નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ફેંગલ આજે બપોરે પુડ્ડુચેરી દરિયા કાંઠે ટકરાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દરિયાકાંઠે ટકરાતી વખતે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેના કારણે તમિલનાડુ અને પુડ્ડચેરીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસાદ થવાની સંભાવના છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમોની સાથે અન્ય એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે જાણકારી આપતાં જણાવ્યું, વાવાઝોડું ફેંગલ બંગાળની ખાડીમાં ચેન્નઈથી આશરે 210 કિમી દક્ષિણ-પૂર્વમાં છે. ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરે બપોરે વાવાઝોડાના રૂપમાં કરાઈકાલ અને મહાબલીપુરમ વચ્ચે તમિલનાડુ-પુડ્ડચેરીના તટ પર ટકરાશે. હવાની ગતિ 70-80 કિમી પ્રતિ કલાકથી લઈને 90 કિમી પ્રતિ કલાક રહેશે.
તમિલનાડુ સરકારે શું કર્યો છે આગ્રહ
તમિલનાડુ સરકારે 30 નવેમ્બરે ઘરથી બહાર નહીં નીકળવાનો આગ્રહ કર્યો છે. શૈક્ષણિક સંસ્થામાં શનિવારે રજા જાહેર કરવામાં આવી છે. આઈટી કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં 2229 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. 500 નાગરિકોને વિવિધ રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
ચક્રવાતને કેવી રીતે નામ આપવામાં આવે છે?
વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન મુજબ, હવામાનની આગાહી કરનારા દરેક ઉષ્ણકટિબંધીય ચક્રવાતને મૂંઝવણ ટાળવા માટે એક નામ આપે છે. સામાન્ય રીતે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતને પ્રાદેશિક સ્તરે નિયમો અનુસાર નામ આપવામાં આવે છે. હિંદ મહાસાગર ક્ષેત્ર માટે, 2004 માં ચક્રવાતના નામકરણ માટેની ફોર્મ્યુલા પર સંમત થયા હતા. આ ક્ષેત્રના 13 દેશોએ નામોનો સમૂહ આપ્યો છે, જે ચક્રવાતી તોફાન આવે ત્યારે એક પછી એક આપવામાં આવે છે. ચક્રવાતના નામ પસંદ કરતી વખતે વાંધાજનક અથવા વિવાદાસ્પદ ન હોવા જોઈએ તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેમના નામ પણ વિવિધ ભાષાઓમાંથી પસંદ કરવામાં આવ્યા છે.
‘ફેંગલ’ નામની દરખાસ્ત કેવી રીતે કરવામાં આવી?
ચક્રવાતના નામોની વર્તમાન સૂચિ 2020 માં તૈયાર કરવામાં આવી હતી, જેમાં દરેક સભ્ય રાજ્યે 13 નામોનું યોગદાન આપ્યું હતું. આ નામો પરિભ્રમણમાં વપરાય છે. કોઈ નામનો પુનઃઉપયોગ થતો નથી, મતલબ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવતા દરેક ચક્રવાતને અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ‘ફેંગલ’ નામ સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. આ પછી, આગામી ચક્રવાતનું નામ ‘શક્તિ’ રાખવામાં આવશે અને આ નામ શ્રીલંકાએ સૂચવ્યું છે. થાઈલેન્ડ પછીની લાઇનમાં છે અને તેણે ચક્રવાતનું નામ ‘મંથા’ રાખ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને