Delhi Air Pollution: રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણના કારણે દિલ્હી સરકારે ઓફિસના સમયમા ફેરફાર કર્યો છે. નગર નિગમ, કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની ઓફિસમાં અલગ અલગ સમયે કામકાજ થશે. આ વાતની જાણકારી ખુદ મુખ્યપ્રધાન આતિશીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી હતી.
આતિશીએ ટ્વિટ કરીને લખ્યું, રોડ પર ટ્રાફિક જામ અને પ્રદૂષણને ઘટાડવા માટે હવે દિલ્હીના સરકારી કાર્યાલય અલગ અલગ સમય પર ખૂલશે. વિવિધ વિભાગોના કાર્યાલયના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડ્યા, દોષનો ટોપલો ભારત પર ઢોળાયો
કઈ ઓફિસ કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે
દિલ્હી નગર નિગમઃ સવારે 8.30 થી સાંજે 5.00 સુધી
કેન્દ્ર સરકારઃ સવારે 9.00 થી સાંજે 5.30 સુધી
દિલ્હી સરકારઃ સવારે 10.00 થી સાંજે 6.30 સુધી
દિલ્હી સરકારે પ્રદૂષણના વધતા સ્તરને જોઈ પાંચમા ધોરણ સુધીના ક્લાસ આગામી આદેશ સુધી ઓનલાઈન કરવાનો આદેશ આપ્યો હતો. આની જાણકારી પર સીએમ આતિશીએ એક્સ પર આપી હતી. તેમણે લખ્યું હતું, વધતા પ્રદૂષણના સ્તરના કારણે આગામી આદેશ સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાના ક્લાસ ઓનલાઈન ચલાવવામાં આવશે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ સ્તર પર પહોંચી ગઈ છે. છેલ્લા થોડા દિવસોથી એકયૂઆઈ લેવલ 400ને પાર થઈ ગયું છે. પ્રદૂષણના વધતાં સ્તરને લઈ વાયુ ગુણવત્તા મેનેજમેન્ટે આજથી ગ્રેપ સ્ટેજ-3 પ્રતિબંધો લાગુ કરવાનો ફેંસલો કર્યો છે. જેમાં નિર્માણ સંબંધિત કામ પ્રદૂષણ નિયંત્રણમાં આવે ત્યાં સુધી બંધ રહેશે. બાંધકામ, ખનન સાથે જોડાયેલી તમામ પ્રકારની ગતિવિધિ ઠપ રહેશે.