બહેન સાથે મેલી રમત રમ્યો ભાઈ  

2 hours ago 1

સ્પોટ લાઈટ -મહેશ્વરી

તખ્તા પર ક્યારે એન્ટ્રી લેવી અને ક્યારે એક્ઝિટ લેવી એની આવડત કાળક્રમે ઓછાવત્તા અંશે દરેક કલાકારમાં અનુભવ સાથે વિકસતી હોય છે. પાત્ર ભજવણીનો સમય આવતા જ એન્ટ્રી લેવાની અને જરૂરિયાત પૂરી થાય એટલી એક્ઝિટ લેવાની. જીવન પણ વિશાળ રંગમંચનો તખ્તો જ છે ને. જોકે, આ તખ્તા પર એન્ટ્રી – એક્ઝિટ અણધાર્યા હોય છે. જન્મ આપણી મરજીથી નથી થતો અને યમદૂત ક્યારે બારણે ટકોરા મારે એનો અંદાજ કોઈ બાંધી નથી શકતું. જન્મ – મૃત્યુ વચ્ચેના સાંસારિક જીવનમાં અનેક એન્ટ્રી – એક્ઝિટ મનુષ્ય લેતો હોય છે, ક્યારેક મરજીથી તો ક્યારેક મજબૂરીમાં.

માસ્તર સાથેના સહજીવનના ‘અમારું ઘર’માંથી ‘મારું ઘર’ની બાદબાકી કરી ‘એમનું ઘર’ રાખી મેં ચાલતી પકડી એમાં મજબૂરી નહીં, મરજી હતી. ગુલઝાર સાહેબની પંક્તિ મને યાદ આવી ગઈ ‘છોડ આયે હમ વો ગલિયાં’. નાટક શરૂ થાય ત્યારે પડદો ખુલતા પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ જેમ પડદો ઊપડતા પહેલાની કલાકારની નર્વસનેસ ગાયબ કરી દે એમ દહિસર ભાઈના ઘરે આવી ત્યારે એનો મીઠો આવકાર મળતા મેં ગજબની નિરાંત અનુભવી હતી.

લાંબો સમય નહોતું રહેવું એટલે શું અને કેવી વ્યવસ્થા કરવી એની ગડમથલમાં હતી. ત્યાં મરાઠી નાટકની બે મહિનાની ટુરમાં ગોવા જવાનું થયું અને મેં હાશકારો અનુભવ્યો. ગોવાથી પાછા ફર્યા બાદ મુંબઈમાં નવું કામ જાણે મારી રાહ જોતું હતું અને ‘માલવપતિ મુંજ’ના રિહર્સલ શરૂ થયા. નવલકથાકાર અને નાટ્યકાર તરીકે વિશિષ્ટ પ્રદાન આપનાર કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ પર આધારિત ‘માલવપતિ મુંજ’ નાટક પ્રભુલાલ દ્વિવેદી અને રસકવિ રઘુનાથ બ્રહ્મ ભટ્ટે મળીને તૈયાર કર્યું હતું. પ્રથમ વાર ૧૯૨૪માં ભજવાયું ત્યારે તે લોકપ્રિય થયું હતું. નવલકથા -નાટકના આધારે સોહરાબ મોદીએ હિન્દી ફિલ્મ ‘પૃથ્વીવલ્લભ’ ૧૯૪૩માં બનાવી હતી. બીજા ૩૪ વર્ષ પછી ૧૯૭૬માં રવીન્દ્ર દવે દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘માલવપતિ મુંજ’ બની હતી. ગુજરાતી ફિલ્મની કથા – સંવાદમાં પ્રભુલાલ દ્વિવેદીનું યોગદાન હતું. ફિલ્મના ૧૧ ગીતમાંથી બે ગીત પ્રભુલાલ દ્વિવેદીના ‘માલવપતિ મુંજ’ નાટકમાંથી લેવામાં આવ્યા હતા.

‘માલવપતિ મુંજ’ના રિહર્સલમાંથી ઘરે પાછા ફરતા મને ૧૧-૧૨ તો સહેજે વાગી જતા. જોકે, નવા મનગમતા કામના ઉત્સાહને લીધે થાક વર્તાતો નહોતો, પણ ‘બીજી વ્યવસ્થા’ વિશે સતત વિચાર કર્યા કરતી હતી. એક દિવસ સવારે હું નીકળતી હતી ત્યારે મારા દીકરાએ ‘મમ્મી, દૂધના પૈસા આપતી જા’ એમ કહ્યું. મામાના ઘરે ભાણિયો દૂધના પૈસા માગે એ અજુગતું તો લાગે, મને પણ લાગવું જોઈતું હતું, પણ જીવનમાં એટએટલા તીવ્ર આઘાત ઝીલ્યા હતાં કે મને હવે આંચકો નહોતો લાગતો. હું જાણે કે ‘આંચકા પ્રૂફ’ બની ગઈ હતી.

ઘરમાં મારાં બાળકો ઉપરાંત બહેનના સંતાન પણ હતા એટલે એક લિટર દૂધ લઈ શકાય એટલા પૈસા આપી હું નીકળી ગઈ. રિહર્સલ પતાવી રાતે ઘરે પહોંચી ત્યારે ઘરનું વાતાવરણ એકદમ તંગ હતું. હજી મેં ઘરમાં પગ મૂક્યો ત્યાં મારી મોટી દીકરીએ મને કહ્યું, ‘મમ્મી, અહીંયા તારે નાટક કરવા હોય તો દૂધના પૈસા આપીને જ જવાનું.’ મને કંઈ સમજાયું નહીં એટલે હું ભાઈના બેડરૂમમાં ગઈ. જોઉં છું તો ભાઈ-ભાભીના મોઢા ચડેલા હતા. મને નવાઈ લાગી અને સાથે ધ્રાસ્કો પણ પડ્યો કે કંઈ અજુગતું તો નથી બન્યું ને? એટલે મેં ભાભીને સવાલ કર્યો કે ‘શું થયું ભાભી? તમારા બંનેના ચહેરા કેમ ઊતરી ગયા છે?’

ભાભીએ આ સવાલનો છણકો કરી જે જવાબ આપ્યો એ સાંભળી હું હલબલી ગઈ. ‘તમારે અહીં આવા દૂધ પીવરાવવાના નાટક નહીં કરવાના. તમે જતા રહેશો પછી બહેનનાં બાળકોને રોજ રોજ દૂધ કોણ આપશે?’ ભાભીની વાત મને વિચિત્ર લાગી, પણ એટલો ખ્યાલ તો મને આવી ગયો કે વાત કોઈ બીજી જ છે અને મારું અનુમાન સાચું પડ્યું જ્યારે ભાભી થોડા ઊંચા સ્વરે બોલ્યાં કે ‘તમે અહીં આવ્યા એ જ અમને નથી ગમ્યું. રાતે મોડા મોડા આવો છો ને અમને ઉજાગરા થાય છે.

આખો દિવસ તમારા છોકરાં પણ સંભાળવાના’… બીજું ઘણું બોલ્યા ભાભી. હું વિચારમાં પડી કે આ અચાનક વાતાવરણ કેમ બદલાઈ ગયું? વાત એમ હતી કે મારા બંને નાના ભાઈઓને એકબીજા સાથે બનતું નહોતું અને બે ભાઇમાં મોટો ભાઈ નાના ભાઈને ઘરમાંથી કાઢી મુકવા માંગતો હતો જેથી ઘરમાં એનું રાજ રહે. આ બધી મેલી રમત રમી તેણે મને ઘરમાં આવકાર આપ્યો અને મને હાથો બનાવી નાના ભાઈને હાંકી કાઢ્યો. ભાઈ નીકળી ગયા પછી હવે મારી કોઈ જરૂર ન રહી હોવાથી મારી સાથે પણ એવું વર્તન કરવા લાગ્યો કે હું પણ ઘર છોડી જતી રહું.

વચ્ચે બનેવી પણ ઘરે આવ્યા હતા અને ભાઈને કહી ગયા હતા કે ‘બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મહેશ્ર્વરીને અહીં રહેવા દેજો.’ અને તોય ભાઈ ને ભાભી મને કેમ કાઢી મુકવા માગતા હતા? એટલે મેં ભાઈને કહ્યું કે ‘મારી વ્યવસ્થા થશે એટલે તરત હું જતી રહીશ. ત્યાં સુધી મને રહેવા દ્યો.’ આ સાંભળી અચાનક ભાઇમાં દુર્વાસા મુનિ પ્રવેશ્યા હોય એમ ગુસ્સે ભરાણો અને મારું બાવડું ઝાલી બેડરૂમમાંથી બહાર ખેંચી લાવ્યો અને મારા પર ત્રાડૂક્યો ‘ખબરદાર! જો હવે એક શબ્દ પણ બોલી છે તો.’ હું ધ્રૂજી ઉઠી. સગો ભાઈ બાવડું ઝાલી નાની બહેનને ઘરની બહાર કાઢી મુકશે કે શું એવા ભયથી હું થરથરવા લાગી.

ઘડિયાળમાં રાતના બારના ટકોરા પડ્યા હતા અને મારા બાર વાગી ગયા હતા. એકદમ સુન્ન થઈ ગઈ. ભાઈ જો મને અત્યારે હાંકી કાઢશે તો હું કરીશ શું? જઈશ ક્યાં? એવા વિચારો દોડાદોડ કરવા લાગ્યા. મને કુમાર રાજડા સાંભર્યા. પ્રતિષ્ઠિત નાટ્ય લેખક કલાકાર અને ટીવી સિરિયલ ‘રામાયણ’માં સીતાના પિતા જનક રાજાના રોલથી ખ્યાતિ મેળવનારા મૂળરાજ રાજડાના ભાઈ. અમે ‘વડીલોના વાંકે’ નાટક કરતા હતા એમાં કુમાર ભાઈ મારા દિયરનો રોલ કરતા હતા. અમારું ટ્યુનિંગ જામી ગયું હતું અને એમનો સ્વભાવ પણ ઉમદા હતો. એટલે આટલી મોડી રાત થઈ હોવા છતાં ‘ભાભીએ દિયરને’ ફોન કર્યો. ફોન એમણે જ ઉપાડ્યો અને મેં સીધું પૂછ્યું કે ‘ભાઈ, બે ચાર દિવસ રહેવા માટે તારા ઘરમાં આશરો આપીશ?’ એમનું ઘર બહુ મોટું હતું એટલે વાંધો નહોતો. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કુમાર ભાઈ બોલ્યા, ‘હા બહેન, જરૂર આવો. પણ એવું તે શું થયું છે કે મધરાતે ઘરે આવવા ફોન કરવો પડ્યો?’ તેમના અવાજમાં ચિંતા વર્તાતી હતી. મેં ફોનમાં એટલું જ કહ્યું કે ‘શું થયું એ હું તને ફોનમાં તો નહીં જણાવી શકું, પણ થોડા દિવસ મને સંભાળી લઈશ તો બહુ મોટો ઉપકાર થશે.’

ફોન મૂકી હું હવે કેવી રીતે નીકળવું એની ગડમથલમાં પડી ગઈ. એક તો મધરાત વીતી ગઈ હતી અને બે બાળકો ગાઢ નીંદરમાં હતાં. મારી મૂંઝવણનો ઉકેલ મળે એ પહેલા ભાઈ એની રૂમમાંથી બહાર આવી મારી સામે ડોળા કાઢી રોષપૂર્વક બોલવા લાગ્યો કે ‘હવે તું બહાર નીકળી મારી પત્નીની બદનામી કરીશ કે તેણે ઘરમાંથી કાઢી મૂકી. તારા મુશ્કેલ સંજોગોમાં અમે તને રહેવા દીધી એનો બદલો તું નાલેશી કરીને વાળીશ એમ ને! આ બધું તને શોભે છે?’ સ્તબ્ધ બની બધું મેં ચૂપચાપ સાંભળી લીધું અને ‘આ બધું તને શોભે છે?’ એવું મનોમન બોલી પણ ખરી. જોકે, એ વખતે લાગણી – આવેશને કાબૂમાં રાખી વ્યવહારુ વલણ અપનાવવું જરૂરી હતું. મેં એને કહ્યું ‘હું તારી બહેન છું. મારા ભાઈ – ભાભીને બદનામ કરવાનો વિચાર પણ મનમાં નથી. મને થોડા દિવસ રહેવા દે. સત્વરે વ્યવસ્થા કરી હું જતી રહીશ. અત્યાર સુધી ભાઈના દિમાગમાં ફેલાયેલા રાવણની એક્ઝિટ થઈ અને દિલમાં જાણે કે રામ વસ્યા અને એ એટલું જ બોલ્યો કે ‘સારું. અત્યારે જવાની જરૂર નથી. તારી વ્યવસ્થા થાય ત્યાં સુધી અહીં જ રહેજે.’ એમ કહી સૂવા જતો રહ્યો. પણ મારી નીંદર વેરણ થઈ ગઈ હતી. ‘બીજી વ્યવસ્થા’ના વિચારો મને ઊંઘવા નહોતા દેતા.                              

મર્ઝબાન સાહેબ: રમૂજમાં લાક્ષણિકતા

રમૂજી અને રમતિયાળ સ્વભાવના અદી મર્ઝબાન સાથે કામ કરવાનો અનુભવ મારા નાટ્ય જીવનનું વિશિષ્ટ સંભારણું છે. ગુજરાતી નાટકોની રજૂઆત સંદર્ભે ‘શ્ર્લીલ- અશ્ર્લીલ’નો મુદ્દો પ્રસંગોપાત ચર્ચાતો હોય છે ત્યારે મર્ઝબાન સાહેબના લોકપ્રિય ટીવી કાર્યક્રમ ’આવો મારી સાથે’માં કામ કરતી વખતે તેમણે કહેલો એક રમૂજી કિસ્સો યાદ આવ્યો છે જે વાચકો સાથે શેર કરું છું. મર્ઝબાન સાહેબના નાટકોના ટાઈટલ પણ મજેદાર રહેતા, જેમકે ‘અર્ધી રાતે આફત’, ‘કાકા થયા વાંકા’, ‘માથે પડેલા મફતલાલ’, ‘ઘરડી ઘોડી લાલ લગામ’ વગેરે વગેરે. પારસી નાટકોમાં કોઈ પણ પ્રકારના દંભ – ડોળ વિના જાત પર હસવાની ખાસિયત જોવા મળતી. તેમના એક નાટકમાં અશ્ર્લીલતા હોય છે એની સામે આક્રોશ દર્શાવવા એક પ્રેક્ષક છેક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, અકળાયેલા પ્રેક્ષક સામે મર્ઝબાન સાહેબ જરાય અકળાયા નહીં અને સસ્મિત એની વાત સાંભળી. પછી પોતાના ઘરના વેંટિલેટરમાંથી પાડોશમાં રહેતા દંપતીને ખબર ન પડે એમ એમની રૂમમાં ડોકિયું કરવા ઊંચા સ્ટૂલ પર આગંતુકને ચડાવી દીધા. આ ઘટનામાં ગૂંથાઈ ગયેલા પ્રેક્ષકને ખ્યાલ જ ના આવ્યો કે પોતે શું કરી રહ્યો છે અને ખ્યાલ આવ્યો ત્યારે નિખાલસ પણે હસી પડ્યો હતો. શ્ર્લીલ- અશ્ર્લીલનો ભેદ સમજવા માટે આ પ્રસંગ અત્યંત ધારદાર છે, નહીં!

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article