ઇમ્ફાલ: મણિપુરમાં વકરી રહેલી હિંસાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ હિંસા પ્રભાવિત જીરિબામ સહિત મણિપુરના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સશસ્ત્ર દળ અધિનિયમને ફરીથી લાગુ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોની કામગીરીને સરળ બનાવવા માટે વિસ્તારને “અશાંત” જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ રાતોરાત કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર દળના 2000 જવાનને મોકલ્યા
AFSPA ફરીથી લાગુ:
જે પોલીસ સ્ટેશન વિસ્તારો AFSPA ફરીથી લાગુ કરવામાં આવ્યા છે તેમાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સેકમાઇ અને લમસાંગ, ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં લમલાઇ, જીરીબામ જિલ્લામાં જીરીબામ, કાંગપોકપીમાં લેમાખોંગ અને વિષ્ણુપુરમાં મોઇરાંગનો સમાવેશ થાય છે. 1 ઓક્ટોબરના રોજ મણિપુર સરકારે 19 પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય સમગ્ર રાજ્યમાં AFSPA લાગુ કરી દીધો છે.
ઉગ્રવાદીઓએ કર્યું CRPF કેમ્પ પર ફાયરિંગ:
મણિપુરના જિરીબામ જિલ્લામાં છ વર્દીધારી અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ ઉગ્રવાદીઓએ એક પોલીસ સ્ટેશન અને નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ સોમવારે સેના સાથે અથડામણમાં 11 શંકાસ્પદ આતંકવાદીઓ ઠાર મરાયા છે. તેના એક દિવસ બાદ એ જિલ્લાથી સશસ્ત્ર આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સહિત છ નાગરિકોના અપહરણ કરી લીધા.
જાતિય હિંસામાં 200થી વધુ મોત:
ગત વર્ષે મે મહિનાથી ઈમ્ફાલ ઘાટીમાં આવેલ મેઇતેઈસ અને નજીકની પહાડીમાં સ્થિત કુકી-જો સમૂહો વચ્ચે જાતિય હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘરવિહોણા થયા છે. જાતિગત રીતે વિવિધતા ધરાવતા જિરીબામ કે જે ઈમ્ફાલ ઘાટી અને આસપાસની પહાડીઓમાં અથડામણથી અળગો રહ્યો હતો પરંતુ આ વર્ષે જૂનમાં એક ખેતરમાં એક ખેડૂતનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.