ચંદ્રપુર/યવતમાળ/હિંગોલી: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા નેતાઓના વિરોધ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વકફ કાયદામાં સુધારો કરશે.
મહારાષ્ટ્રમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધતાં અમિત શાહે જાહેર કર્યું હતું કે, મોદી સરકાર છત્તીસગઢમાંથી નક્સલવાદનો 31 માર્ચ, 2026 પહેલાં સફાયો કરી નાખશે. તેમણે કૉંગ્રેસના નેતા અને સંસદસભ્ય રાહુલ ગાંધીને હિન્દુત્વ વિચારધારાના વિનાયક દામોદર સાવરકર અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે માટે સાર્વજનિક રીતે બે સારા શબ્દો બોલવાનો પડકાર ફેંક્યો હતો.
‘મોદીજી વક્ફ બોર્ડના કાયદામાં ફેરફાર કરવા માગે છે, પરંતુ ઉદ્ધવજી, શરદ પવાર અને સુપ્રિયા સુળે તેનો વિરોધ કરી રહ્યા છે.’
‘ઉદ્ધવજી, ધ્યાનથી સાંભળો, તમે બધા તમે ગમે તેટલો વિરોધ કરી શકો છો, પરંતુ મોદીજી વકફ એક્ટમાં સુધારો કરશે,’ એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
શાહે કહ્યું કે 20 નવેમ્બરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બે છાવણીઓ છે, એક ‘પાંડવો’ જેનું પ્રતિનિધિત્વ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ દ્વારા કરવામાં આવ્યું છે અને બીજું ‘કૌરવો’નું પ્રતિનિધિત્વ મહા વિકાસ આઘાડી દ્વારા કરવામાં આવ્યું છે.
ઉદ્ધવ ઠાકરે એવો દાવો કરે છે કે તેમની શિવસેના વાસ્તવિક છે. શું અસલી શિવસેના ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાનો વિરોધ કરી શકે? શું અસલી શિવસેના અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાનો વિરોધ કરી શકે? અસલી શિવસેના તો ભાજપની સાથે છે, એમ શાહે કહ્યું હતું.
રાહુલ બાબા કહેતા હતા કે તેમની સરકાર લોકોના ખાતામાં ખટાખટ પૈસા જમા કરશે. તમે હિમાચલ, કર્ણાટક અને તેલંગણામાં તમારા વચનો પૂરા કરવામાં અસમર્થ હતા, એમ તેમણે કહ્યું હતું.
અમિત શાહે કહ્યું કે મહાયુતિ ગઠબંધને વચન આપ્યું છે કે મહિલાઓને લાડકી બહેન યોજના હેઠળ દર મહિને 2,100 રૂપિયા મળશે.
શાહે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને દુનિયાની કોઈ પણ શક્તિ તેને આપણી પાસેથી છીનવી નહીં શકે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પછી પણ જંગ ખેલાવાના અણસાર, જાણો નેતાઓ શું કહે છે
અમિત શાહે રાહુલ ગાંધીને સાવરકર, બાલ ઠાકરેના વખાણ કરવાની હિંમત કરવાનો પડકાર ફેંક્યો
હિંગોલી: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે વિશે બે સારા શબ્દોની બોલવાની હિંમત કરવાનો પડકાર ફેંક્યો હતો.
‘ઉદ્ધવ જી, જો તમારામાં હિંમત હોય, તો રાહુલ બાબાને વીર સાવરકર અને બાળાસાહેબ વિશે બે સારા શબ્દો બોલવા માટે કહો,’ એમ શાહે મહારાષ્ટ્રના હિંગોલીમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું.
અમિત શાહે કહ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વિશ્ર્વાસ સાથે કહ્યું હતું કે તેમની પાર્ટીની જીત થઈ છે. લોકશાહીમાં આટલો ઘમંડ. પરિણામો જુઓ, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો અને ભાજપે સરકાર બનાવી.
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે સોનિયા ગાંધીએ તેમના પુત્રને 20 વખત લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો. તેમનું રાહુલ વિમાન મહારાષ્ટ્રની ચૂંટણીમાં 21મી વખત ક્રેશ થવા જઈ રહ્યું છે.
શાહે કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નક્કી કરશે કે રાજ્ય છત્રપતિ શિવાજી મહારાજ અને વીર સાવરકરના માર્ગને અનુસરે છે કે ઔરંગઝેબના માર્ગને.
ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ શિવાજી મહારાજ અને વીર સાવરકરનો માર્ગ પસંદ કર્યો છે, જ્યારે મહા વિકાસ આઘાડીના લોકો ઔરંગઝેબ ફેન ક્લબ છે, એમ તેમણે કહ્યું હતું.
કર્ણાટકમાં વકફ બોર્ડે ગામો, મંદિરો, ખેડૂતોની જમીનો અને લોકોના ઘરોને વકફ પ્રોપર્ટી તરીકે જાહેર કર્યા છે. અમે વકફ એક્ટમાં સુધારો કરવા માટે બિલ લાવ્યા છીએ, પરંતુ શરદ પવાર એન્ડ કંપની આ બિલનો વિરોધ કરી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વચ્ચે PM મોદી કૃષ્ણ ભક્તિમાં થયા લીન, જુઓ વીડિયો
31 માર્ચ, 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદને ખતમ કરી દઈશું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદને ખતમ કરી દેશે.
મોદીજીએ દેશને આતંકવાદ અને નક્સલવાદથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તેમણે દેશને સમૃદ્ધ બનાવવા અને વિશ્ર્વમાં તેનું સન્માન વધારવાનું કામ કર્યું છે, એમ અમિત શાહે મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું.
શાહે કહ્યું, ‘છત્તીસગઢમાં જે પણ (નક્સલી સંકટ) બાકી છે, અમે તેને 31 માર્ચ, 2026 સુધીમાં ખતમ કરીશું.’
મોદીજીએ મહારાષ્ટ્રના વિકાસ માટે 15.10 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. આ સાથે, મહારાષ્ટ્રમાં પણ ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, એમ શાહે કહ્યું હતું.
‘જો તમે અહીં મહાયુતિની સરકાર બનાવો છો, તો મહારાષ્ટ્રનું ગૌરવ પુન:સ્થાપિત થશે જે મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન ખોવાઈ ગયું હતું,’ એમ તેમણે કહ્યું હતું.
શાહે ભીડને પૂછ્યું હતું કે શું તેઓ ઇચ્છે છે કે મહા વિકાસ અઘાડીની ઔરંગઝેબ ફેન ક્લબની સરકાર 20 નવેમ્બરની વિધાનસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં સત્તામાં આવે? ત્યારે લોકોએ તેનો જવાબ નકારાત્મક આપ્યો હતો.
આ પણ વાંચો : Assembly Election: આખરે શરદ પવારે મુખ્ય પ્રધાન માટે કરી મનની વાત…