કોલકાતા: ઑલરાઉન્ડર નીતિશ રાણાને બે દિવસ પહેલાંના આઈપીએલ-ઑક્શનમાં ચેન્નઈ અને બેંગ્લૂરુ સામેની રસાકસી વચ્ચે રાજસ્થાન રોયલ્સે 4.50 કરોડ રૂપિયામાં ખરીદી લીધો ત્યાર બાદ નીતિશની પત્ની સાચી મારવાહે નીતિશના પાછલા ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ને સોશિયલ મીડિયામાં ટોણો માર્યો હતો.
નીતિશ રાણા ભારત વતી 2021માં એક વન-ડે અને બે ટી-20 રમી ચૂકયો છે તેમ જ કુલ 186 ટી-મૅચમાં તેણે 135.00ના સરેરાશ સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 4,500થી પણ વધુ રન બનાવ્યા છે તેમ જ 48 વિકેટ લીધી છે.
નીતિશ રાણા 2018થી કેકેઆર સાથે રહ્યો હતો. દરેક સીઝનમાં તેણે 200-પ્લસ રન બનાવ્યા હતા અને 2023માં શ્રેયસ ઐયર ઈજા પામતાં નીતિશને કેપ્ટન્સી પણ સોંપાઈ હતી. 2024માં ઈજાને લીધે તેને માત્ર બે મૅચ રમવા મળી હતી. 2024માં શ્રેયસના સુકાનમાં કોલકાતા ટાઈટલ જીત્યું હતું. જોકે કેકેઆરૅ શ્રેયસને રીટેન ન કર્યો અને હરાજીમાં પંજાબે તેને 26.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદી લીધો.
કેકેઆરે નીતિશ રાણાને આ વખતે હરાજીમાં મૂકી દીધો અને રાઈટ-ટુ-મૅચના વિકલ્પમાં પાછો મેળવવાની કોશિષ ન કરી એટલે નીતિશ નારાજ હતો. જોકે રાજસ્થાને સવા ચાર કરોડમાં ખરીદી લીધો એટલે તે ખુશ છે.
નીતિશની પત્ની સાચીએ મીડિયામાં શૅર કરેલી પોસ્ટમાં લખ્યું છે, ‘વફાદારી ખૂબ મોંઘી હોય છે. એ કંઈ દરેકને ન પરવડે.’
પત્નીની આ પોસ્ટ વાઇરલ થઈ ત્યાર બાદ નીતિશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શૅર કરી જેમાં તે ગુલાબી શર્ટમાં મોબાઈલ કૅમેરા સાથે હતો અને તેણે કેપ્શનમાં લખ્યું, ‘રોયલ્ટી ઇઝ પિન્ક.’
Also Read – 2025 ની આઇપીએલમાં 10 ટીમની પ્રથમ મૅચ માટેની સ્ક્વૉડ જાણી લો કેવી હોઈ શકે…
સાચીએ પતિ નીતિશની વફાદારીના મુદ્દે કેકેઆરને મહેણું માર્યું, જ્યારે ખુદ નીતિશે પોતાની નવી ટીમ રાજસ્થાનના પિન્ક ડ્રેસ તરફ ઈશારો કરીને પોતે હવે રાજસ્થાનની ટીમમાં ઠાઠમાઠથી રહેશે એવો સંકેત આપ્યો હતો.
નીતિશ 2015માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો. જોકે ઉલ્લેખનીય છે કે કેકેઆરે અગાઉ નીતિશને 8.00 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને