મેલ મેટર્સ : આતશબાજીના ઝગમગાટમાં કોડિયાની કદર કરવી ન ભૂલતા…

2 hours ago 1

-અંકિત દેસાઈ

કોઈના માટે જીવવું અને કોઈની સાથે જીવવું એ બંને વાતમાં ફેર છે. કોઈના માટે જીવતો માણસ હંમેશાં બીજાને કે સામેના માણસને સમર્પિત હોય છે, પરંતુ કોઈની સાથે જીવવું એ કોઈ કરાર જેવું હોય છે. એમાં માત્ર નિભાવી લેવાનું હોય. ક્યાં તો સંબંધને, ક્યાં તો વ્યક્તિને અથવા તો જીવનને! જોકે કોઈ પણ સંબંધમાં નિભાવી લેવાની આ ઘટના કંઈ અમસ્તી નથી શરૂ થતી. એ ઘટનામાં પણ ક્યારેક કોઈક તો સામેના માણસ માટે જીવી લેવાની ખેવના રાખતું જ હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે સામેના માણસના માટે જીવી લેવાનો પ્રયત્ન કરતો હોવા છતાં ય સામેનો માણસ એની કદર નથી કરતો અને એટલે જ ધીમે ધીમે એ બીજો માણસ પણ ‘માટે જીવવાની’ વ્યાખ્યાઓમાંથી બહાર આવીને ‘સાથે જીવવાની’ વ્યાખ્યામાં જીવતો થઈ જાય છે.

| Also Read: ભારતની વીરાંગનાઓ : વિદેશમાં શૂટિંગ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી: નલિની જયવંત

જોકે આ આખી વાતમાં કદર અત્યંત મહત્ત્વની બાબત છે. ખાસ તો એફર્ટ્સની-પ્રયાસની કદર. કોઈ પણ સંબંધમાં રોજરોજ કંઈ અપ્રતીમ ઘટનાઓ નથી બનતી. એવી ઘટના વર્ષમાં એકાદ-બે વાર જ બને. બાકીનો સમય એ બન્ને પ્રેમપૂર્વક એકબીજાને સમજીને અને એકબીજાને આપેલાં નાનાં નાનાં યોગદાનની કદર કરીને જીવવાનું હોય છે, પરંતુ અનેક કિસ્સામાં બને છે કે કોઈ એક પાત્ર સતત એવું ઝંખે છે કે સંબંધમાં રોજેબરોજ , ક્ષણેક્ષણ બધુ ભવ્ય હોવું જોઈએ. આના કારણે એ પાત્ર બીજા પાત્રના નાનાં પ્રયાસને ક્યારેય ગણકારતું નથી. એને મન એમ જ હોય છે એમાં શું તોપ ફોડી ?

રોજ થોડા કંઈ આઈ-ફોન લઈ દેવાય? રોજ થોડા કંઈ ડિઝાનર્સ ડ્રેસ ભેટ અપાય કે રોજ થોડા કંઈ ડિનર ડેટ પર જવાય? અને શું આવું કરો તો જ સામેના પાત્રનું મૂલ્ય નક્કી થાય ? જો એવું કશું ન પણ થાય તો આપણું પાત્ર મહત્ત્વનું નહીં?

બીજા શબ્દોમાં ભવ્યતાની આવી અપેક્ષાની વૃત્તિ માણસની અંદર અસંતોષ પેદા કરે છે ને ત્યાર પછી એ અસંતોષ માણસને બીજા સાથેની સરખામણી તરફ દોરી જાય છે અને એ સરખામણીની દૃષ્ટિએ પણ પોતાનું પાત્ર કે એનાં એફર્ટ્સ ક્ષુલ્લક લાગવા માંડે છે અને એટલે જ સામેના પાત્રના દરેક પ્રયત્ન વખતે એમાં શું તોપ ફોડી?’ જેવા લાગતા હોય છે ને આમ ને આમ કેટલાય સંબંધોનું અકાળ અવસાન થઈ જતું હોય છે. અને પછી એ બન્ને માત્ર જીવવા ખાતર, સમાજને ખાતર કે સંતાનોને ખાતર એકબીજાં સાથે જીવી લેતાં હોય છે. અહીં, એવું ય નથી હોતું કે આવા સંબંધમાં બંને પાત્રોને બાપે માર્યા વેર હોય. સંતાન કે માતા-પિતા સાથે સામાજિક પ્રસંગ એકબીજાની સાથે સારી રીતે માણતા પણ હોય છે. હા, જ્યારે પર્સનલ સ્પેશની વાત આવે ત્યારે એ બંનેને વાંધા પડતા હોય છે અને એકબીજા પ્રત્યેની ફરિયાદો શરૂ થઈ જતી હોય છે. ખાસ તો ઓલા પાત્રને જેને બહુ ફરિયાદ હોય છે કે સામેનું પાત્ર તેના માટે કશી તોપ નથી ફોડતું!

| Also Read:

કથા કોલાજ : અમે પ્રેમમાં પડીને લગ્ન કર્યાં ને સહમતીથી છૂટાછેડા લીધા

જો કોઈ પણ સંબંધને હંમેશાં રોમાંચથી ભરેલો કે હંમેશાં લીલોછમ્મ રાખવો હશે તો એ સંબંધમાં નાની વાતમાંથી પણ રોમાંચ લેતા શીખવું પડશે, કારણ કે આતશબાજી પણ દિવાળીને દિવસે જ ફૂટે, જેનાથી આકાશ ઝગમગી ઊઠતું હોય છે. બાકી, રોજ તો ઘરે આપણે એક કોડિયું જ પ્રકટાવીએ છીએ, જે આપણા ઘરને ઝગમગતું કરે દે છે ! એટલે કોડિયાના એફર્ટ્સની-પ્રયાસની આપણે કદર કરતા શીખવું પડશે તો જ આપણને સંતોષ પણ મળશે અને તો જ સંબંધ તાજો પણ રહેશે, નહીંતર આતશબાજીના રવાડે ચઢીશું તો રોજરોજ આકાશ કંઈ ઝગમતું હોય એ સારું પણ ન લાગે ને પ્રદૂષણ થશે એ વધારાનું !

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article