સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ
દેવ આનંદ, મધુબાલા, રાજેશ ખન્ના, માધુરી દીક્ષિત, નસીરુદીન શાહ હમણાં હુમલા બાદ સૈફ અલી ખાન, જ્યારે હસતા હસતા ઘરે પાછો ફર્યો ત્યારે અનેક સવાલ ઉઠ્યા કે કરોડરજ્જુમાં ચાકુનાં તીક્ષ્ણ ઘા પછી પણ કોઈ કઈ રીતે પાંચ જ દિવસમાં ઘરે સ્માઇલ સાથે પાછો ફરી શકે? શું આ મેડિકલી શક્ય છે? આ આખી ફિલ્મી ઘટનામાં ખબર પડતી નથી, પણ સૈફ કે એના જેવા સ્ટારનું સ્માઇલ કે સ્મિત, એ ફિલ્મ માટે બહુ મોટું હથિયાર છે. એકવાર હોલિવૂડના એક જાણીતા નિર્દેશકને પૂછવામાં આવ્યું કે કોઇ સ્ટારની સફળતામાં સૌથી અગત્યનું શું તત્ત્વ છે? એમણે માત્ર એટલું જ કહ્યું: કલાકારની આંખો અને એનું સ્માઇલ સ્મિત. ચહેરાનાં હાવભાવ સિનેમાનાં મોટા પડદા પર એક મેજિકની જેમ કામ કરે છે, કારણ કે સામાન્ય રીતે માણસના છ-આઠ ઇંચનાં ચહેરાને તમે સિનેમાના પડદા પર 60-70 ઇંચનો બનતો જોઇ શકો છો. એક એક રેખા, એક એક હાવભાવ બધું જ 100 ગણું થઇને વિશાળકાય દેખાય છે.
પુસ્તકમાં ચહેરાનું વર્ણન કરવા લેખકે પાનાં ને પાનાંઓ ઘસડવા પડે છે, પણ સિનેમામાં હીરો-હીરોઇનનો એક ‘ક્લોઝ-અપ’ એ જ કામ 3-4 સેકંડમાં કરી આપે છે! મેર્લિન મનરો, નૂતન, મુમતાઝ, મધુબાલા, માધુરી કે ચાર્લી ચેપ્લિન, કિશોર કુમાર, મહેમૂદ, શાહરૂખ, દેવ આનંદ, રાજેશ ખન્ના, આમિર ખાન કે રણબીર કપૂરના એક સ્મિતથી જે કામ થઇ જાય છે એ નસીરૂદ્દીન શાહ કે નવાઝુદ્દીન જેવા સારાં કલાકારો નથી કરી શકતાં , કારણ કે એ બધાં જ એરંડિયું પીધેલ ચીર-ચિંતિત ચહેરા સાથે જનમ્યા છે. સોરી, પણ એ ગ્લેમર જગતનું સત્ય છે. સ્મિતા પાટિલ કે શબાના આઝમી કે આજની રાધિકા આપ્ટે કે આલિયા ભટ્ટ માટે એ લાગુ નથી પડતું, કારણકે એમનામાં જરાંતરાં તો સારું હાસ્ય છે, જેમાં એક વખત તો દિલને ટચ કરી જતી સચ્ચાઇ દેખાય છે.
કેટલાક માણસોનું હાસ્ય જ કોનસ્ટિપેટેડ કે કબજિયાતવાળું હોય છે, જેમ કે- સોનમ કપૂર, કે. કે. મેનન કે નસીરૂદ્દીન શાહ કે નવાઝુદ્દીન. કેટલાક કલાકારો હસતા હોય ત્યારે ખાંસી ખાતા હોય એવું લાગે, જેમકે- નાના પાટેકર. મોટાભાગના સુપરસ્ટાર્સ એમના સ્મિતના લીધે પ્રખ્યાત હોય. શ્રેષ્ઠ ઉદાહરણ: દેવ આનંદ, રાજેશ ખન્ના, શાહરૂખ, આમિર, રણબીર. કેટલાક હીરોનું હાસ્ય ગરીબડું હોય, જેમ કે રાજ કપૂર, અમોલ પાલેકર.
દેવ આનંદ જ્યારે પડદા પર રડતા ત્યારે લોકો હસી પડતા અને નિર્માતાને રડવાનો વારો આવતો એટલે દેવ હંમેશાં મોં છુપાવીને રડવાનો અભિનય કરતા! જ્યારે ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર રડતા ત્યારે નિર્માતા ખુશ થઇને હસતાં હસતાં બેંક ભણી પૈસા જમા કરાવવા જતાં, કારણકે દિલીપ કુમારના રડવાથી ફિલ્મ હિટ જ જતી! જ્યારે રાજેંદ્રકુમાર નાચે તો મડદાં પણ હસવા માંડે! પણ હેમા માલિની કે મુમતાઝના એક સ્મિત પર અનેક ગીતો પર પૈસા ફેંકાતા. કહેવાય છે કે મેર્લીન મનરો, કેટ વિન્સલેટ, મેડોના જેવી સ્ટાર પર્સનાલિટીના સ્માઇલનો અબજોનો વીમો ઊતરાવવામાં આવતો.
કેટલાક વિલન કલાકારોનું હાસ્ય જ ખતરનાક હોય છે, જેમ કે પ્રેમ ચોપરા કે અમરીશ પુરી (‘મિ. ઇંડિયા’માં, વિલન મોગેમ્બો ખુશ થાય ત્યારે આપણને દુ:ખ થાય!) કેટલાક રોતલ કલાકારો ભાગ્યે જ હસતા હોય. નાઝીર હુસૈન નામના ચરિત્ર અભિનેતા હંમેશાં દુ:ખી બાપનો રોલ કરતો અને બંગલાના પગથિયા પર એને કાયમ હાર્ટ એટેક આવતો! પછી તો એને પગથિયાં ચડતાં જોઇને જ લોકો તાળી પાડતાં કે આ તો ગયો! નયા દૌર, ગુમરાહ, નિકાહ, ટી.વી. સિરિયલ મહાભારતના નિર્માતા નિર્દેશક બી. આર. ચોપરાને જ્યારે કોઈ ફિલ્મ દેખાડવા બોલાવતાં ત્યારે એવું કહેવાતું કે જો ચોપડા સાહેબ હસતા હસતા બહાર આવે તો એનો અર્થ કે ફિલ્મ ફ્લોપ થશે અને જો ગંભીર ચેહરે બહાર આવે તો જરૂર હિટ થશે.
કેટલાક કલાકારો માત્ર એન્ટ્રી કરે અને લોકોને હસવું આવતું હોય છે. મરાઠી નાટકમાં બબન પ્રભુ નામનો એક્ટર સ્ટેજ પર આવતાં વેંત જ અવાજ વિના હસીને ઠેકડો મારતો અને કારણ વિના લોકો હસી પડતાં. એ જ રીતે ગુજરાતી અભિનેત્રી કલ્પના દીવાન એક પણ અક્ષર બોલ્યા વિના હસાવી શકતાં . એવું જ હાસ્ય વેરી શકતા ગુજરાતી ફિલ્મોના રમેશ મહેતા….‘દો બીઘા ઝમીન’ જેવી સિરિયસ ફિલ્મમાં ગરીબોની બસ્તીમાં અદ્ભુત હાસ્ય અભિનેતા મેહમૂદ, ‘ચીકીવાલા’ ‘ચીકીવાલા’ એમ માત્ર એક જ શબ્દ અલગ અલગ રીતે પુકારે છે અને છેવટે એક બારીમાં એક છોકરીને જોઇને શરમાઇને મેહમૂદ સોફ્ટલી ‘ચીકીવાલા’ બોલીને શરમાય છે એ દૃશ્ય દર્શકોને અચાનક ખડખડાટ હસાવી નાખે છે! કહે છે કે બાળકો દિવસમાં 90-100 વાર હસે છે અને મોટાઓ 12 થી 15 વાર, કારણકે બાળકો દિલથી જીવે છે અને મોટાઓ દિમાગથી!
ગુરુદત્તની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’નાં શૂટિંગનાં પહેલે જ દિવસે દિલીપકુમારે અચાનક ફિલ્મ છોડી દીધેલી પછી કારણ આપતાં કહ્યું કે ‘પ્યાસા’ પણ ‘દેવદાસ’ જેવી ઉદાસ ફિલ્મ છે. આવી 3-4 કરૂણ ફિલ્મ કરીને ટ્રેજેડી કિંગ દિલીપસાબ પોતાનું સ્માઇલ ખોઇ બેઠેલા ને એ જમાનામાં છેક લંડન જઇને માનસિક સારવાર કરાવવી પડેલી. ત્યારે મનોચિકિત્સકે એમને કહેલું: ‘હવે કરૂણ ફિલ્મો કરવાનું બંધ કરો. એ તમારા તન-મન પર, મૂડ પર, સ્માઇલ પર અસર કરે છે!’
ફિલ્મસ્ટાર્સના સ્માઇલ પર તો પી.એચડી. થઇ શકે એટલી ખૂબીઓ જોવા મળે છે. દેવ આનંદ જ્યારે કોઇ એન.આર.આઇ. ચાહકને ત્યાં મહેમાન બનીને ડિનર લેવા જતાં ત્યારે સૌ સમજી લેતા કે દેવ, માત્ર પોતાનાં એક સ્માઇલથી આગામી ફિલ્મ માટે કરોડો રૂપિયાનું ફાઇનાન્સ વિના શરતે ઢસડી લાવશે! જગતભરનાં ફિલ્મ સ્ટાર્સની સફળતામાં સ્માઇલનો બહુ મોટો ભાગ હોય છે. ‘શાઇનિંગ’ જેવી હોરર ફિલ્મમાં જેક નિકલસનનું શરારતી સ્માઇલ ધ્રુજાવી નાખે છે તો ‘માસ્ક’ ફિલ્મમાં જીમ કેરીનું મજાકિયું સ્માઇલ મોટા પડદા પર એક મેજિકની જેમ કામ કરે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને