થાણે: 20 નવેમ્બરે યોજનારી વિધાનસભાની ચૂંટણી વખતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થાણે પોલીસની વિવિધ શાખાઓએ છેલ્લા કેટલાક દિવસથી વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું અને પંદર પિસ્તોલ તેમ જ 28 જીવંત કારતૂસો પકડી પાડી હતી. આ પ્રકરણે 10 જણની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમે રાબોડી અને શિળ-ડાયઘર વિસ્તારમાં ઉત્તર પ્રદેશના રહેવાસી શિવકુમાર રામકિશન અને પપિલકુમાર સત્રોહન લાલ તેમ જ રાહુલ ઉર્ફે મોહંમદ ગુલશાન ખાનને પાંચ પિસ્તોલ અને ચાર કારતૂસ સાથે પકડી પાડ્યા હતા. એ જ પ્રમાણે યુનિટ-2ની ટીમે ભિવંડી અને શાંતિનગરમાં કાર્યવાહી કરીને બે પિસ્તોલ તથા બે કારતૂસો સાથે શ્રીકાંત દત્તા વાઘમારે અને નૂરમોહંમદ અન્સારીની ધરપકડ કરી હતી.
આપણ વાંચો: પંદર પિસ્તોલ, 28 કારતૂસો જપ્ત: 10 આરોપીની ધરપકડ…
બીજી તરફ યુનિટ ત્રણના અધિકારીઓએ કલ્યાણના માનપાડામાંથી દીપક ભીમપ્પા કોળીને ત્રણ પિસ્તોલ અને સાત કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે યુનિટ-4ની ટીમે શિવાજીનગર તથા હિલલાઇન પોલીસ સ્ટેશનની હદમાંથી બે પિસ્તોલ અને ચાર કારતૂસ પકડી પાડીને ગણેશ લોંઢે તથા ભગવાન યાદવની ધરપકડ કરી હતી. તો યુનિટ-5 દ્વારા વાગલે એસ્ટેટમાંથી સુમિત પવારને એક પિસ્તોલ અને સાત કારતૂસ સાથે પકડી પાડ્યો હતો.
સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કલવા વિસ્તારથી અમરસિંહ ભગવાનસિંહને એક પિસ્તોલ અને ચાર કારતૂસો સાથે તાબામાં લીધો હતો. ખંડણી વિરોધી શાખાએ પણ રાબોડી વિસ્તારમાં કાર્યવાહી કરી શસ્ત્રો જપ્ત કર્યાં હતાં.
દરમિયાન ચૂંટણી વખતે મતદારોને દેશી દારૂની લહાણી કરાવવામાં આવી શકે છે એ ધ્યાનમાં રાખી સઘન ઓપરેશન હાથ ધરાયું હતું અને દારૂની 18 હાથભઠ્ઠીઓ પથા વિદેશી દારૂના વેચાણ અંગે 121 કાર્યવાહી કરીને લાખો લિટર દારૂ જપ્ત કરાયો હતો.