વૃદ્ધાવસ્થામાં ઘણીવાર ઓશિયાળા થઈ જવાય છે. ઘણીવાર વયસ્કો ઓશિયાળાપણું હાથે કરીને નોતરતા હોય છે. ધૃતરાષ્ટ્રની માફક સંતાનો પ્રત્યે આંધળી મમતા ક્યારેક માતા-પિતાને મુશ્કેલીમાં મૂકી દે છે. કેટલાંયે વૃદ્ધોની કહાની છે કે પોતાની મરણમૂડી સંતાનોને આપી દે અને પછી ખાલી થઈ ગયેલાં માતા-પિતાને સંતાન ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. આવાં કિસ્સા અવારનવાર બનતા રહે છે, છતાંયે સંતાનની મોહમાયામાં આંધળા બનેલાં મા-બાપ ભૂલ કરી જ બેસે છે.
થોડા સમય પહેલાં એક વૃદ્ધાશ્રમમાં મારી મુલાકાત શરદભાઈ અને ઈન્દુબહેન સાથે થઈ. સરસ મજાનું યુગલ. સુરેશ દલાલની કવિતાની માફક એક ડોસી હજી ડોસાને વ્હાલ કરે છે, કમાલ કરે છે. ‘એક દૂજે કે લિયે.’ જેવાં આ દંપતીને મળીને પૂછ્યું,
‘શરદભાઈ, તમારે કેટલાં સંતાન?’
‘બહેન, એક દીકરો જ છે.’
‘પરદેશ સ્થાયી થયો છે?’ મેં પૂછ્યું.
‘ના, રે ના મુંબઈમાં જ છે.’ આ વખતે ઈન્દુબહેને જવાબ આપ્યો.
‘તો પછી અહીં આવવાનું કેમ થયું?’ મને થોડી નવાઈ લાગી.
‘એ લાંબી વાત છે. સાંભળશો?’ શરદભાઈએ પૂછ્યું.
‘આપ કહો તો હું સાંભળવા તૈયાર છું.’
‘બહેન, સંદીપ મારો એકનો એકનો એક પુત્ર. અમે ગુજરાતના એક નાનકડા ગામમાં રહીએ. ત્યાં અમારે ખેતીવાડી હતી. હું શિક્ષકની નોકરી કરતો હતો. અમારો સરસ સંસાર હતો. સંદીપ એસ.એસ. સી. સુધી ગામની શાળામાં જ ભણ્યો. પછી આગળ અભ્યાસ માટે મુંબઈ ગયો. હોશિયાર હતો ભણવામાં. એના અભ્યાસનો તેમજ હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ મને ભારે પડતો હતો એટલે મેં મારું ખેતર વેચી નાખ્યું.
મારા પગારમાંથી અમારો બન્નેનો ખર્ચ ચાલતો હતો અને ખેતરના પૈસામાંથી સંદીપનો ખર્ચ નીકળતો હતો. સંદીપ એન્જિનિયર થઈ ગયો. એને સારી નોકરી મળી ગઈ. અમે રાજી થયા. અમે કરેલી મહેનત ઊગી નીકળી એનો આનંદ થયો. સંદીપનો પગાર પણ સારો હતો. એટલે એણે લોન લઈને મુંબઈના પરાં બોરીવલીમાં એક બેડરૂમ, હોલ, કિચનનું ઘર ખરીદી લીધું. અમે રાજી થયાં. થોડો વખત અમે બન્ને મુંબઈ ગયાં. નવા ઘરમાં રહ્યાં. એની માએ એનું ઘર સરસ સેટ કરી આપ્યું.
બાજુના મકાનમાં રહેતાં એક બહેન ટિફિનનો વ્યવસાય કરતાં હતાં. એમનું ટિફિન બંધાવી આપ્યું. મારી નોકરી ચાલુ હોવાથી વધારે વખત રહી શકાય તેમ ન હતું અને ઈન્દુ મને એકલો મૂકવા માગતી નહોતી. તેથી સંદીપનું બધું એડજસ્ટ કરીને અમે બન્ને ગામમાં આવી ગયાં. સંદીપને જ્યારે રજા મળે ત્યારે અમને મળવા આવી જતો. કોઈ વાર મને રજા હોય, વેકેશન હોય ત્યારે અમે પણ જઈ આવતાં. સંદીપની મા એને ભાવતા ભોજન બનાવીને જમાડતી. એને ભાવતા નાસ્તા બનાવીને ડબ્બા ભરી દેતી….
એકવાર સંદીપ આવ્યો. સંદીપની સારી નોકરી અને ઘર પણ લઈ લીધું હોવાને કારણે લગ્ન માટે ક્ધયાઓનાં મા-બાપ અમને પૃચ્છા કરતા રહેતાં હતાં. તેથી જ્યારે સંદીપ આવ્યો ત્યારે અમે આ વિશે સંદીપ સાથે વાત કરી ત્યારે સંદીપે કહ્યું, ‘બા-બાપુજી, મારી જ કંપનીમાં કામ કરતી સ્મિતા મને ગમે છે. એ પણ મને પસંદ કરે છે. અમે બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે એટલે તમે હવે બીજા કોઈ સાથે વાત નહીં કરતાં.’ સંદીપને સ્મિતા ગમતી હોય તો અમને પણ કાંઈ વાંધો ન હતો. તેથી મેં કહ્યું, ‘બન્ને એકબીજાને પસંદ કરો છો તો પછી કરો કંકુના. હવે રાહ શેની જુઓ છો?’
‘આવતા અઠવાડિયે તમે બન્ને આવીને સ્મિતાના પરિવારને મળી લો પછી સારું મુહૂર્ત જોઈને પરણી જઈએ.’
સંદીપે કહ્યું હતું અને બન્ને પરિવાર મળ્યા. જ્યારે મિયાં બીબી જ રાજી હતાં ત્યારે કાજીએ કશું કરવાનું જ ન હતું. એમનાં લગ્ન કરાવી આપવા સિવાય, રંગેચંગે લગ્ન ઉકેલ્યા. થોડા દિવસ પુત્રવધૂને ઘરની રીત-ભાત અને સંદીપને ભાવતી રસોઈ શીખવાડીને અમે લોકો ગામ આવી ગયા. ગામમાં અમારો સંસાર હતો અને મુંબઈમાં દીકરાનો સંસાર. દોઢેક વર્ષ પછી ખુશીના સમાચાર આવ્યા. પુત્રવધૂ ગર્ભવતી છે. દાદા-દાદી થવાનો આનંદ અપાર હતો. સ્મિતા એના પિયર પ્રસૂતિ માટે ગઈ હતી. પુત્ર જન્મ્યો. અમે પૌત્રને થોડો વખત રમાડીને પાછા ગામમાં આવી ગયાં .
એકવાર સંદીપ, સ્મિતા અને અમારો પૈત્ર ગામમાં આવ્યા. અમારી ખુશીનો તો પાર ન રહ્યો. ત્રણ દિવસ રોકાવાના હતા એટલે ઈન્દુ એમને માટે અવનવી વાનગીઓ બનાવતી અને એમને જમાડતી. બીજે દિવસે રાત્રે જમીને બધાં બેઠા હતાં.
ત્યારે સંદીપે વાત કાઢી: બા-બાપુજી, એક વાત કરવી છે. હવે ઘર નાનું પડે છે. મોટું ઘર લેવાના પૈસા નથી. જો અહીંનું ઘર વેચી નાખીએ તો એ પૈસા નાખીને આપણે મોટું ઘર લઈ શકીએ. આમ પણ તમારા બન્નેની ઉંમર થઈ છે. ક્યાં સુધી એકલા રહેશો? અમારી સાથે જ રહેતા હો તો સાજે માંદે ચિંતા ન રહે….
હું થોડો અવઢવમાં હતો, પણ પુત્રપ્રેમમાં અંધ ઈન્દુને પુત્ર અને પૌત્ર સાથે રહેવાનો બહુ મોહ હતો. ઈન્દુના આગ્રહને વશ થઈને અમે સંદીપની ઇચ્છા પ્રમાણે કર્યું. મુંબઈના મોટા ઘરમાં એની સાથે રહેવા ગયાં. થોડો સમય તો બધું ઠીક ચાલ્યું, પણ ઘરના કામનો બધો બોજ સ્મિતા ધીરે ધીરે ઈન્દુ પર નાખતી ગઈ. મને પણ શાકભાજી લાવવા, પૌત્રને સ્કૂલમાં લેવા મૂકવા જેવા કામ ચીંધવા લાગી, પણ અમે બન્નેએ મન મનાવ્યું કે નવરા બેસવા કરતાં થોડા હાથપગ ચલાવીએ તો સારું, પણ ધીરેધીરે અમારાં ખાવા-પીવા પર પણ સ્મિતાની નજર રહેવા લાગી. એને અમને ઘરમાં કાંઈ સારી વસ્તુ આવી હોય તો આપવી ગમતી નહીં. આ અમને ન ગમ્યું, પણ હું કાંઈ બોલ્યો નહીં.
એક દિવસ ઘરમાં પાર્ટી હતી, સ્મિતાનો જન્મદિવસ હતો. સંદીપે એને સરસ મજાનું ડાયમન્ડનું બ્રેસ્લેટ ભેટ આપ્યું હતું. અમે પણ અમારી હેસિયત મુજબ એક નાનકડું પેન્ડન્ટ લઈ આવ્યા હતાં સ્મિતાને ભેટ આપવા માટે. કેક કટિંગ પછી સંદીપે બ્રેસ્લેટ સ્મિતાને ભેટ આપ્યું. બ્રેસ્લેટનું એ બોક્સ સ્મિતાએ ત્યાં જ રાખી દીધું હતું. થોડીવાર પછી એેને યાદ આવ્યું ત્યારે તે ટેબલ પર બોક્સ લેવા ગઈ તો બોક્સ ત્યાં નહતું. બધાં ગભરાઈ ગયા, ગોતાગોત થઈ ગઈ, પણ બોક્સ મળ્યું જ નહીં. સ્મિતા આંખો કાઢીને ઈન્દુ સામે જોવા લાગી અને બોલી :
‘ક્યાં છે મારું બ્રેસ્લેટનું બોક્સ?’
‘મને શું ખબર મને ખબર હોત તો તને આપી દીધું ન હોત?’ ઈન્દુએ જવાબમાં કહ્યું .
‘તમારું ધ્યાન ક્યારનું મારા બ્રેસ્લેટ પર જ હતું.’
‘હું તો રાજી થઈને તારું બ્રેસ્લેટ જોતી હતી. સંદીપે સરસ ભેટ આપી એની મને ખુશી હતી.’ ઈન્દુએ કહ્યું.
જોકે, સ્મિતા માની નહીં અને મહેમાનોની સામે ઈન્દુને ચોર ઠેરવી દીધી. આટલા દિવસથી સ્મિતાની જોહુકમી હું જોતો હતો, પણ કાંઈ બોલતો ન હતો. તે દિવસે મારું મગજ છટક્યું. મેં જોરથી ત્રાડ પાડી :
‘સ્મિતા, તું એક શબ્દ હવે બોલતી નહીં. તું કોને ચોર કહે છે, તને કાંઈ ભાન છે? અમે કાંઈ ભીખારી છીએ? હજુ આવા દસ બ્રેસ્લેટ મારી પત્નીને અપાવી દેવાની ત્રેવડ હું રાખુ છું.’
Also Read – આ પંત શીખવે છે કે ખંતનો કોઈ વિકલ્પ નથી !
અને પછી ઈન્દુને કહ્યું, ‘ચાલ, આપણો સામાન બાંધ હું અહીં હવે એક મિનિટ પણ રહેવા માગતો નથી.’ અમે સામાન લઈને મારા એક મિત્રને ત્યાં ગયા બધી વાત કરી. પછી એની મદદથી ગુજરાતના આ વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયાં ….. હજુ મારું પેન્શન આવે છે અને બચાવેલી રકમની એફ.ડી. સલામત રાખી હતી તેથી ખર્ચનો વાંધો આવતો નથી. આવી છે અમારી કહાણી.’
શરદભાઈએ વાત પૂરી કરી ત્યારે ઈન્દુબહેનની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને