મુંબઈઃ ૨૦ નવેમ્બરે મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી (Assembly Election)માં અનેક મુદ્દાઓની સાથે આ વખતે બેગની તપાસનો મુદ્દો પણ જોરશોરથી ગાજી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા બેગ તપાસના મુદ્દાને પહેલા ઉછાળવામાં આવ્યા બાદ સત્તાપક્ષ અને વિપક્ષના અનેક નેતાઓની બેગ તપાસના સમાચારો સામે આવ્યા છે.
આ પણ વાંચો : ફડણવીસ અને ભાજપના નેતાઓ વોટ જેહાદનો મુદ્દો બનાવીને ચૂંટણીને ધાર્મિક રંગ આપે છે: શરદ પવાર…
આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ બાકાત રહ્યા નથી અને હવે મહારાષ્ટ્રના રાજકારણના ખેલાડી શરદ પવારની બેગ તપાસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શરદ પવારના સહયોગીએ જણાવ્યું કે શરદ પવાર સોલાપુરના કરમાલામાં ચૂંટણી રેલીમાં ભાગ લેવાના હતા. જ્યારે તેઓ બારામતી હેલિપેડ પર પહોંચ્યા ત્યારે તેમની બેગની ચકાસણી કરવામાં આવી હતી. શોધખોળ બાદ પવાર સાહેબ હેલિકોપ્ટરમાં બેસીને રેલી માટે રવાના થયા.
બીજી તરફ શનિવારે અમરાવતી જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બેગની પણ તલાશી લેવામાં આવી હતી, જેના કારણે આવી કાર્યવાહી પર વધુ સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યના પૂર્વ મંત્રી અને ટેઓસાના કોંગ્રેસના ધારાસભ્ય યશોમતી ઠાકુરે ચૂંટણી અધિકારીઓની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.
તેમણે પૂછ્યું હતું કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની બેગની તપાસ કરવામાં આવી રહી છે ખરી? ઉદ્ધવ ઠાકરે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કરીને આવો સવાલ પહેલા ઉઠાવી ચુક્યા છે.
આવા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં સત્તાપક્ષના નેતાઓએ પોતાની બેગ તપાસના ફોટા અને વિડિઓ શેર કરીને પ્રોટોકોલ બધા માટે સમાન છે અને મહાયુતિ તેનું સન્માન કરે છે તેમ જણાવ્યું હતું. સ્વાભાવિક રીતે તેનો હેતુ વિરોધ પક્ષોનાં હોબાળાની હવા કાઢવાનો છે.
હાલમાં, ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ચૂંટણી અધિકારીઓ અમિત શાહ, મુખ્ય પ્રધાન શિંદે, નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ અને અજિત પવાર જેવા મહારાષ્ટ્રના અન્ય નેતાઓની બેગ તપાસતા જોવા મળ્યા છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને વિરોધ પક્ષોએ તેને ચૂંટણી પંચની પક્ષપાતી કાર્યવાહી તરીકે રજૂ કરી છે.
આ પણ વાંચો : હવામાનમાં પલટોઃ વરસાદના આગમન વચ્ચે શરદ પવાર અને ફડણવીસે રેલી યોજી…
ભાજપે તેની તરફથી સ્પષ્ટતા કરી છે કે તે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીમાં વિશ્વાસ રાખે છે અને તમામ ચૂંટણી પ્રોટોકોલનું પાલન કરે છે. ‘એક્સ’ પર પોસ્ટ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ભાજપ મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં વિશ્વાસ રાખે છે અને અમે દરેક નિયમનું પાલન કરીએ છીએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને