અમદાવાદઃ ગુજરાતના પાટણ જિલ્લાની મેડિકલ કોલેજમાં એમબીબીએસના એક વિદ્યાર્થીનું મોત થવાથી ફરી મેડિકલ ક્ષેત્ર ચર્ચામાં છે. રેગિંગ દરમિયાન સિનિયર્સ દ્વારા વિદ્યાર્થીને ત્રણ કલાક સુધી ઊભો રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.
આ ઘટના શનિવારે બની હતી. આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મૃતકની ઓળખ 18 વર્ષીય અનિલ તરીકે કરવામાં આવી છે. તે એમબીબીએસના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો.
કૉલેજના ડીન ડૉ. હાર્દિક શાહે જણાવ્યું કે ત્રણ કલાક સુધી વિદ્યાર્થીને ઊભો રાખ્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેના સહપાઠીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીને સિનિયર્સ દ્વારા ઊભો કરીને તેનો પરિચય આપવાનું કહ્યું હતું.
આપણ વાંચો: રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ મામલે સરકારનું આકરૂ વલણ, જાણો શું છે ગાઈડલાઈન
આ બનાવ અંગે બાલીસણા ખાતેના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કૉલેજની એંટી રેગિંગ કમિટીએ આ મામલે તપાસ શરૂ કરી છે. જો તેઓ દોષી સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સીનિયર્સ વિદ્યાર્થીએ કર્યુ રેગિંગ?
કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સિનિયર્સ જુનિયરનું રેગિંગ કરતા હતા. અમને ત્રણ કલાક સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા અને એક એક કરીને પોતાનો પરિચય આપવા કહ્યું હતું. તેઓ અમને ઊભા રહેવા માટે દબાણ કરી રહ્યા હતા અને ગુસ્સે નહીં થવાની ચેતવણી આપી હતી. આખરે એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો, અમે તેને હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો.
આપણ વાંચો: લોનાવલામાં દિવ્યાંગ વિદ્યાર્થિનીનું રેગિંગ: રેગિંગ સહન ન થતાં આવ્યો બ્રેઇન સ્ટ્રોક
પરિવારે ન્યાયની કરી માંગ
મૃતકના પરિવારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ કોલેજ અને સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા રાખે છે. મીડિયા સાથે વાત કરતા મૃતકના પિતરાઇ ભાઇએ કહ્યું, મેં મારા કાકા પાસેથી ફોન પર સાંભળ્યું કે મારા પિતરાઇ ભાઇને બેભાન થયા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે.
અમે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. અમે સાંભળ્યું છે કે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ તેને રેગિંગ કરતી વખતે બે-ત્રણ કલાક ઊભા રાખ્યા હતા, જેનાથી તેને ચક્કર આવવા લાગ્યા અને તે પડી ગયો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને