ગીચ જંગલમાં મહામુશ્કેલીએ માર્ગ કરી રહેલા મુસાફરને સરળ રસ્તો દેખાતો નથી; પગલે પગલે દિશા બદલાય છે અને ઘડીએ ઘડીએ ભૂલા પડવાનો ભય રહે છે.
- પણ જો…. એવામાં એકાદ ટેકરી આવી જાય તો તેને જોતાં જ થાકેલા મુસાફરના મનમાં આનંદની લાગણી ફૂટી નીકળે છે. ટેકરી ઉપર ચઢીને એ દિશા અને માર્ગની સૂઝ-સમજ મેળવી શકે છે.
- તેવી જ રીતે આ સંસારરૂપી જંગલમાં ધર્મ એ આપણા માટે ટેકરી છે.
- ધર્મની એ ટેકરીને જુદા જુદા નામે ઓળખવાની નથી.
- ધર્મની એ ટેકરી ઉપર આરોહણ કરીને જગતને નિહાળશો તો તમને દિશા મળી જશે.
- આંખો નબળી હોય ત્યારે બધું ઝાંખું, અસ્પષ્ટ અને નિરાશ નિરાશ નજર પડે છે પણ ચશ્માં મળતાં બધું સાફ-સ્પષ્ટ થઈ જાય છે.
- તેવી જ રીતે જો શ્રદ્ધાના ચશ્માં મળી જાય તો
- જિંદગીની રેખાઓ,
- જિંદગીના રંગો,
- જીવનનું સૌંદર્ય અને
- માંગલ્ય
- આપોઆપ આપની સમક્ષ સ્પષ્ટ થઈ જશે.
- આ બધું આપણે એકલા આપણા એકાંતમાં વિચારીએ છીએ; પણ જ્યારે ભીડમાં નીકળીએ છીએ ત્યારે આપણે પણ ભીડ બની જઈએ છીએ એ જ એક મોટું દુ:ખ છે.
- આપણા જાહેર જીવનમાં લાંચ-રૂશ્વતનું જબરું જોર પ્રવર્તી રહ્યું છે.
- દેશમાં ગુનાખોરી દિવસે દિવસે વધતી જ રહી છે.
- સમાજમાંથી આસ્થા, ભાવનાશીલતાનો લોપ થયો છે.
- યુવાનોમાં અનાદર અને ગેરશિસ્તનું વાતાવરણ ફરફરી રહ્યું છે.
- કામવાસના અને પ્રેમભાવના વચ્ચેની સીમારેખા ભૂંસી નાખવામાં આવી છે.
- આ બધા પ્રત્યે તમે જો મારે શું, એ તો સમાજની ફરજ છે, નેતાઓની ફરજ છે એવું કહીને ટાળ્યા કરશો તો તમે પણ એવાં ઝેરનાં ઝાડો ઉછેરવામાં સહભાગી મનાશો.
- આવતીકાલે એ ઝેરના ઝાડોને ફળો લાગવાના જ છે,
- અને એ ફળ આપણને, આપણને નહીં તો આપણી ભાવિ પેઢીને ચાખવા જ પડશે.
- તો શું તમે તમારી ભાવી પેઢી માટે ઝેરના ઝાડ વાવી જશો?
- એટલે જ ધર્મ અને શ્રદ્ધાની ભાવના રાખવાની વાત જણાવી છે.
- એ ઈન્સાન – ઈન્સાન વચ્ચેના ભેદભાવો ભૂંસી નાખે છે.
- આખી દુનિયાને આપણું કુટુંબ છે એવી ભાવનાથી નિહાળવાની આપણને વાતો શીખવે છે.
બોધ:
- નીતિનો પંથ પસંદ કરો એ જ જીવનનો ઉદ્દેશ છે.
- જીવનમાં નીતિથી જ ઉન્નતિ આવે છે.
- નીતિ વિના જે ચળકાટ પેદા થાય છે તે ઝાંઝવાના જળ છે.
- એ ચળકાટથી રોશની મળી શકતી નથી અને
- આપણા પછી એ રસ્તેથી થઈને પસાર થનારાના નસીબમાં અંધકાર જ રહેવા પામશે.
- આથી આપણી એ જ પ્રથમ ફરજ થઈ પડે છે કે આપણે આપણા પછી આવનારા માટે, આપણા પછી ચાલનારાઓ માટે સાચો માર્ગ અને સાચો પ્રકાશ મૂકતા જઈએ.
- નીતિ અને ચારિત્ર્યથી પ્રાપ્ત કરાયેલી સંપત્તિ એ જ સાચી સંપત્તિ છે.
- આજના બાહ્ય ચળકાટથી અંજાઈ જશો નહીં.
- એ ચળકાટ કાલે અંધકાર થઈ જશે. એમાં જરાય અસત્ય નથી.
વિચારવા જેવું: - માનવ ધર્મ એ માનવ વિકાસ માટેની ફરજનો નિયમ છે.
- માનવકલ્યાણની ભાવનાનો આદેશ છે.
- અજ્ઞાન દૂર કરવું હોય તો અજ્ઞાનને નાબૂદ કરવું જોઈએ,
- પણ દીને ઈસ્લામ તેની ઉમ્મત (પ્રજા)ને કહે છે કે –
- ગરીબી દૂર કરવી હોય તો ગરીબી વહેંચી લેવી જોઈએ.
- ગરીબીને નાબૂદ કરી ન શકાય; પણ એ માટે ધર્મે ઈમાન – શ્રદ્ધા લાવનાર ઉમ્મતને કહ્યું જ છે કે
- સુખ અને દુ:ખ વહેંચી લેજો.
- આજે બને છે એવું કે બધા પોતાને માટે સુખ જ સમેટવાની વૃત્તિ રાખે છે અને દુ:ખ પોતે રાખ્યા વિના બીજાને વહેંચી આપવાની વાત કરે છે.
- આજે આપણે સુખ અને શાંતિ માટે બહાર નજર નાખવાને બદલે આપણી ભીતરમાં જ ડોકિયું કરવું જોઈએ કે આપણા જીવનમાં કેટલા પ્રમાણમાં નીતિનું પાલન કરી રહ્યા છીએ,
- માનવ ભાવના રાખી રહ્યા છીએ.
- જે જવાબ મળશે તે જ માનવકલ્યાણનો સાચો જવાબ છે.
સનાતન સત્ય: - આપણે પરદેશમાં એલચી (એમ્બેસેડર)ઓ મોકલીએ છીએ અને એલચીના વર્તન ઉપરથી જ આપણા દેશના ગૌરવનો પરિચય પરદેશમાં મળે છે.
- તેવી જ રીતે સમાજ એ દેશનો એલચી છે.
- સમાજ શીલવંતો હશે તો દેશ શીલવંત હોવાનો જ.
Also Read – એકસ્ટ્રા અફેર : મહારાષ્ટ્ર-ઝારખંડ બંનેમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર
દૌલત સીમિત; ઈલ્મ અસીમ
હઝરત અલી સાહેબને અમુક લોકોએ પૂછ્યું કે યા અમિરૂલ મોમીનન (અમીર નેતા), ઈમાનવાળાઓના સરદાર) માલોદૌલત કરતાં ઈલ્મ (વિદ્યા) ચઢિયાતું કેમ છે?
આપ અલૈયહિ સલ્લામે (આપના પર અલ્લાહ તરફથી શાંતિ અને સલામતી રહે) આ અંગેનાં ૧૦ કારણો ગણાવ્યાં:
૧ – ઈલ્મ (જ્ઞાન) પયગંબરો (અલ્લાહના પ્રતિનિધિઓ; સંદેશવાહકો)નો વારસો છે, જ્યારે દૌલત ફિરઔનોનો (ખુદાઈનો) દાવો કરનારાનો વારસો છે; આમ ઈલ્મ (આવડત) દૌલત કરતાં વધુ બહેતર – શ્રેષ્ઠ છે.
૨ – ધનવાનના ઘણાં દુશ્મન હોય છે, જ્યારે આલિમ (જાણકાર) મિત્રતા કેળવે છે.
૩ – ઈલ્મ (બુદ્ધિ; કૌશલ્ય)ની વહેંચણી કરવાથી તેમાં વધારો જ થાય છે. જ્યારે પૈસો ખર્ચવાથી ઘટે છે.
૪ – દૌલત ચોરાઈ શકે છે, જ્યારે ઈલ્મ (વિદ્યા)ને એ બાબતનો ડર નથી.
૫ – જ્ઞાની મોટે ભાગે ઉદાર હોય છે. જ્યારે દૌલતમંદો – ધનવાનો ઘણે ભાગે કંજૂસ હોય છે.
૬ – સમય પૈસાને ઘટાડી શકે છે. જ્યારે જ્ઞાનનું તે કંઈ બગાડી શકતો નથી.
૭ – દૌલત સીમિત હોય છે, જ્યારે ઈલ્મ – જ્ઞાન અસીમ છે.
૮ – ઈલ્મ – બુદ્ધિ – ચાતુર્ય દિલોદિમાગને રોશન – પ્રકાશિત કરે છે, જ્યારે દૌલત ઝાંખા પાડે છે.
૯- ઈલ્મ – વિદ્યા ઈન્સાનને ખુદા – ઈશ્ર્વર – ગોડની પ્રાર્થના, ઈબાદત કરવા પ્રેરે છે, જ્યારે દૌલતની ખુમારીએ (અક્ક્ડપણું – અભિમાન – ઘમંડે) ફિરઔન અને નમરૂદ પાસે ખુદાઈનો દાવો કરાવેલ છે, અને
૧૦ – દૌલતનું રક્ષણ દૌલતમંદોને કરવું પડે છે, જ્યારે ઈલ્મ (જ્ઞાન, આવડત, વિદ્યા) હિફાઝત (રક્ષણ) કરે છે.
- વ્હાલા વાચક બિરાદરો! દુનિયાના કોઈપણ ધર્મનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે તેના બોધ પર અમલ અનિવાર્ય છે. ઉપર દર્શાવેલ દસ બાબતો પર અમલ ઉન્નતિ તરફ દોરી જશે. ઈલ્મ હાંસલ કરો અને તેના જ્ઞાનને ફેલાવો.
સાપ્તાહિક સંદેશ: - દુનિયા ચાર પ્રકારના માણસોથી કાયમ છે, નિર્માણ પામી છે:
૧ – આલિમ (જાણકાર) જે પોતાના ઈલ્મ (જ્ઞાન)ને અમલમાં લાવે છે.
૨ – જાહિલ (અભણ, અજ્ઞાની, અજાણ) જે ઈલ્મ પ્રાપ્ત કરતા શરમાતો નથી.
૩ – સખી જે સખાવત કરતા બખીલી (કંજુસાઈ) કરતો નથી, અને
૪ – ફકીર (ભિક્ષુક) જે દુનિયાની લાલચમાં પોતાની આખેરત (મૃત્યુલોકના અમર જીવન)ને ખોતો નથી. - આલિમ (અમલ ન કરવાથી) પોતના ઈલ્મ (જ્ઞાન, આવડત)ને, જ્યારે ગુમાવે છે ત્યારે જાહિલ ઈલ્મ પ્રાપ્ત કરતાં શરમાય છે અને જ્યારે માલદાર માણસ સખાવતમાં બખીલી કરે છે ત્યારે દુનિયાની લાલચમાં પોતાની આખેરત ગુમાવે છે.
- હુઝૂરે અનવર (સલ.)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને