(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પ્રસંગે શિવસેના (એકનાથ શિંદે) પાર્ટી દ્વારા આજે મુંબઈના બીકેસી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બોલતા, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો વિજય બાળાસાહેબના વિચારોને કારણે થયો છે. મહારાષ્ટ્રની જનતાએ વાસ્તવિક શિવસેનાને જનાદેશ આપ્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પછી શિવસેનાએ વિધાનસભામાં પણ ઐતિહાસિક જીત મેળવી કારણ કે આપણે બધા શિવસૈનિક છીએ, જે બાળાસાહેબની જ્વલંત પ્રેરણા અને વિચારોમાંથી જન્મ્યા છીએ. કારણ કે અમે બાળાસાહેબના વિચારોને વળગી રહ્યા, અમે એક શાનદાર વિજય મેળવ્યો, અને આજે અમે તે વિજયની ઉજવણી કરી રહ્યા છીએ.
‘અઢી વર્ષ પહેલાં આપણે કરેલો બળવો અને ત્યારબાદનો વિજય એટલો ભવ્ય અને ઐતિહાસિક છે કે સમગ્ર મહારાષ્ટ્ર, દેશ અને દુનિયા આ વિજયની વાતો કરી રહી છે,’ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘આવનારી ઘણી પેઢીઓ આ વિજયને યાદ કર્યા વિના રહેશે નહીં. આ સફળતા બાળાસાહેબના વિચારો અને મહાયુતિની એકતાને કારણે છે. આ અઢી વર્ષની મહેનતનું પરિણામ છે. આ સાથે, આ મારી લાડકી બહેનો, લાડકા ભાઈઓ, લાડકા યુવાનો, લાડકા ખેડૂતો અને રાજ્યના લાડકા વડીલોની સફળતા છે.’
‘અમે સત્તામાં હતા તે અઢી વર્ષ દરમિયાન અથાક મહેનત કરી. અમે એક મિનિટ પણ બગાડી નહીં, તેથી જ અમને આ વિજય મળ્યો. અમે વિકાસ કાર્ય ત્રણ કે ચાર ગણું ઝડપથી કર્યું. રાજ્યના લોકોએ એક તરફ વિકાસ પ્રોજેક્ટ્સ અને બીજી તરફ જન કલ્યાણકારી યોજનાઓને જોડીને અમારા પર પોતાનો વિશ્ર્વાસ દર્શાવ્યો છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
‘બાળાસાહેબની જન્મજયંતિ પર મળેલી આ એક મહાન ભેટ છે એમ કહેવું અતિશયોક્તિ નહીં હોય. જો બાળાસાહેબ આજે અહીં હોત, તો તેમણે અભિનંદન આપ્યા હોત અને આપણા બધાની પીઠ થપથપાવી હોત,’ એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અત્યંત લાગણીશીલ બની જતાં કહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને