મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી આડે હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે મુંબઈમાં 161 પોલીસ ઈન્સ્પેક્ટરોની અચાનક બદલી કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ઉતાવળે આ બદલીઓ કરી હોવાનું માનવામાં આવે છે. મુંબઇ ઉપરાંત નવી મુંબઈ અને મીરા ભાયંદર વસઈ વિરાર (MBVV) પોલીસના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. બધા મળીને કુલ 221 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા જ મહારાષ્ટ્ર DGP ઑફિસે વિધાનસભા ચૂંટણી પહેલાં બદલી કરવા માટેના માપદંડમાં ફિટ હોય તેવા અધિકારીઓના નામ માંગ્યા હતા.
બુધવારે રાજ્ય પોલીસ દ્વારા જારી કરાયેલી ટ્રાન્સફર લિસ્ટમાં મુંબઈ શહેરના ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ સહિત MBVV પોલીસના લગભગ 38 ઈન્સ્પેક્ટર અને નવી મુંબઈ પોલીસના લગભગ 21 અધિકારીઓને તેમના કમિશનરેટમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ બદલીને કારણે મુંબઇ પોલીસમાં ઘણો રોષ ફેલાયો છે. ઘણા પોલીસ ઈન્સ્પેક્ટર આ નિર્ણય સામે MATમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસે આ બદલીનો વિરોધ કર્યો હતો કે અને જણાવ્યું હતું કે ઓછા અધિકારીઓ સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બનશે.
નિયમો મુજબ, કોઈ પણ વ્યક્તિ કે જેણે છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વર્ષમાં એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ફરજ બજાવી હોય તેને ચૂંટણી પહેલા ટ્રાન્સફર કરવાની હોય છે જેથી તેઓ ચૂંટણીને પ્રભાવિત ના કરી શકે અને ચૂંટણી પ્રક્રિયા સાથે ચેડાં ન કરે. ECના પત્રના આધારે, DGPએ 23 ઓક્ટોબરે મુંબઈ, નવી મુંબઈ અને મીરા ભાયંદર વસઈ વિરાર (MBVV) ને પત્ર લખીને આ માપદંડને અનુરૂપ અધિકારીઓની યાદી સાંજે 6 વાગ્યા સુધીમાં સુપરત કરવા જણાવી હતી.
મુંબઈ પોલીસે 4 ઓક્ટોબરે 112 અધિકારીઓની બદલી કરી હતી જેમાંથી 21 અધિકારીઓને સ્ટે આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.