India successful  the semi-finals of the Under-19 Asia Cup, whitethorn  look   Pakistan successful  the final

શારજાહઃ 13 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર વૈભવ સૂર્યવંશીએ તેમ જ મુંબઈના રાઇટ-હૅન્ડ ઓપનિંગ બૅટર આયુષ મ્હાત્રેએ ભારતની અન્ડર-19 ટીમને અહીં વન-ડેના એશિયા કપમાં યુએઇ સામેની ક્વૉર્ટર ફાઇનલ જેવી મૅચમાં 143 રનની અતૂટ ઓપનિંગ ભાગીદારીની મદદથી વિજય અપાવીને સેમિ ફાઇનલમાં આસાન પ્રવેશ અપાવ્યો હતો જેમાં ભારતનો મુકાબલો શુક્રવારે શ્રીલંકા સામે થશે. હવે સમીકરણ એવું બન્યું છે જેમાં ભારત અને પાકિસ્તાન રવિવારની ફાઇનલ (સવારે 10.30 વાગ્યાથી)માં સામસામે આવી શકે. પ્રથમ લીગ મૅચમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો એટલે ભારતને બદલો લેવાનો સારો મોકો મળી શકે.

ભારત આ ટૂર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને દસમાંથી આઠ વખત ચૅમ્પિયન બન્યું છે.

બિહારના વૈભવને તાજેતરમાં જ રાજસ્થાન રૉયલ્સે આઇપીએલ-ઑક્શનમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આ એશિયા કપની પહેલી બે મૅચમાં (1 અને 23 રન) સારું નહોતો રમી શક્યો, પણ બુધવારે યુએઇ સામે ઝળકીને પોતાની ટૅલન્ટ બતાવી આપી હતી.

વૈભવ 46 બૉલમાં છ સિક્સર તથા ત્રણ ફોરની મદદથી અણનમ 76 રન બનાવ્યા હતા, જ્યારે તેના જોડીદાર ઓપનર આયુષ મ્હાત્રેએ 51 બૉલમાં ચાર સિક્સર, ચાર ફોર સાથે અણનમ 67 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 143 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. એ પહેલાં, આયુષે એક વિકેટ પણ લીધી હતી તેમ જ એક બૅટરને રનઆઉટ કર્યો હતો.

યુએઇની ટીમ બૅટિંગ પસંદ કર્યા બાદ 44 ઓવરમાં 137 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પેસ બોલર યુધજિત ગુહાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ચેતન શર્મા અને હાર્દિક રાજે બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : જુનિયર એશિયા કપમાં ભારતે જાપાનને તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાનું શરૂ કરી દીધું…

ભારતીય ટીમે વિના વિકેટે 16.1 ઓવરમાં 143 રન બનાવીને 10 વિકેટના માર્જિનથી આ મૅચ જીતી લીધી હતી. ભારતને 138 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને 17મી ઓવરના પ્રથમ બૉલમાં આયુષ મ્હાત્રેએ મૅચ-વિનિંગ છગ્ગો માર્યો હતો. યુએઇના પાંચમાંથી એક પણ બોલરને વિકેટ નહોતી મળી.

બુધવારની અન્ય એક મૅચમાં પાકિસ્તાને જાપાનને 180 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાને છ વિકેટે 243 રન બનાવ્યા બાદ જાપાનની ટીમ ફક્ત 63 રનમાં આઉટ થઈ ગઈ હતી. ચાર જાપાનીઝ બૅટરના ઝીરો હતા. પાકિસ્તાનના લેફ્ટ-આર્મ સ્પિનર મોહમ્મદ હુઝૈફાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. જાપાને છેલ્લા 12 બૉલમાં ચાર વિકેટ ગુમાવી હતી. શુક્રવારની સેમિ ફાઇનલમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને