મુંબઇઃ મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એ ભવ્ય જીત મેળવી છે. મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવામાં ભાજપના બે વરિષ્ઠ નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ બે નેતાઓ છે-અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ.
ગયા વર્ષે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સમયે અશ્વિની વૈષ્ણવ અને ભુપેન્દ્ર યાદવને ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે ભાજપે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકોમાંથી 163 બેઠકો જીતીને પોતાની સત્તા જાળવી રાખી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી યાદવ અને વૈષ્ણવને ખભે નાખવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન ઘણું કંગાળ રહ્યું હતું. બંને નેતાઓને જ્યારે મહારાષ્ટ્રનો હવાલો સોપવામાં આવ્યો ત્યારે બંને નેતાઓએ મતદારોને ભાજપની તરફેણમાં આકર્ષવા માટે ઘણા મહિનાઓ સુધી મહારાષ્ટ્રમાં રીતસરના ધામા નાખ્યા હતા. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં ભાજપની ભવ્ય જીત દર્શાવવામાં આવી પણ તે પહેલા જેવા મતગણતરીના વલણો બહાર આવવા માંડ્યા ત્યારે જ દેવેન્દ્ર ફડણવીસે યાદવ અને વૈષ્ણવને અભિનંદન આપ્યા હતા અને મહાયુતિની પ્રચંડ જીતનો સંકેત આપી દીધો હતો. મહારાષ્ટ્રમાં ભાજપે 132 બેઠકો જીતી છે જે વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીનું તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જોકે, છ મહિના પહેલા જ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને માત્ર નવ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે 2019 ની લોકસભાની ચૂંટણીમાં તેમને 23 બેઠકો મળી હતી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે માંડ છ એક મહિનાનો સમય હતો અને આ સમયમાં યાદવ અને વૈષ્ણવે પોતાનો કરિશ્મા દેખાડી આપવાનો હતો. મહારાષ્ટ્રમાં આરક્ષણ માટે મનોજ જરાંગેએ પડકાર ઊભો કર્યો હતો. ભાજપે એનો સામનો કરવાનો હતો. એવા સમયે આ બંને નેતાઓ અસંતોષ વર્ગો અને નાના નાના જાતિ સુધી પહોંચવામાં અને તેમને સમજાવવામાં સફળ રહ્યા હતા.
જોકે, મહારાષ્ટ્રની પીચ યાદવ માટે કઈ નવી નથી 2019 ની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ યાદવ ભાજપના પ્રભારી હતા અને એ સમયે પક્ષે 105 બેઠકો જીતી હતી. તે સમયે ઉદ્ધવ ઠાકરની આગેવાનીવાળી અવિભાજિત શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. જોકે ત્યારબાદ શિવસેનાએ મુખ્યપ્રધાન પદની જીદને લઈને મતભેદો થયા બાદ ભાજપ સાથેની યુતિ તોડી નાખી હતી અને કોંગ્રેસ તથા અવિભાજિત એનસીપીના સમર્થનથી સરકાર બનાવી હતી અને મુખ્યપ્રધાન પદ મેળવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને