મુંબઇઃ દહીસર અને અંધેરી વેસ્ટ વચ્ચે દોડતી મેટ્રો-2A અને દહીસર અને ગુંદવલીની વચ્ચે દોડતી મેટ્રો- 7ના રૂટ પર કુલ મુસાફરોની સંખ્યા હવે 150 મિલિયનને વટાવી ગઈ છે. આ બંને મેટ્રો લાઇન પર દરરોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે એમ જાણવા મળ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ રિજન ઑથોરિટી (MMRDA)ની મેટ્રો-2A અને મેટ્રો- 7 લાઈન હાલમાં કાર્યરત છે.

આ બંને રૂટ પર દહીસર દહાણુકરવાડી વચ્ચેનો 20 કિલોમીટરનો પ્રથમ તબક્કો એપ્રિલ 2022 માં લોકો માટે સેવામાં મૂકવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2023 માં બીજા તબક્કાની સેવા શરૂ કરવામાં આવી. આમ દહીંસર-અંધેરી પશ્ચિમ મેટ્રો-2A અને દહીંસર ગુંદવલી મેટ્રો-7 રૂટ કાર્યરત થયા હતા. હવે આ બંને રૂટ તેની સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. શરૂઆતમાં મેટ્રો-2A અને મેટ્રો 7ની લાઈનને બહુ પ્રતિસાદ મળ્યો ન હતો અને બહુ જ ઓછા લોકો આ રૂટ પર મુસાફરી કરતા હતા, પણ ધીમે ધીમે હવે મુંબઈગરાઓ આ લાઈન પર વળવા લાગ્યા છે અને આજે આ બંને મેટ્રો લાઇન પર દૈનિક મુસાફરની સંખ્યા અઢી લાખથી વધુ થઈ ગઈ છે.

Also read: મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે

MMMOCL (મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બંને લાઇન પર મુસાફરોની સંખ્યા દોઢસો મિલિયનનો આંકડો વટાવી ગઈ છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ રૂટ પર મુસાફરોનો પ્રતિસાદ વધી રહ્યો છે અને MMMOCL મુસાફરો માટે મેટ્રો મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરી રહ્યું છે.

MMMOCLએ લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે ઇન્ટીગ્રેટેડ ટિકિટિંગ સિસ્ટમ એટલે કે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ અંતર્ગત મુંબઇ વન કાર્ડ સેવા શરૂ કરી છે. આ સેવાને પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં 2,69,602 મુસાફરો મુંબઈ વન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.

જોકે એમએમઆરસીએલને અગાઉ અપેક્ષિત પ્રવાસીઓની સંખ્યા જાહેર કરી હતી, તેના કરતા હજુ બન્ને મેટ્રોનો ઓછો ઉપયોગ થઈ રહ્યું હોવાનું ટાઉન પ્લાનિંગ સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવાનું છે. 2015માં એમએમઆરસીએલના જણાવ્યા અનુસાર મેટ્રો-2માં પ્રતિદિન 2.70 લાખ જેટલા પ્રવાસીઓ શરૂ થયાના ત્રણ વર્ષ સુધી પ્રવાસ કરશે અને પછી સંખ્યા વધશે. જ્યારે મેટ્રો-7 માટે પહેલા ત્રણ વર્ષમાં અપેક્ષિત પ્રવાસીઓનો આંકડો 3.88 લાખ આસપાસ હતો. વર્ષ 2024થી 2025 (ફેબ્રુઆરી) સુધીમાં બન્ને લાઈન પરથી નિયમિત લગભગ અઢી લાખ આસપાસ પ્રવાસી પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે ત્યારે અપેક્ષિત સંખ્યા 6.58 લાખ હતી. મેટ્રો વાહનવ્યવહાર માટે સારો વિકલ્પ હોવા છતાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટેના એડિશનલ વાહનનો અભાવ, મેટ્રો સ્ટેશન આસપાસ પાર્કિંગનો અભાવ અને અમુક રૂટ્સ જવાબદાર છે, તેમ નિષ્ણાતોનું કહેવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને