નવી દિલ્હી: વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકાણનો પ્રવાહ ચીન તરફ વાળવાની સાથે બીજા ત્રિમાસિકગાળાના નિરુત્સાહી કોર્પોરેટ પરિણામો અને વૅલ્યુએશન પણ ઊંચા રહ્યા હોવાથી નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર-એફપીઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં રૂ. ૨૬,૫૩૩ કરોડનો બાહ્યપ્રવાહ જોવા મળ્યો છે.
અલબત્ત ગત ઑક્ટોબર મહિનાની સરખામણીમાં ચોખ્ખી વેચવાલીના દબાણમાં ઘટાડો જરૂર જોવા મળ્યો છે. ગત ઑક્ટોબર મહિનાનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ રૂ. ૯૪,૦૧૭ કરોડ (રૂ. ૧૧.૨ અબજ ડૉલર) પાછાં ખેંચ્યા હતા. તાજેતરની વેચવાલી સાથે વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રૂ. ૧૯,૯૪૦ કરોડનો રહ્યો છે.
જોકે, ભવિષ્યમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ભારતીય ઈક્વિટીમાં આંતરપ્રવાહનો આધાર અમેરિકાના નવાં પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નીતિઓ, ફુગાવાની સ્થિતિ, વ્યાજ દર, રાજકીય-ભૌગોલિક પરિબળો અને ભારતીય કોર્પોરેટ્સના ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામો પર અવલંબિત રહેશે, એમ મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચનાં એસોસિયેટ ડિરેક્ટર અને રિસર્ચ મૅનૅજર હિમાંશુ શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત બાવીસમી નવેમ્બર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો રૂ. ૨૬,૫૩૩ કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો છે, જ્યારે ગત ઑક્ટોબર મહિનામાં સૌથી વધુ ચોખ્ખો બાહ્યપ્રવાહ રૂ. ૯૪,૦૧૪ કરોડનો રહ્યો હતો. જોકે, તે પૂર્વે સપ્ટેમ્બર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો આંતરપ્રવાહ નવ મહિનાની ઊંચી રૂ. ૫૭,૭૨૪ કરોડની સપાટીએ રહ્યો હતો.
ખાસ કરીને ભારતીય ઈક્વિટીનાં વૅલ્યુએશન અન્ય માર્કેટની તુલનામાં ઊંચા હોવાથી ચિંતાની શરૂઆત થઈ હતી. વધુમાં ચીન ખાતે નીચા વૅલ્યુએશન્સ ઉપરાંત ચીનની સરકારે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજને ધ્યાનમાં લેતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી વધી હોવાનું શ્રીવાસ્તવાએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત નબળા કોર્પોરેટ પરિણામો અને વધતા ફુગાવાને કારણે વ્યાજદરમાં કપાતની શક્યતા મંદ પડતા વેચવાલીને વેગ મળ્યો હતો.
તે જ પ્રમાણે જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે નબળા કોર્પોરેટ પરિણામોને કારણે રોકાણકારોમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ની કોર્પોરેટ આવક પર માઠી અસર થવાની ભીતિ સપાટી પર આવી હતી. જોકે, હવે ભારતમાં વેચો અને ચીનમાં ખરીદોની ટ્રમ્પ ટ્રેડ નીતિનો અંત આવી ગયો છે અને અમેરિકા ખાતે વૅલ્યુએશન ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. આથી જ સેક્ટર અનુસાર જોઈએ તો એફપીઆઈ આઈટી શૅરો ખરીદી રહી છે, જ્યારે બૅન્ક શૅરોમાં વેચવાલીના દબાણ છતાં સ્થાનિક સંસ્થાકીય લેવાલીને ટેકે વલણ મક્કમ છે.
બીજી તરફ આ મહિનામાં ગત બાવીસમી નવેમ્બર સુધીમાં એફપીઆઈએ તેની ડેબ્ટ જનરલ લિમિટમાંથી રૂ. ૧૧૦૦ કરોડ પાછાં ખેંચ્યા છે અને ડેબ્ટ વૉલન્ટરી રિટેન્શન રૂટ મારફતે રૂ. ૮૭૨ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં એફપીઆઈએ ડેબ્ટ માર્કેટમાં રૂ. ૧.૦૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને