મુંબઈઃ મુંબઈથી ગુજરાત અને રાજસ્થાનની ડાયરેક્ટ કનેક્ટિવિટીને કારણે સૌથી વધુ પેસેન્જર ટ્રાફિક રહે છે, તેમાંય વળી પશ્ચિમના વિવિધ સ્ટેશન પૈકી ભાયંદરમાં સૌથી વધુ રાજસ્થાનના વતનીઓ રહે છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાત-રાજસ્થાનની અમુક ટ્રેનોને ભાયંદરમાં હોલ્ટ આપી શકાય, જેથી પ્રવાસીઓને છેક મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે.
આ પણ વાંચો : 12 કલાકનો બ્લોક પ્રવાસીઓના વગાડશે 12, જાણી લો ક્યારે હશે નાઈટ બ્લોક?
ગુજરાત અને રાજસ્થાન જનારી લાંબા અંતરની ટ્રેનોને ભાયંદર સ્ટેશન પર હૉલ્ટ આપવામાં આવશે, એવી જાહેરાત કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી હતી. ભાયંદરમાં ચૂંટણી પ્રચાર માટે વૈષ્ણવ આવ્યા હતા. હજારો પ્રવાસીઓને થનારી અસુવિધા તરફ ધ્યાન ખેંચ્યા બાદ તેમણે ઉક્ત જાહેરાત કરી હતી.
મીરા-ભાયંદરમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને અહીંની વસતી ૧૫ લાખની આસપાસ પહોંચી ગઇ છે. અહીં ગુજરાતી અને રાજસ્થાનીઓની સંખ્યા વધુ છે. તેઓને વતન જવા માટે બોરીવલી અથવા મુંબઈના અન્ય ટર્મિનસનો સહારો લેવો પડતો હોય છે. સવારે વહેલા ઊઠીને લોકલની ભીડમાં ટર્મિનસ સુધી પહોંચવા માટે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
રવિવારે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ભાયંદર આવ્યા હતા. ત્યારે તેમની સમક્ષ ગુજરાત અને રાજસ્થાન જતી ગુજરાત સુપર ફાસ્ટ, કર્ણાવતી એક્સપ્રેસ, અમદાવાદ વંદે ભારત, સૌરાષ્ટ્ર મેલ, જોધપુર એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ, રણકપુર એક્સપ્રેસ વગેરે ટ્રેનોને ભાયંદર સ્ટેશન પર હૉલ્ટ આપવાની માગણી કરવામાં આવી હતી. વૈષ્ણવે આ અંગે વિચારણા કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો : Assembly Election: ચૂંટણીના દિવસે મધરાત સુધી દોડાવાશે મેટ્રો અને બેસ્ટની બસ
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે કોસ્ટલ રોડને મીરા-ભાયંદર સુધી લાવવા માટેની તમામ પરવાનગી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી બાદ તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.