લાહોરઃ માત્ર ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ પ્રદૂષણે માઝા મૂકી છે. લાહોર હાલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. લાહોર ઉપરાંત મુલ્તાનમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર છે. આ બંને શહેરોમાં પ્રદૂષણને નાથવા ત્રણ દિવસનું લૉકડાઉન નાંખવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ જોતાં હેલ્થ ઈમરજન્સી લગાવવામાં આવી છે.
ધુમ્મસના કારણે દરેક ઉંમરના લોકો પ્રદૂષણ સંબંધિત બીમારીનો શિકાર બની રહ્યા છે. પાકિસ્તાનના પંજાબ સરકારમાં વરિષ્ઠ મંત્રી મરિયમ ઔરંગઝેબે શુક્રવારે લાહોરમાં કહ્યું, સ્મૉગનો મુદ્દો સ્વાસ્થ્ય સંકટમાં બદલાયો છે. લાહોર અને મુલ્તાનમાં પ્રદૂષણએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મુલ્તાનમાં એક્યૂઆઈ બે વખત 1600ને પાર કરી ચૂક્યો છે, જે વાયુ પ્રદૂષણનો એક નવો રેકોર્ડ છે. લાહોરનો એક્યૂઆઈ પણ ખરાબ છે અને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે.
આપણ વાંચો: પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડ્યા, દોષનો ટોપલો ભારત પર ઢોળાયો
3 દિવસ સંપૂર્ણ લૉકડાઉન
પાકિસ્તાનના મુલ્તાન અને લાહોરમાં સપ્તાહમાં ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે સંપૂર્ણ લૉકડાઉનનો ફેંસલો લેવામાં આવ્યો છે. પ્રદૂષણને ઓછું કરવા શનિવારથી આગામી રવિવાર સુધી બંને શહેરોમાં બાંધકામ ગતિવિધિ પર પ્રતિબંધ લગાવાયો છે. પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરતાં લાહોર હાઈકોર્ટે પણ લાંબાગાળા માટે સ્મૉગ નિયંત્રણ નીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
15 હજારથી વધુ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા
લાહોરમાં સતત હવા ઝેરી બની રહી છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. સરકારે સ્કૂલ બંધ કરવા ઉપરાંત હૉટલ, દુકાન, બજારો અને શોપિંગ મૉલને 8 વાગ્યા સુધીમાં બંધ કરવા આદેશ આપ્યો છે. લાહોર અને મુલ્તાનમાં હૉટલ સંચાલનના નિયમો અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવા અને રાત્રે 8 વાગ્યા સુધી માત્ર ટેકઅવે સેવા આપવાની મંજૂરી આપવામાં આવી છે.
લાહોરમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા થોડા દિવસમાં 15 હજારથી વધારે લોકોને પ્રદૂષણ સંબંધિત સમસ્યાને લઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા અને હાર્ટ સંબંધિત સમસ્યાને લઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લગ્નો પર 3 મહિના માટે પ્રતિબંધ
નાસાના મૉડર્ટ રેઝોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટર રેડિયોમીટરે ઉત્તર પાકિસ્તાનમાં છવાયેલા ધુમ્મસની તસવીર શેર કરી છે. નાસાના એમઓડીઆઈએએસે કહ્યું, નવેમ્બરની શરૂઆતથી જ ઉત્તર પાકિસ્તાના આકાશમાં ધુમ્મસની મોટી ચાદર છવાઈ ગઈ છે. તેની હવાની ગુણવત્તા બગડી છે. સ્કૂલો બંધ થઈ ગઈ છે અને સેંકડો લોકો હોસ્પિટલમાં દાખલ છે.
પાકિસ્તાન ધુમ્મસના સંકટથી બચવા શક્ય તમામ કોશિશ કરી રહ્યું છે અને લગ્નો પર 3 મહિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર તરફથી લોકોને જ્યાં સુધી સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.