રાજગીર (બિહાર): દીપિકા નામની ભારતીય હૉકી ખેલાડી અહીં બિહારમાં ચાલી રહેલી મહિલાઓ માટેની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં સુપરસ્ટાર છે અને રવિવારે તેણે જ ભારતને વધુ એક રોમાંચક વિજય અપાવ્યો હતો. દીપિકાના બે ગોલની મદદથી ભારતે જાપાનને 3-0થી પરાજિત કરીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં મંગળવારે ભારતનો જાપાન સામે જ મુકાબલો થશે.
આ પણ વાંચો: Women’s ACT 2024: ભારતીય ટીમે ચીનની ટીમને 3-0 હરાવી, આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે અને દીપિકા આખી સ્પર્ધાની ટૉપ-સ્કોરર છે. તેણે કુલ 10 ગોલ કર્યા છે જેમાં તેના ચાર ફીલ્ડ ગોલ સામેલ છે તેમ જ પાંચ ગોલ તેણે પેનલ્ટી કૉર્નરમાંથી કરવાની સાથે એક ગોલ પેનલ્ટી સ્ટ્રૉકમાં કર્યો છે.
આ પણ વાંચો: સાઉથ કોરિયા સામે ભારતીય મહિલા હૉકી ટીમની મૅચ અત્યંત રોમાંચક બની અને છેલ્લે…
રવિવારે જાપાન સામે દીપિકાએ 15 મિનિટના છેલ્લા ક્વૉર્ટરમાં બે ગોલ પેનલ્ટી કૉર્નરમાંથી કર્યા હતા. એ પહેલાં, 37મી મિનિટમાં વાઇસ-કૅપ્ટન નવનીત કૌરે ગોલ કર્યો હતો અને ભારતે ત્યારે 1-0થી સરસાઈ લીધી હતી. આખી મૅચમાં ભારતની સંરક્ષણ દિવાલ એટલી બધી મજબૂત હતી કે જાપાનની ટીમ એકેય ગોલ કરી શકે એમ નહોતી અને ભારતીય ટીમ 1-0થી જ જીતી ગઈ હોત. જોકે છેલ્લી મિનિટોમાં દીપિકાએ ઉપરાઉપરી બે ગોલ કરીને ભારતની જીત 3-0થી યાદગાર બનાવી દીધી હતી.
આ વિજય સાથે ભારતીય ટીમે લીગ રાઉન્ડમાં પાંચ મૅચમાં મેળવેલા 15 પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન નોંધાવ્યું છે. ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ ચીનની ટીમ 12 પૉઇન્ટ સાથે ભારત પછી બીજા નંબરે છે. જાપાન ચોથા નંબરે છે એટલે એણે મંગળવારની સેમિમાં ભારત સામે રમવાનું છે. બીજી સેમિ ફાઇનલ ચીન અને ત્રીજા નંબરના મલયેશિયા વચ્ચે રમાશે. શનિવારે ભારતે ચીનને પણ 3-0થી હરાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને