ઇન્દોરઃ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રણજી ટ્રોફીમાં બુધવારે અહીં હોલકર સ્ટેડિયમમાં બેંગાલ વતી રમતી વખતે મધ્ય પ્રદેશ સામેની ચાર દિવસીય મૅચના પ્રથમ દિવસે 10 ઓવરમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો, પણ ગુરુવારના બીજા દિવસે બીજી નવ ઓવરમાં ચાર વિકેટ લીધી એટલે એવું માનવામાં આવે છે કે તે મૅચ-ફિટ છે અને તેને કદાચ ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-પ્રવાસે મોકલવામાં આવશે.
બુધવારે મોહમ્મદ શમીના નાના ભાઈ (પેસ બોલર) મોહમ્મદ કૈફને એક વિકેટ મળી હતી અને ગુરુવારે પણ તેણે એક વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં બેંગાલના 228 રનના જવાબમાં મધ્ય પ્રદેશે 167 રન બનાવ્યા હતા. બેંગાલે બીજા દાવમાં રમતના અંત સુધીમાં પાંચ વિકેટે 170 રન બનાવ્યા હતા અને સરસાઈ સહિત એના 231 રન હતા.
આ પણ વાંચો: મોહમ્મદ શમીના કમબેક અંગે મોટા અપડેટ; આ તારીખે રમશે પહેલી મેચ…
શમી એક વર્ષ બાદ પહેલી વાર રેડ બૉલથી રમી રહ્યો છે. તે હવે મધ્ય પ્રદેશના બીજા દાવમાં કેવી બોલિંગ કરે છે અને તેની ફિટનેસ કેવી રહે છે એના પર સૌની નજર રહેશે. આ રણજી મૅચ બાદ ચાર દિવસ પછી શમીને કોઈ શારીરિક તકલીફ ફરી થઈ કે નહીં એની પણ નોંધ લેવાશે.
જો બધુ ઠીક લાગશે તો શમીને બીજી ટેસ્ટ પહેલાં જ ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવશે અને ત્યાં તે પેસ બોલિંગમાં જસપ્રીત બુમરાહનો જોડીદાર બનશે.
આ પણ વાંચો: મોહમ્મદ શમીની આ વળી કેવી હૅટ-ટ્રિક?
ભારતીય સિલેક્ટર્સે 18 મેમ્બરની ટેસ્ટ-ટીમ નક્કી કરી છે, પરંતુ ટીમ માટેના ડૉ. નીતિન પટેલની મેડિકલ ટીમ શમીને ફિટ જાહેર કરશે એટલે તેને તરત ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવશે.
સિલેક્શન કમિટીના મેમ્બર અજય રાત્રાને શમીની ફિટનેસ વિશેની જાણકારી સમિતિને પૂરી પાડવા ખાસ બેન્ગલૂરુથી ઇન્દોર મોકલવામાં આવ્યો છે.