યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024માં મતદાન અને મતોની ગણતરી બાદ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતીનો આંકડો પાર કરીને જીતી ગયા છે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસનો જોરશોરથી કરવામાં આવેલો પ્રચાર પણ કંઇ કામ નહીં આવ્યો અને તેમને હારનો સામનો કરવો પડ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતને લઈને મુસ્લિમ દેશોના મીડિયામાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક અખબારે તો કમલા હેરિસની હારને તેના કાર્યોનું પરિણામ ગણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કમલા હેરિસે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં મુસ્લિમોની અવગણના કરી હતી, તેના ફળ તેને ભોગવવા પડ્યા છે.
અખબારે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધને ટ્રમ્પની જીત અને કમલા હેરિસની હારનું કારણ ગણાવ્યું છે. અખબારમાં છપાયેલા લેખમાં કહેવામાં આવ્યું હતું કે કમલા હેરિસે પેલેસ્ટાઈન સમર્થકોના સમર્થનથી પોતાને દૂર કરી લીધા હતા, જેની અસર તેમની વોટ બેંક પર જોવા મળી હતી. લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કમલા હેરિસની હારના કારણો ભલે ગમે તે હોય, પણ હારનું મુખ્ય કારણ ગાઝા જ છે. ડેમોક્રેટિક પાર્ટી ઇઝરાયલને સમર્થન કરી રહી છે, પણ કમલા હેરિસ પેલેસ્ટિનિયનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં નિષ્ફળ રહ્યા છે. કેટલાક પેલેસ્ટિનિયન સમર્થકોએ તેમના અંગત સ્વાર્થ ખાતર કમલા હેરિસને મત આપ્યા હતા.. કેટલાક લોકોએ ઇઝરાયલ પર ટ્રમ્પના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં લઇને હેરિસની તરફેણમાં મતદાન કર્યું હતું. કેટલાક લોકોનું માનવું હતું કે કમલા હેરિસ પ્રમુખ બને તો યુદ્ધવિરામ તરફ આગળ વધવું સરળ બની શકે છે.
આ પણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પની જીતથી યુરોપમાં ગભરાટ; જર્મની અને ફ્રાન્સે ચિંતા વ્યક્ત કરી
અન્ય એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે તે યાદ રાખવાની જરૂર નથી. આ એ જ માણસ છે જેણે વ્હાઇટ હાઉસમાં મુસ્લિમ વિરોધી એજન્ડા ફેલાવ્યો હતો. મુસ્લિમો પર પ્રતિબંધ મૂક્યો અને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરવા છતાં ઇઝરાયલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. લેખમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ચૂંટણીમાં તેમણે કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને સમર્થન કરીને ડેમોક્રેટિક પાર્ટીને પાઠ ભણાવો. પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. લેખમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો ટ્રમ્પનો ઈતિહાસ આવો ન હોત તો ડેમોક્રેટિક પાર્ટી વિરુદ્ધ લોકોની ભાવનાઓ સમજી શકાય તેમ હોત. પરંતુ જે વ્યક્તિએ મુસ્લિમોને મહત્તમ નુકસાન પહોંચાડવાનું વચન આપ્યું છે તેને જાણી જોઈને મદદ કરવી તે તદ્દન નકામું છે. આરબ ન્યૂઝે ટ્રમ્પના એક ઇઝરાયલી સમર્થકને ટાંકીને કહ્યું કે, ‘ટ્રમ્પ ક્યારેય ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ નહીં કરે અને ન તો તે ઇઝરાયલ પર લેબનોન સાથે એવી શાંતિ સમજૂતી કરવા દબાણ કરશે જેથી ત્યાં હિઝબુલ્લા વધુ મજબૂત બને.
પેલેસ્ટિનિયન મૂળના પત્રકારે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયનોનું માનવું છે કે ટ્રમ્પ આવે કે કમલા હેરિસ, કોઇ ફરક નહીં પડે. એના કરતા વધુ મહત્વનું એ છે કે આગામી અમેરિકી રાષ્ટ્રપતિ ઇઝરાયેલ અને આરબ-પેલેસ્ટિનિયન સંઘર્ષને સમાપ્ત કરવાના વિઝન સાથે આવે અને હકીકતમાં ‘ટુ સ્ટેટ સોલ્યુશન’ને લાગુ કરવા માટે કામ કરે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાએ પાઠવી શુભેચ્છા; કહ્યું આ ઐતિહાસિક જીત…
જોકે, કેટલાક લોકોએ એવી આશા વ્યક્ત કરી હતી કે જો ટ્રમ્પ જીતશે તો અમેરિકાની નીતિમાં ફેરફાર થશે અને પછી એવી આશા રાખી શકાય કે આ ક્ષેત્રમાં સંઘર્ષ ઓછો થશે. તેમણે બાઇડેન પ્રશાસન પર ગાઝામાં નરસંહારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ જણાવ્યું હતું કે ટ્રમ્પ આવશે તો શાંતિ આવશે.
તો કેટલાકે વળી એમ પણ જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટી પોતાના મતદારોને સાચવવામાં નિષ્ફળ રહી છે. બધાને ખબર હતી કેટ્રમ્પ પહેલાથી જ ઈઝરાયલ તરફી હતા, ત્યારે હેરિસે ઈઝરાયલ યુદ્ધ સંબંધિત માનવતાવાદી ચિંતાઓ વિશે વાત કરવી જોઈતી હતી, જે તેમણે કરી જ નહીં.