મેલ મેટર્સ -અંકિત દેસાઈ
પાછલાં કેટલાંક વર્ષોથી દિવાળી અને નવા વર્ષની વચ્ચે પડતર દિવસનું આગવું મહત્ત્વ ઊભું થયું છે. કોણ જાણે કેમ, પરંતુ ક્યાંકથી પડતર દિવસ અથવા ધોકો આવીને દિવાળી અને નવા વર્ષની વચ્ચે અડિંગો જમાવીને બેસી જાય છે. જોકે એક રીતે તો આ દિવસ અનેક લોકોને અત્યંત કામમાં આવતો હોય છે, કારણ કે આ દિવસે નથી તો દિવાળીની હાઈવોઈ હોતી કે નથી હોતી નવા વર્ષના ‘રામ રામ’ની ઔપચારિકતા…એટલે આ દિવસે સ્વજનો સાથે કે મિત્રો સાથે ક્યાંક નજીકમાં ફરવા જઈ શકાય છે અથવા તો એમની સાથે સરસ મજાનું જમવા બહાર જઈ શકાય છે.
Also read: પત્ની કે મા? પુરુષને પજવતો સદાબહાર પ્રશ્ન
ઈનશોર્ટ, તહેવારોમાં એક દિવસ વધારાનો મળી જાય છે અને એ રીતે આનંદને એક્સટેન્ડ કરી શકાય છે. એનો અર્થ એ થયો કે પડતર દિવસને ભલે પોતાની કોઈ તિથિ ન હોય, પરંતુ પડતર દિવસ કામનો તો ખરો…
જોકે, બીજી બાજુ જીવનમાં અમુક કામ પડતર હોય તો ? કેટલીક સમસ્યા પડતર હોય તો કે કેટલીક માફી પડતર હોય તો? તો જીવનમાં અત્યંત મુશ્કેલીઓ સર્જાય છે. ખાસ તો જીવનમાં સંતાપ હંમેશાં અકબંધ રહે છે અને આપણે મનોમન બળતા રહીએ છીએ. એટલે આ પડતર દિવસ પાસે આપણે એ જ શીખ લેવાની થાય કે જેમ આપણે પડતર દિવસને તહેવારોનો ભાગ ગણીને પડતર દિવસે પણ ઉંબરે દીવડા કરીએ છીએ, ઘરમાં રોશની કરીએ છીએ કે એ દિવસે પણ તહેવારની જેમ જ સ્વજન અને મિત્રો સાથે ફરવાનું કે એમની સાથે રહેવાનું પ્લાનિંગ કરીએ છીએ એ રીતે જીવનના પડતર પ્રશ્ર્નો કે કેટલાંક પડતર કામને ટાળવાની જગ્યાએ એને પણ જીવનનો ભાગ માનીને તેનો સામનો કરીએ. ખાસ તો કેટલાક સ્વજનો સાથે કશુંક શેર કરવાનું રહી ગયું હોય કે તેમની કોઈક વાતે માફી માગવાની રહી ગઈ હોય અથવા તો કોઈક સ્પષ્ટતા કરવાની રહી ગઈ હોય તો એ ખાસ કરી લેવું.
Also read: ખેલજગતમાં ટ્રોફી-ચંદ્રકની સાથેબ્રૅન્ડ વૅલ્યૂની પણ બોલબાલા
હા, એના માટે જો કોઈ મુહૂર્તની રાહ જોશો કે કોઈક તકની રાહ જોશો તો તક તો આવશે ત્યારે આવશે, પણ ત્યાં સુધી તમારા મનને સતત અજંપો કે અસુખ રહેશે. એ પીડાને શું કામ વહોરવી? જેમ આપણા હ્યુમન રાઈટ્સ હોય, એમ પણા મનના પણ રાઈટ્સ હોય! એ અધિકારો અંતર્ગત મનને પીડામુક્ત રહેવાનો અધિકાર છે. અને એ માટે થોડી માફી કે થોડી સ્પષ્ટતાની અત્યંત જરૂર હોય છે અને એવું નથી કે આપણે પડતર માફી માગવાની જ છે. કદાચ આપણે પડતર માફીઓ આપવાની પણ થતી હશે. ભૂતકાળની કેટલીક ક્ષણ કે કેટલાક કિસ્સા આપણને અપમાનની ક્ષણો કે દગાના કિસ્સા લાગ્યા હશે.
આવી ક્ષણ કે કિસ્સા આપણા મન પર એ રીતે કબજો લઈને બેઠા હશે કે સામેના માણસને કદાચ કોઈ અસર નહીં કરતા હોય, પરંતુ આપણું મન એ કિસ્સા કે ક્ષણોને યાદ કરી કરીને ઉકરડો બની ગયું હશે તો નુકસાન કોને ગયું? આપણું કે સામેના માણસનું ? એટલે જ કદાચ સામેના માણસ સાથે હવે આપણે સંબંધ હોય કે નહીં હોય, પરંતુ એને માફ કરી દેવાનો થાય છે. એને માફ કરી દઈશું એટલે આપણે આપોઆપ મુક્ત થઈ જઈશું અને આપણી અંદર એક આગવી શક્તિનો સંચાર થશે.
Also read: દુલીપ ટ્રોફી: મુખ્ય ખેલાડીઓ વિરુદ્ધ દમદાર દાવેદારો વચ્ચેનો જંગ
આગવા ઉત્સાહનો સંચાર થશે. અને આપણી અંદર જીવનનો પણ સંચાર થશે. -તો પછી આ વિશે આપણે ઝાઝું વિચારવાનું નથી થતું. આ તો રિઝોલ્યુશનના દિવસો કહેવાય, આ તો નવી શરૂઆતના દિવસો કહેવાય. આ દિવસોમાં આપણે પડતર માફીઓનો હિસાબ ચોખ્ખો કરી દઈએ.