નવી દિલ્હીઃ આઇસીસીએ મંગળવારે મહિલા ક્રિકેટર્સના નવા રૅન્કિંગ જાહેર કર્યા હતા જેમાં ખાસ કંઈ નવા ફેરફાર નથી જોવા મળ્યા, પરંતુ ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર ટૉપ-ટેનમાં ફરી સ્થાન મેળવવામાં સફળ થઈ છે.
ભારતીય મહિલા ટીમે તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પર્ફોર્મ કર્યું હતું. ખાસ કરીને હરમનપ્રીત એમાં સારું નહોતી રમી, પરંતુ ત્યાર બાદ અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડની મહિલા ટીમ સામે જે વન-ડે શ્રેણી રમાઈ હતી એમાં તેણે સારો દેખાવ કર્યો હતો. ભારતે એ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
અમદાવાદમાં નિર્ણાયક વન-ડે ભારતે જીતી લીધી હતી. હરમનપ્રીતે એ મૅચમાં 63 બૉલમાં છ ફોરની મદદથી 59 રન બનાવ્યા હતા. હરમનપ્રીત ત્રણ સ્થાનની છલાંગ લગાવીને નવમા નંબર પર આવી ગઈ છે. હરમનના કિવી કૅપ્ટન સૉફી ડિવાઇન જેટલા 654 પૉઇન્ટ છે અને તેઓ સંયુક્ત રીતે નવમા નંબરે છે.
આ પણ વાંચો : હરમનપ્રીત કૌર જ કૅપ્ટન: રિચા ઘોષ બારમાની પરીક્ષાને કારણે કિવીઓ સામે નહીં રમે
ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના વન-ડે બૅટર્સના રૅન્કિંગમાં 728 પૉઇન્ટ સાથે ચોથા નંબર પર જળવાઈ રહી છે.