(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ અને અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સપ્તાહના આરંભે એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં. જોકે આજે પાંખાં કામકાજો વચ્ચે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતા ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ અને રૂ. ત્રણનો સુધારો આવ્યો હતો, જ્યારે નિરસ માગે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપર કેબલ સ્ક્રેપમાં કિલોદીઠ અનુક્રમે રૂ. ત્રણનો અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

કોપરના વૈશ્ર્વિક અગ્રણી દેશ ચીન દ્વારા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ગત સપ્ટેમ્બરના અંતે સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી હોવાથી કોપરનાં વશ્ર્વિક સ્તરે ઘટતા ભાવને બ્રેક લાગી હતી. જોકે, ત્યાર બાદ ચીન ખાતે એક સપ્તાહની રજા રહ્યા બાદ આવતીકાલે બજાર ખૂલતા માગ કેવી રહે છે તેના પર ટ્રેડરોની નજર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ટનદીઠ ૯૯૭૨ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

આમ વૈશ્ર્વિક બજારના મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક સ્તરે એકંદરે કામકાજો પાંખાં રહેતાં આજે નિરસ માગ વચ્ચે કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૮૨૨ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની લેવાલી પણ શુષ્ક રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૨૪૮ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૧૫૨૫ અને રૂ. ત્રણ વધીને રૂ. ૨૯૩૪ના મથાળે રહ્યા હતા. આ સિવાયની તમામ ધાતુઓમાં નિરસ કામકાજે ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.