નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં આવેલી જામા મસ્જીદમાં સર્વેની કામગીરી બબાતે થયેલી હિંસા દેશભરના રાજકારણમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો (Sambhal Violence) બન્યો છે. ગઈ કાલે થયેલી હિંસામાં લઘુમતી સમુદાયના 4 યુવાનોના મોત બાદ માહોલ તંગદીલી ભરેલો છે. વિરોધ પક્ષોએ ઉત્તર પ્રદેશ સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરાં પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સહીત વિપક્ષી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતાઓ પાર્ટી અને યુપી સરકારનો બચાવ કરી રહ્યા છે.
જામા મસ્જીદમાં સર્વેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ પોલીસે કરેલા ગોળીબારમાં લઘુમતી સમુદાયના 4 લોકોના મોત થયા. પોલીસે હિંસા મામલે સાત કેસ નોંધ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સ્થાનિક સપા વિધાનસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના દીકરા નવાબ સુહેલ ઈકબાલને પણ આરોપી બનાવવામાં આવતા રાજકારણ વધુ ગરમાયું છે.
સમાજવાદી પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો:
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાંસદો સાથે લોકસભા અધ્યક્ષને મળવા પહોંચ્યા છે. તેમણે આ મામલે લોકસભા અધ્યક્ષ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. આ પહેલા રવિવારે તેમણે કોર્ટ પાસે હસ્તક્ષેપની પણ માંગ કરી હતી.
સાંસદ ઝિયા ઉર રહેમાન બર્કે શું કહ્યું?
સંભલના સાંસદ જિયા ઉર રહેમાન બર્કે કહ્યું કે સંભલમાં ચાર નહીં પરંતુ પાંચ યુવાનોના જીવ ગયા છે, આ માટે પોલીસ પ્રશાસન જવાબદાર છે. તેની સામે કેસ નોંધવો જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ કારણ કે તેણે સરકારી હથિયારથી નહીં પરંતુ ખાનગી હથિયારથી ફાયરિંગ કર્યું હતું. આવા લોકોને જેલમાં જવું જોઈએ, જેથી તેમના પરિવારજનો જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમને ન્યાય મળી શકે. જો કોર્ટનો આદેશ હોત તો સર્વે અગાઉ થઈ ગયો હોત. એવી કેવી કટોકટી હતી કે તમે સર્વે કરવા માટે તરત જ પાછા પહોંચ્યા? ખુદ કોર્ટ કમિશનરે કહ્યું હતું કે સર્વે થઈ ગયો છે. તેમની પાસે કોર્ટનો આદેશ નહોતો.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ શું કહ્યું:
પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા યુપી સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, ” ઉત્તર પ્રદેશના સંભલમાં અચાનક ઉદભવેલા વિવાદ પ્રત્યે રાજ્ય સરકારનું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વહીવટીતંત્ર એ આટલા સંવેદનશીલ મામલામાં, બીજી બાજુ સાંભળ્યા વિના અને બંને પક્ષોને વિશ્વાસમાં લીધા વિના ઉતાવળમાં પગલાં લીધાં છે. તે દર્શાવે છે કે સરકારે જ વાતાવરણ બગાડ્યું છે. વહીવટીતંત્રએ જરૂરી કાર્યવાહી અને ફરજોનું પાલન કરવું જરૂરી માન્યું ન હતું.”
તેમણે લખ્યું કે, “સત્તા પર બેસીને ભેદભાવ, જુલમ અને વિખવાદ ફેલાવવાનો પ્રયાસ ન તો લોકોના હિતમાં છે કે ન તો દેશના હિતમાં. માનનીય સુપ્રીમ કોર્ટે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ અને ન્યાય કરવો જોઈએ. રાજ્યના લોકોને મારી અપીલ છે કે દરેક સંજોગોમાં શાંતિ જાળવી રાખે.”
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું:
સંભલમાં પથ્થરમારાની ઘટના પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે સંભલની મસ્જિદ 50-100 વર્ષ જૂની નથી, તે 250-300 વર્ષથી વધુ જૂની છે અને કોર્ટે લોકોની વાત સાંભળ્યા વિના એકતરફી આદેશ આપ્યો. જ્યારે બીજો સર્વે કરવામાં આવ્યો ત્યારે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. સર્વેનો વીડિયો સાર્વજનિક ડોમેનમાં છે. જેમાં સર્વે માટે આવેલા લોકોએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હોવાનું જોવા મળે છે. હિંસા ફાટી નીકળી, ત્રણ મુસ્લિમોને ઠાર કરવામાં આવ્યા. અમે તેની નિંદા કરીએ છીએ, આ હત્યા છે.
Also Read – Sambhal Violence : રાહુલ ગાંધીએ હિંસા માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી, શાંતિ માટે અપીલ કરી
તેજસ્વી યાદવે શું કહ્યું:
બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પોલીસકર્મીઓ ગુંડાઓ જેવું કામ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે… ભાજપ માત્ર નફરત ફેલાવી રહી છે, તેઓ કોઈપણ રીતે દેશને તોડવા માંગે છે. બિહારમાં જો કોઈ આવો પ્રયાસ કરશે તો અમે ચૂપ નહીં રહીએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને