મુંબઈ: બુલેટ ટ્રેન પ્રકલ્પમાં મુંબઈના અંડરગ્રાઉન્ટ બીકેસી સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ સ્લેબ બેસાડીને મોટી સિદ્ધિ મેળવી છે. આ સ્લેબ જમીનથી ૩૨ મીટરના ઊંડાણમાં બેસાડવામાં આવ્યો છે જે ૧૦ માળની ઇમારતના બરાબર છે. આ કોંક્રિટ સક્લેબ ૩.૫ મીટર ઊંચો, ૩૦ મીટર લાંબો અને વીસ મીટર પહોળો છે.
બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્ટેશન માટે કુલ ૬૯ સ્લેબ બેસાડવામાં આવનાર છે જેમાંથી આ પ્રથમ હતો. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું આ એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે, એમ નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ ગતિ આવી
આ અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં ત્રણ માળ હશે જેમાં પ્લેટફોર્મ, ચોગાન અને સર્વિસ ફ્લોરનો સમાવેશ થાય છે. સ્ટેશન તો જમીનથી ૨૪ મીટરના ઊંડાણમાં હશે, પરંતુ સ્ટેશનનું ખોદકામ જમીનથી ૩૨ મીટર સુધી ઊંડાણમાં થવાનું છે, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.
બીકેસી સ્ટેશનમાં ૪૧૫ મીટરના છ પ્લેટફોર્મ હશે જેમાં ૧૬ કોચની બુલેટ ટ્રેનનો સહેલાઇથી સમાવેશ થઇ જશે. મેટ્રો-ટુબી સ્ટેશન અને એમટીએલએલ બિલ્ડિંગની નજીક બે એન્ટ્રી/એક્ઝિટ પોઇન્ટ ઉપલબ્ધ હશે.
આપણ વાંચો: આણંદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, ત્રણથી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાયા
અન્ય સ્ટેશનો માટે જમીનથી ૧૮.૭ લાખ ક્યુબિક મીટર ખોદકામ કરવાની જરૂર છે જેમાંથી ૫૨ ટકાનું ખોદકામ પૂર્ણ થઇ ગયું છે.
‘આ સાઇટ પર પ્રવાસીઓની સુરક્ષાને કારણે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ કોંક્રિટ સ્લેબ બેસાડીને મોટી સિદ્ધિ મળી છે’, એમ એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર વિવેકકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને