પુણે: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સામે મહાવિકાસ આઘાડીની પાર્ટી રેલી અને સભાઓ કરવામાં વ્યસ્ત છે ત્યારે બળવાખોરો પણ હજુ ગઠબંધન માટે માથાનો દુખાવો બન્યા છે. મહાયુતિના પ્રચાર માટે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે આપેલા નારા અંગે અજિત પવારે અલગ જ મત વ્યક્ત કર્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીમાં કરેલા નારા ‘બટેંગે તો કટેંગે’ના એક દિવસ બાદ મહાયુતિના સાથી પક્ષ એનસીપીના વડા અજિત પવારે જણાવ્યું હતું કે રાજ્યના લોકોએ આવા નારાઓને વધુ પ્રોત્સાહન આપવું ન જોઇએ.
મહારાષ્ટ્રના લોકો હંમેશા સામાજિક એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરતા હોય છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.
આપણ વાંચો: Assembly Election: યોગી આદિત્યનાથે વિપક્ષી ગઠબંધન અંગે વાશિમમાં શું કહ્યું?
‘મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજ, રાજાશ્રી શાહુ મહારાજ, મહાત્મા ફુલે જેવા મહાનુભવોનું રાજ્ય છે. અન્ય રાજ્યો સાથે મહારાષ્ટ્રની સરખામણી ન થઇ શકે અને એવું કરવું રાજ્યના લોકોને ગમશે પણ નહીં’, એમ પત્રકારો દ્વારા યોગીના નારા અંગે પૂછવામાં આવતા અજિત પવારે જણાવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજે દરેક સમાજના-વર્ગના લોકોને સાથે લઇને ચાલવાનું શિખવ્યું હતું, એમ તેમણે વધુમાં કહ્યું હતું. ‘અન્ય રાજ્યથી આવેલા લોકો તેમના રાજ્યની પ્રજાને ધ્યાનમાં રાખીને બોલતા હોય છે, પણ મહારાષ્ટ્ર તે ક્યારેય સ્વીકારશે નહીં એ અહીં યોજાયેલી તમામ ચૂંટણીઓનો ઇતિહાસ છે’, એમ તેમણે જણાવ્યું હતું.