Question people    implicit    societal  media icons representing authorities  spot    during HNPV microorganism  threat.

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે તેથી રાજકીય પક્ષો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. આ કારણે રાજકારણીઓ ફટાફટ નિતનવા વેશ ધારણ કરી રહ્યાં છે. સામાન્ય રીતે રાજકારણીઓ ચૂંટણીઓમાં ગરીબ મતદારોને રીઝવવા માટેના વેશ જ ધારણ કરતા હોય છે કેમ કે આ દેશમાં ગરીબોની સંખ્યા વધારે છે અને ગરીબોને નાના નાના ટુકડા ફેંકીને ઝડપથી ખરીદી શકાય છે એવી રાજકારણીઓની માનસિકતા છે.

આ માનસિકતાના કારણે દિલ્હીમાં પણ ગરીબો પર રાજકારણીઓ બરાબર વરસી રહ્યા છે. ગરીબ પરિવારોને મફત અનાજ, ગરીબ મહિલાઓને મહિને આટલા રૂપિયા, ગરીબ વિદ્યાર્થીઓને મફત આ ને પેલું એવી નિતનવાં વચનોની લહાણી થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અચાનક નવો વેશ ધારણ કરીને પ્રગટ થયા છે.

અરવિંદ કેજરીવાલને અચાનક જ મધ્યમ વર્ગ પર હેત ઊભરાયું છે તેથી તેમણે મધ્યમ વર્ગ માટેનો મેનિફેસ્ટો બહાર પાડી દીધો. કેજરીવાલના કહેવા પ્રમાણે, આ દેશનો મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમનો શિકાર બન્યો છે અને મધ્યમ વર્ગ સરકારનું એટીએમ બની ગયો છે. કેન્દ્રમાં આવેલી સરકારોએ ડરાવી-ધમકાવીને મધ્યમ વર્ગને કાબૂમાં રાખ્યો છે અને એ લોકો મધ્યમ વર્ગ માટે કંઈ કરતા નથી. કેજરીવાલના કહેવા પ્રમાણે, સરકારને તેમની જરૂર પડે છે ત્યારે સરકાર ટેક્સના હથિયારનો ઉપયોગ કરીને તેમને ખંખેરે છે ને બદલામાં મધ્યમ વર્ગને કશું જ નથી મળતું.

કેજરીવાલે એલાન કર્યું છે કે, હું અને આમ આદમી પાર્ટી મધ્યમ વર્ગનો અવાજ શેરીઓથી લઈને સંસદ સુધી ઉઠાવીશું અને બજેટ સત્રમાં અમારા સાંસદો મધ્યમ વર્ગની માંગણી કરશે. મધ્યમ વર્ગ માટે કેજરીવાલે સાત માંગણીઓ પણ મૂકી છે ને તેના પર પણ નજર નાંખી લઈએ, કેજરીવાલના કહેવા પ્રમાણે, શિક્ષણ બજેટ બે ટકાથી વધારીને 10 ટકા કરવું જોઈએ અને ખાનગી શાળાઓમાં ફી પર નિયંત્રણ રાખવું જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે સબસિડી અને શિષ્યવૃત્તિ આપવી જોઈએ.

કેજરીવાલે એવી માગણી પણ કરી છે કે, આરોગ્ય બજેટ વધારીને 10 ટકા કરવું જોઈએ અને જીવન વીમા પરનો કર નાબૂદ કરવો જોઈએ. આવકવેરા મુક્તિની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવી જોઈએ અને આવશ્યક ચીજવસ્તુઓ પરથી જીએસટી દૂર કરવો જોઈએ. વૃદ્ધો માટે સારી નિવૃત્તિ અને પેન્શન યોજના હોવી જોઈએ. વૃદ્ધોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મળવી જોઈએ. વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરી પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળવું જોઈએ.

કેજરીવાલના કહેવા પ્રમાણે, મધ્યમ વર્ગ આપણો દેશ ચલાવે છે અને સારી નોકરી કે ધંધો, પોતાનું ઘર, સારું ભણતર, સ્વસ્થ કુટુંબ જેવાં તેમનાં સપનાં હોય છે. સામાન્ય મધ્યમ વર્ગનો માણસ આ સપનાંને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે પણ મોટાભાગની સરકારો ન સારી શાળાઓ બનાવી શકી કે હૉસ્પિટલો બનાવી શકી. આપણી સરકારો રોજગાર પણ આપી શકતો નથી ને બીજી તરફ મધ્યમ વર્ગ પર ટેક્સ પર ટેક્સ લાદવામાં આવે છે. દુનિયાના કોઈ દેશમાં મધ્યમ વર્ગને આટલો પરેશાન નહીં કરાતો હોય.

કેજરીવાલની વાત સો ટકા સાચી છે પણ કેજરીવાલના ઈરાદા સારા નથી. કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હીમાં સળંગ 10 વર્ષથી સરકાર ચલાવે છે પણ અત્યાર સુધી કદી તેમણે મધ્યમ વર્ગની ચિંતા કરી નથી. હવે અચાનક તેમને મધ્યમ વર્ગ પર આટલું બધું હેત ઊભરાઈ આવ્યું. તેમના હિતોની આટલી ચિંતા થઈ આવી તેનું કારણ દિલ્હીની ચૂંટણી છે. દિલ્હીમાં ફરી સત્તા કબજે કરવા માટે એ મધ્યમ વર્ગ પર ઓળઘોળ થઈ રહ્યા છે અને મધ્યમ વર્ગના હિતેચ્છુ હોય એવો ડોળ કરી રહ્યા છે. એક જમાનામાં ભાજપના નેતા પણ આવો ડોળ કરતા હતા. ભાજપ સત્તામાં નહોતો ત્યારે મધ્યમ વર્ગને રીઝવવા માટે આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાનું વચન આપતો હતો. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ સત્તાવાર રીતે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાનું વચન આપેલું પણ સત્તા મળતાં જ ભાજપ આખી વાત જ ભૂલી ગયો.

ભાજપના નેતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેમાં કકળાટ કરી મૂકતા ને ભાજપની ચમચાગીરી કરી કરીને માલદાર થયેલા બાબા રામદેવ તો પાંત્રીસ રૂપિયે લિટર પેટ્રોલ આપવાની વાતો કરતા હતા. ભાજપના નેતા બીજું શું શું કહેતા હતા એ મોદી સાહેબના જૂના વીડિયો જોશો તો ખબર પડી જશે ને થોડીક પણ બુદ્ધિ હશે તો આ દેશના મધ્યમ વર્ગને સિસ્ટેમેટિકલી જાળમાં ફસાવીને કઈ રીતે છેતરવામાં આવ્યો તેનો અહેસાસ પણ થશે. ભાજપના નેતા હવે એ બધી વાતો કરી શકે તેમ નથી એટલે હિંદુ વર્સિસ મુસ્લિમ કરીને દુકાન ચલાવવા મથે છે તેથી કેજરીવાલે મધ્યમ વર્ગનો ઝંડો લીધો છે.

હવે કેજરીવાલની વાતોમાં આવવું કે નહીં એ દિલ્હીની પ્રજાએ નક્કી કરવાનું છે પણ કેજરીવાલની એક વાત સાચી છે કે, આ દેશનો મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમનો ભોગ બન્યો છે. આ દેશમાં મધ્યમ વર્ગ કંઈ પણ કરે, તેના પર તેણે ટેક્સ ભરવો પડે છે. વધારે આઘાતજનક વાત એ છે કે, આપણે બધા મલ્ટિ લેવલ ટેક્સનો શિકાર છીએ. કમાણી કરીએ તો તેના પર ઈન્કમટેક્સ ભરવો પડે ને ટેક્સ કપાયા પછીની આવકમાંથી કોઈ વસ્તુ ખરીદો તો તેના પર જીએસટી ભરવો પડે. તમે મોબાઈલ કોલ સર્વિસ વાપરો તો તેના પર પણ ટેક્સ ભરવો પડે ને ખાવા માટે પિઝા મંગાવો પડે તો તેના પર પણ ટેક્સ ભરવો પડે. બીમારી આવી પડે ત્યારે તકલીફ ના પડે એટલે મેડિક્લેઈમ લો તો તેના પર પણ ટેક્સ ભરવો પડે ને મર્યા પછી પરિવારને થોડાક રૂપિયા મળે એ માટે બચત કરીને લાઈફ ઈન્સ્યોરન્સ લો તો પણ ટેક્સ ભરવો પડે.

અને આ બધી ટેક્સની કમાણી શામાં વપરાય ?
આ દેશનાં 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ, તેલ, ખાંડ, મીઠું વગેરે આપવામાં વપરાય. મધ્યમ વર્ગ મજૂરી કરે ને ગરીબો મફતના રોટલા તોડે. બેશરમીની હદ પાછી એ છે કે સત્તામાં બેઠેલા લોકો 80 કરોડ ગરીબોને મફત અનાજ આપવા માટે ગર્વ અનુભવે. કમનસીબે આ દેશના મધ્યમ વર્ગને આ બધું સમજાતું નથી. તેમને રાહુલ ગાંધી વિદેશ કેમ જાય છે તેમાં રસ છે ને સંભલમાં જામા મસ્જિદની નીચે શું મળ્યું તેમાં રસ છે. રૂપિયો ડોલર સામે ગબડીને 87 રૂપિયા પર આવી ગયો તોય આપણે વિશ્વગુરુ છીએ એવા જૂઠાણાંમાં રસ છે. તો ભોગવો, બીજું શું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને