવાદમાં દુઃખી પતિઓ તેમજ અન્ય પુરુષોની રેલી સવારે અગિયારથી 12 દરમિયાન સુભાષ બ્રિજ સર્કલથી નમસ્તે સર્કલ સુધી યોજાઈ હતી. આ રેલીમાં પુરુષો દ્વારા પોસ્ટર, પ્લે કાર્ડ, બેનરો સાથે ભાગ લેવામાં આવશે. જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની પણ ભવ્ય ઉજવણી કરવાની માગ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને