મુંબઈ: મલયેશિયાના બુસાઈ મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના ઑક્ટોબર વાયદામાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૪૦ અને ૪૫ રિંગિટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. તેમ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં વેપાર છૂટાછવાયા રહ્યા હોવાથી આરબીડી પામોલિનમાં ટકેલું વલણ રહ્યું હતુ, પરંતુ સોયા અને સન રિફાઈન્ડના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા. વધુમાં આજે સ્થાનિકમાં મથકો પાછળ દેશી તેલમાં કપાસિયા રિફાઈન્ડ અને સરસવના ભાવમાં અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ અને રૂ. ૨૦ વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિકમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપારો છૂટાછવાયા રહ્યાના અહેવાલ હતા. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં અલાના અને ગોલ્ડન એગ્રીના રૂ. ૧૩૦૦ અને રિલાયન્સ રિટેલના રૂ. ૧૩૦૨ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના સન રિફાઈન્ડના રૂ. ૧૩૦૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૦ અને આરબીડી પામોલિનના રૂ. ૧૩૦૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ રહ્યો હતો. હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૧૦, સોયા રિફાઈન્ડ અને સનરિફાઈન્ડના રૂ. ૧૨૯૦, સિંગતેલના રૂ. ૧૫૨૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૩૦ અને સરસવના રૂ. ૧૪૫૦ના રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૩૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૬૦માં થયા હતા. આજે રાજસ્થાનનાં મથકો પર સરસવની અંદાજે ૧.૭ લાખ ગૂણીની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૯૭૫થી ૭૦૦૦માં થયા હતા, જ્યારે સરસવ એક્સ્પેલર અને કચ્ચી ઘાણીના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૩૧ અને રૂ. ૧૪૪૧માં તથા સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૬૨૫થી ૨૬૩૦માં થયા હતા. તેમ જ આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાબીનની ૧.૭૦ લાખ ગૂણીની આવક હતી, જેના મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૯૦૦થી ૪૬૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૫૭૫થી ૪૭૦૦માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.