રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. રશિયા-યુક્રેન સંઘર્ષને બે વર્ષથી વધુનો સમય થઇ ગયો છે અને હવે ટૂંક સમયમાં ત્રણ વર્ષ પણ પૂરા થઇ જશે, પણ બંને દેશ સતત યુદ્ધમાં વ્યસ્ત છે. હવે રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ સ્ટેશન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ સૌથી મોટો હવાઇ હુમલો હોવાનું માનવામાં આવે છે. રશિયાએ સહુ પ્રથમ રાતના ડ્રોન હુમલા કર્યા હતા. ત્યારબાદ સવારે મિસાઈલ હુમલો કર્યા હતા.. આ દરમિયાન રશિયાએ યુક્રેન પર 120 મિસાઈલ અને 90 ડ્રોનથી હુમલો કર્યો હતો. રશિયાના આ હુમલાથી પાવર સિસ્ટમ્સને “ગંભીર નુકસાન” થયું છે અને યુક્રેનના ઘણા વિસ્તારોમાં તદ્દન અંધારપટનો ભય છવાયો છે.
હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાજી મારી છે અને હવે તેઓ ચૂંટાઇ આવ્યા છે. તેમની ઐતિહાસિક જીત બાદ ટ્રમ્પે રશિયા-યુક્રેનના યુદ્ધના અંતની સંભાવના વ્યક્ત કરી છે એવા સમયે રશિયા તરફથી આ ભયંકર હુમલો કરવામાં આવ્યો છે, જેને કારણે યુક્રેનમાં ભારે તારાજી સર્જાઇ છે.
આ પણ વાંચો: યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો, રાજધાની મૉસ્કો પર છોડ્યા 34 ડ્રોન
યુક્રેનના વિદેશ પ્રધાન આન્દ્રે સિબિહાએ સોશિયલ મીડિયા પર આ હુમલા અંગે પ્રતિભાવ આપતા લખ્યું હતું કે, “શાંતિથી ઉંઘતા શહેરો, શાંતિથી ઊંઘતા નિર્દોષ નાગરિકો પર રાતોરાત ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. દુશ્મનનું લક્ષ્ય યુક્રેનમાં અમારું ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું……
રશિયાના આ હુમલામાં સાત લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં યુક્રેનના પાવર ગ્રીડ સિસ્ટમને ભારે નુક્સાન થયું છે. હાલમાં યુક્રેનમાં શિયાળાની મોસમ ચાલી રહી છે. એવા સમયે પાવર ગ્રીડ સિસ્ટમમાં થયેલા ભારે નુક્સાનને કારણે અનેક જગ્યાએ અંધારપટની સ્થિતિ સર્જાવાનો ભય છે. રશિયાના આવા હુમલા યુક્રેન પર માનસિક દબાણ વધારશે અને પારાવાર હાલાકી ભોગવી રહેલા લોકોની તકલીફો પણ વધી જશે.
હાલ યુક્રેનના કેટલાક વિસ્તારોમાં અંધારપટ સર્જાયો છે, લોકોનો હીટિંગ, પાણી અને વીજળીનો પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે અને હોસ્પિટલો જનરેટર પાવર પર ચલાવવામાં આવી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને