મહેસાણા: ઇફકો દ્વારા મહેસાણા જિલ્લાના ખેડૂતોને વધુ 2200 મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી કરવામાં આવી છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં શિયાળુ પાકોની સીઝનમાં ખાતરની માંગ સૌથી વધુ રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. ગુજરાત અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની ખાતરની જરૂરિયાતનું વૈજ્ઞાનિક ડેટા એનાલિસિસ કરીને સાંસદ હરિ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. આ અગાઉ પણ એક જ દિવસમાં 3000 મેટ્રિક ટનથી વધુ ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Gujarat માં નેનો ક્રાંતિ, 20 લાખથી વધુ ખેડૂતો કરી રહ્યા છે નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ
ખાતરની અછતની સમસ્યાનો આવશે ઉકેલ
ઇફકો દ્વારા રેલવે વેગન મારફતે મહેસાણા ખાતે ખાતરનો જથ્થો પહોંચાડી દેવાયો છે અને ગ્રામ્ય સ્તરની મંડળીઓ સુધી પહોંચાડવા માટેની વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આ પગલાંથી જિલ્લાના ખેડૂતોને શિયાળુ પાકોમાં ખાતરની અછતની સમસ્યાનો ઉકેલ આવશે અને તેઓ નિયમિત ખેતી કાર્યો કરી શકશે.
ખાતર ખેડૂતો સુધી જલ્દી પહોંચશે
આ અંગે મહેસાણા સાંસદ હરિ પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના ખેડૂતોની જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ફાળવ્યો છે. આજે મહેસાણા ખાતે આવેલું 2200 મેટ્રિક ટન ખાતર ખેડૂતો સુધી જલ્દી પહોંચે તે માટે ઇફ્કોના અધિકારી સાથે ચર્ચા કરી ત્વરિત વિતરણ વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે આ ખાતર જ ગ્રામ્ય વિસ્તારની મંડળીઓ સુધી પહોંચી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને