મુંબઈ/રાજકોટઃ રણજી ટ્રોફીનો નવા રાઉન્ડની આજે (સવારે 9.30 વાગ્યાની) શરૂઆત પહેલાં સ્ટાર ખેલાડીઓના પુનરાગમનથી પરિસ્થિતિ રોમાંચક હતી, પણ થોડા જ કલાકોમાં એમાંના મોટા ભાગના સિતારાઓના ફ્લૉપ શોને કારણે `ટાંય ટાંય ફિસ’ થઈ ગયું હતું.
બીસીસીઆઇએ આંતરરાષ્ટ્રીય સિરીઝ કે ટૂર્નામેન્ટ પહેલાં સ્ટાર પ્લેયર્સને ડોમેસ્ટિક ક્રિકેટ (રણજી ટ્રોફી)માં રમવાની સૂચના આપી છે, પરંતુ કમનસીબે રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, રિષભ પંત અને શુભમન ગિલ સાવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. બીજી બાજુ, રવીન્દ્ર જાડેજા સુપર-હિટ સાબિત થયો હતો.
રોહિત શર્મા આ પહેલાં નવેમ્બર 2015માં (નવ વર્ષ પહેલાં) રણજીમાં રમ્યો હતો. યશસ્વીનો અગાઉનો રણજી પર્ફોર્મન્સ જાન્યુઆરી 2023માં (બે વર્ષ પહેલાં), રિષભ પંતનો પાછલો રણજી દેખાવ ડિસેમ્બર 2017માં (સાત વર્ષ પહેલાં) અને શુભમન ગિલનો આ અગાઉનો રણજી પર્ફોર્મન્સ જૂન 2022માં (અઢી વર્ષ પહેલાં) હતો. તેમની પાસે તેમની ટીમની આજે બહુ મોટી અપેક્ષા હતી, પણ આ ચારેય બૅટર થોડી જ મિનિટો સુધી ક્રીઝ પર ટકી શક્યા હતા.
આપણ વાંચો: રોહિતનું રણજી ટ્રોફીમાં કમબૅક આટલા જ બૉલમાં સમેટાઈ ગયું, જુઓ કેટલા રનમાં આઉટ થયો…
બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં શરદ પવાર ઍકેડેમી ગ્રાઉન્ડ પર ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ વતી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જમ્મુ અને કાશ્મીર સામેની મૅચમાં ઓપનિંગ કર્યું હતું, પરંતુ રોહિત 19 બૉલમાં ત્રણ રન બનાવીને અને યશસ્વી આઠ બૉલમાં ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
રિષભ પંત 10 બૉલમાં ફક્ત એક રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. પંજાબનો કૅપ્ટન શુભમન ગિલ સાત જ બૉલ રમ્યો હતો ત્યાં આઠમા બૉલમાં ચાર રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
શ્રેયસ ઐયર મુંબઈની ટીમમાં છે. તે છેલ્લા થોડા અઠવાડિયાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારા ફૉર્મમાં જોવા મળ્યો છે અને આવતા મહિનાની ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં તેનો સમાવેશ કરાયો છે, પણ આજે બીકેસીમાં જમ્મુ-કાશ્મીરની ટીમ સામે સાત જ બૉલની ટૂંકી ઇનિંગ્સમાં 11 રનના તેના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ યુધવીર સિંહ નામના પેસ બોલરે લીધી હતી.
આપણ વાંચો: Back to basics: વિરાટ-રોહિત સહીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા આ 9 ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે
આ સ્ટાર ખેલાડીઓમાંથી રોહિત, યશસ્વી, પંત અને ગિલ એવા ચાર પ્લેયર છે જેઓ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા ખાતેના નિરાશાજનક પ્રવાસેથી પાછા આવ્યા હતા અને હવે રણજીમાં તેમણે રમવાનું કહેવામાં આવ્યું છે.
છેલ્લા બે મહિનામાં ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝોની 11 ઇનિંગ્સમાં કુલ મળીને ફક્ત 122 રન બનાવનાર રોહિત શર્માનું રણજી ટ્રોફીમાં કમબૅક નિરાશાજનક રહ્યું છે. મુંબઈના કેપ્ટન અજિંકય રહાણેએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને ઓપનર તરીકે રોહિત શર્મા તથા યશસ્વી જયસ્વાલ મેદાન પર ઉતર્યા હતા.
મૅચ પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા ખૂબ ખુશ હતો અને સાથીઓ જોડે મસ્તી મજાક કરી રહ્યો હતો. તેઓ એક ટૂંકા સેશનમાં હેડ વૉલીબૉલ પણ રમ્યા હતા.
રોહિત ઓપનિંગ માટે ગ્રાઉન્ડ પર ઊતર્યો ત્યારે તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. તેણે અને યશસ્વીએ સાવચેતીભરી શરૂઆત કરી હતી. જોકે રોહિતે ફક્ત ત્રણ રન બનાવીને વિકેટ ગુમાવી દીધી હતી. તે કાશ્મીરમાં 31 વર્ષીય ફાસ્ટ બોલર ઉમર નઝીર મીરના બૉલમાં મિડવિકેટ તરફ શૉટ મારવાના પ્રયાસમાં પારસ ડોગરાને કૅચ આપી બેઠો હતો. યશસ્વી પેસ બોલર ઑકિબ નબીના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.
આપણ વાંચો: શું વાત છે!…આ બોલરે રણજી ટ્રોફીના એક દાવમાં લીધી તમામ 10 વિકેટ…
રોહિતને પ્લેઈંગ ઇલેવનમાં સમાવવા ઇન્ફોર્મ ઓપનર આયુષ મ્હાત્રેને પડતો મૂકવામાં આવ્યો હતો. 17 વર્ષના આયુષની આ પહેલી જ સીઝન છે અને એમાં તેણે નવ ઈનિંગ્સમાં 45.33ની સરેરાશે કુલ 408 રન ખડકી દીધા છે.
બીકેસીમાં સ્ટાર ખેલાડીઓ રમવાના હોવાથી આયોજકોએ 500 જેટલી સીટની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઓછા પ્રેક્ષકો આ મૅચ જોવા આવ્યા હતા.મુંબઈએ ખરાબ શરૂઆત બાદ 47 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. જોકે શાર્દુલ ઠાકુર (51 રન, 57 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને તનુષ કોટિયન (26 રન, 36 બૉલ, પાંચ ફોર)ની 63 રનની ભાગીદારીથી ધબડકો અટક્યો હતો અને મુંબઈની થોડી આબરૂ બચી હતી.
ક્યાં કઈ રણજી મૅચમાં શું બન્યું?
(1) બીકેસીમાં મુંબઈ 120 રનમાં ઑલઆઉટ (શાર્દુલ 51 રન, કોટિયન 26 રન, રોહિત 3 રન, યશસ્વી 4 રન, શ્રેયસ 11 રન, ઉમર મીર 41 રનમાં ચાર અને યુધવીર સિંહ 31 રનમાં ચાર, ઑકિબ નબી 36 રનમાં બે વિકેટ) બાદ જમ્મુ અને કાશ્મીર સાત વિકેટે 174 રન (શુભમ ખજુરિયા 53 રન, આબિદ મુશ્તાક 44 રન, મોહિત અવસ્થી 34 રનમાં ત્રણ, શમ્સ મુલાની 61 રનમાં બે અને શાર્દુલ 29 રનમાં તથા શિવમ દુબે 30 રનમાં એક વિકેટ). જમ્મુ-કાશ્મીરની ટીમ 54 રનથી આગળ.
આપણ વાંચો: રણજી ટ્રોફી: મુંબઈ ઉપરાંત ગુજરાતની મૅચ પણ ડ્રૉ, બન્નેએ મેળવ્યા ત્રણ-ત્રણ પૉઇન્ટ…
(2) રાજકોટમાં દિલ્હી 188 રને ઑલઆઉટ (આયુષ બદોની 60 રન, યશ ધુલ 44 રન, રિષભ પંત 1 રન, રવીન્દ્ર જાડેજા 66 રનમાં પાંચ, ધર્મેન્દ્રસિંહ જાડેજા 63 રનમાં ત્રણ વિકેટ) બાદ સૌરાષ્ટ્ર પાંચ વિકેટે 163 રન (હાર્વિક દેસાઈ 93 રન, રવીન્દ્ર જાડેજા 38 રન, શિવમ શર્મા 36 રનમાં બે વિકેટ)
(3) બેન્ગલરુમાં પંજાબ પંચાવન રને ઑલઆઉટ (રમણદીપ સિંહ 16 રન, શુભમન ગિલ 4, વાસુકી કૌશિક 16 રનમાં ચાર, અભિલાશ શેટ્ટી 19 રનમાં ત્રણ અને પ્રસિદ્ધ ક્રિષ્ના 11 રનમાં બે વિકેટ) બાદ કર્ણાટક ચાર વિકેટે 199 રન (રવિચન્દ્રન સ્મરણ 83 નૉટઆઉટ)
(4) નાશિકમાં બરોડા સામે મહારાષ્ટ્ર સાત વિકેટે 258 રન (સૌરભ નવાળે 60 નૉટઆઉટ, ઋતુરાજ ગાયકવાડ 10 રન, અતિત શેઠ 48 રનમાં ત્રણ, રાજ લિંબાણી 45 રનમાં બે, કૃણાલ પંડ્યા 24 રનમાં એક અને મહેશ પીઠિયા 31 રનમાં એક વિકેટ)
(5) જયપુરમાં વિદર્ભ 165 રને ઑલઆઉટ (કરુણ નાયર 39 રન, ખલીલ અહમદ 37 રનમાં પાંચ અને માનવ સુથાર 40 રનમાં ત્રણ તથા કુકના અજય સિંહ 24 રનમાં બે વિકેટ) બાદ રાજસ્થાન પાંચ વિકેટે 101 રન (મહિપાલ લૉમરોર 44 નૉટઆઉટ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને