કૌશિક મહેતા
ડિયર હની,
દરેક ઘરમાં એક વાત જરૂર થતી હોય છે. એક દ્રશ્ય રોજ ભજવાતું હોય છે. દરેક ઘરની ગૃહિણીની એક ચિંતા જરૂર હોય છે. બપોરે જમવાનું શું બનાવવું ને એ નક્કી થાય ના થાય ત્યાં સાંજે શું જમશો એની પૂછપરછ શરૂ થઈ જાય છે.
તારી ય આ સમસ્યા છે અને તેનો ઉકેલ પણ તમે લોકો જે રીતે લાવો છો એ ય નક્કી હોય છે. દરેક ઘરમાં આ ફોર્મ્યુલા ચાલે છે અને વર્ષોથી ચાલે છે, છતાં એ ફોર્મ્યુલાને કાટ લાગ્યો નથી.
સવારે નાસ્તો કરવા આપણે બેસીએ અને એ હજુ પૂરો થાય ના થાય ત્યાં તારો સવાલ આવે : ‘બપોરે શું જમવું છે?’ હું કહું કે, જે બનાવવું હોય તે બનાવ ને તું પછી પેટા પ્રશ્ર્નોનો મારો ચલાવે છે. જો, દૂધીનું શાક ભાવશે કે પછી ભીંડાનું કરું? હું ક્યારેક એમ કહું કે,
આજે શનિવાર છે, રીંગણાં બટેટાનું શાક અને અડદની દાળ કર ને. ને બાજરાનો રોટલો કરજે…..’ .તો તારો જવાબ રોકડો હોય છેઃ રીંગણાં બટેટા તો ઠીક છે, પણ તારે તો કહી દેવું છે કે બાજરાના રોટલા કર,.પણ અમારે જોવું પડે ને કે ઘરમાં બાજરાનો લોટ છે કે નહિ… ! હું તુરંત કહી જ દઉં છું કે, તો પછી તને ઠીક લાગે એમ કરજે…’ આમ બપોરનું મેન્યુ નક્કી થાય છે.
જોકે, તારી વાત અહી પૂરી થતી નથી. પછી સવાલ આવે છે ‘સાંજે શું કરવું?’ તારો ડાયલોગ ફિક્સ છે, તું તો હમણાં ઓફિસે જતો રહીશ. અમારે આ બધી ચિંતા છે. બોલ, શું જમવું છે સાંજે? તને ભાવે એ જ કરવું છે. પરોઠા શાક કે પછી ભાખરી શાક.
ખીચડી બનાવું કે પછી દાળ ભાત અને સેન્ડવીચ ખાવી હોય તો બપોરે જમવા આવો ત્યારે બ્રેડ લેતા આવજો. બ્રાઉન બ્રેડ હો મેંદો તને પચતો નથી ખબર છે ને!
હું શું જવાબ આપું? હું કોઈ જવાબ નથી આપતો કે, આ બનાવ કે તે બનાવ.એટલું જ કહું છું કે, ‘તને ઠીક લાગે એ બનાવ..’ અને તારો ય ડાયલોગ આવે જ છે, પછી કહેતો નહિં કે ભાવતું ના બનાવ્યું આમ તું ધાર્યું તો તારું જ કરે છે.
મને ઘણીવાર થાય છે, તો પછી પૂછે છે શા માટે? પણ તારું એવું છે કે મને એમ લાગે કે બધું પૂછી પૂછીને કરે છે પણ વાસ્તવિકતા જુદી છે.
બીજી ય એક વાત મે નોંધી છે. તારી અને બીજી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે પુરુષ ઘરકામમાં મદદ નથી કરતા. તારી આ વાત ખોટી નથી,
પણ સાથે એ વાત પણ છે કે જ્યારે પુરુષ તમને મદદ કરે તો તમે એના કામમાંથી વાંધાવચકા બહુ કાઢો છો, જેમ કે : ‘તમને તો આટલું ય નથી આવડતું…’.અને વાત ક્યાં સુધી લઈ જાવ છો. તમારી મમ્મીએ કઈ શીખવ્યું જ નથી!
અને હા, મને-અમને- પુરુષોને એવું સતત લાગે છે કે, રસોડામાં તમારું રાજ છે. એ તમારું રજવાડું છે અને એમાં અમે ઘુસીએ એ તમને બહુ પસંદ પડતું નથી.
કોઈ પતિ કે પુરુષ રસોડામાં જઈ કઈક બનાવી લે તો એના વખાણ તમે ખુલ્લાં મને કરતા નથી. ઘણીવાર પતિ કોઈ ચીજ સારી બનાવે તો તમે એમાં ભૂલ શોધતા રહો છો. કાઈ નહિ તો એટલું તો કહો જ છો : જરા મીઠું ઓછું છે..! .
આવું શા માટે? કદાચ તમને તમારા રજવાડા એટલે કે રસોડાના રાજપાટમાં કોઈ જરા જેટલી ઘૂસણખોરી કરી એ પસંદ નથી હોતી. અલબત, બધા કિસ્સામાં એ સાચું નથી હોતું.
પણ પેલી ઉક્તિ જેવું છે ને, પુરુષને ખુશ કરવાનો રસ્તો એના પેટથી જાય છે. તને કે કોઈ પણ ગૃહિણીને મનમાં એમ થતું હોવું જોઈએ કે પતિને સારી રસોઈ આવડી ગઈ તો.
આ વાત વિચારવા જેવી તો છે. કોઈએ આ વિશે અભ્યાસ કરવા જેવો છે. મારી વાત સાચી કે ખોટી? સાચેસાચું કહેજે, વળતા પત્રમાં તારો અભિપ્રાય જણાવજે.
તારો બન્ની…
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને