(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દર વર્ષે શિવાજી પાર્કમાં દિવાળીની ઉજવણી કરે છે. આ દીપોત્સવમાં મોટી અને આકર્ષક લાઈટિંગ અને ઝાકઝમાળ વગેરે જોવા મળે છે. આ વર્ષે દીપોત્સવમાં સિંઘમ અગેઈન ફિલ્મની ટીમે તેના સ્ટાર્સ સાથે હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ ઠાકરેએ નાનકડું ભાષણ પણ કર્યું હતું.
જો કે આ દીપોત્સવના કારણે મનસેની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે, કારણ કે સાંસદ અનિલ દેસાઈએ રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ પત્ર લખીને જણાવ્યું છે કે આ તહેવારની ઉજવણી દરમિયાન મનસેએ આચારસંહિતાનો ભંગ કર્યો છે.
શિવસેના (યુબીટી)એ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ચોકલિંગમને પત્ર મોકલ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે અને તે મુજબ સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ હોવા છતાં, મુંબઈ મહાનગરપાલિકાએ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન કરીને મનસેને શિવાજી પાર્કના અધિકારક્ષેત્ર હેઠળના જાહેર સ્થળે ‘દીપોત્સવ’ ઉજવવાની પરવાનગી આપી છે.
આપણ વાંચો: રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા
આ ઉપરાંત, આ કાર્યક્રમ માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા દરેક જગ્યાએ બેનરો, ગેટ અને કંદીલ લગાવવામાં આવ્યા હતા. તેના પર મનસે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન દેખાતું હતું. આને કારણે, આચારસંહિતા દરમિયાન જાહેર સંપત્તિને કુરુપ કરવાની કલમ હેઠળ આ સીધું ઉલ્લંઘન છે,’ એમ અનિલ દેસાઈના પત્રમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં સ્થાનિક માહિમ વિધાનસભાના મનસેના ઉમેદવાર અમિત ઠાકરેની હાજરીને કારણે પણ આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. ઉપરાંત, પંચના નિયમો મુજબ, શિવાજી પાર્કમાં લાઇટિંગ માટે કરાયેલા ખર્ચનો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં સમાવેશ થતો હોવાથી, સમગ્ર દીપોત્સવના ખર્ચનો સમાવેશ માહિમ વિધાનસભા મતવિસ્તારના મનસેના ઉમેદવાર અમિત ઠાકરેના ચૂંટણી ખર્ચમાં કરવો જોઈએ, એવી માગણી અનિલ દેસાઈએ કરી છે.
સાંસદ અનિલ દેસાઈએ એવી પણ માગણી કરી છે કે આચારસંહિતામાં જાહેર જગ્યાઓ પર પાર્ટીના પ્રચાર માટે ગેરકાયદેસર પરવાનગી આપનારા પાલિકા અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓ સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ.