ભુજ: ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ ભાગમાં ઉભા થયેલા એક પશ્ચિમી વિક્ષોભને પગલે અને દિલ્હીમાં સતત વકરી રહેલા વાતાવરણના પ્રદુષણની અસર હેઠળ કચ્છમાં પણ લાંબા સમય સુધી અકળાવનારા ઉનાળાની આણ નબળી પડી રહી છે. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં એકધારા થઇ રહેલા ઘટાડાને પગલે ભરબપોરે પણ ગુલાબી ટાઢક વર્તાઈ રહી છે. જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સારી એવી બરફ વર્ષા થવાની સંભાવના ઉભી થતાં,આગામી એક સપ્તાહમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં હવે શિયાળો પોતાનું અસલ સ્વરૂપ દર્શાવશે તેવી લોકોને આશા ઉભી થઇ છે.
આ પણ વાંચો : સ્વેટર -ધાબળા તૈયાર રાખજો ! ગુજરાતમાં ઠંડી અંગે Ambalal Patelએ કરી આ આગાહી
ભુજનાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં ઘટાડો
આ દરમિયાન હવે લઘુતમ તાપમાનનો આંક હજુ નીચો આવે તેવી આગાહી કરવામાં આવી છે. આજે ભુજ ખાતે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને તે 35 અને 20 ડિગ્રી સેલ્સિયસ રહેવા તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 59 ટકા જેટલું થઇ જતાં એકંદરે ઠંડક રહેવા પામી છે. નલિયામાં ન્યુનતમ 17 જયારે મહત્તમ 34 ડિગ્રી તાપમાન નોંધાતાં અહીં વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડક પડી રહી છે.
આ પણ વાંચો : Surat: દીપડાને પણ મળી આજીવન કેદની સજા!
નવેમ્બર સૌથી ગરમ મહિનો
અલબત્ત કચ્છમાં શિયાળો હજુ જોઈએ તેટલો જામ્યો નથી. સામાન્ય રીતે નવેમ્બર મહિના દરમ્યાન ભુજનું લઘુતમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહેવા પામે છે તે જોતાં કચ્છ માટે ચાલુ નવેમ્બર મહિનો શિયાળા દરમ્યાન સૌથી ગરમ મહિનો રહેવા પામ્યો છે.