મુંબઈ: છેલ્લા બે મહિનામાં ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝોની 11 ઇનિંગ્સમાં કુલ મળીને ફક્ત 122 રન બનાવનાર રોહિત શર્માનું રણજી ટ્રોફીમાં કમબૅક નિરાશાજનક રહ્યું છે. તે અહીં આજે જમ્મુ અને કાશ્મીર સામેની રણજી મૅચના પ્રથમ દિવસે ફક્ત 19 બૉલની ઇનિંગ્સમાં ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.રોહિત નવ વર્ષ પછી ફરી રણજી ટ્રોફીમાં રમવા આવ્યો છે.

આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો પ્રથમ દાવનો સ્કોર સાત વિકેટે માત્ર 51 રન હતો. કાશ્મીરના પેસ બોલર ઉમર નઝીર મીરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) ખાતે શરદ પવાર ઍકેડેમી ગ્રાઉન્ડ પર શરૂ થયેલી ચાર દિવસીય રણજી મૅચમાં મુંબઈના કેપ્ટન અજિંકય રહાણેએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને ઓપનર તરીકે રોહિત શર્મા તથા યશસ્વી જયસ્વાલ મેદાન પર ઉતર્યા હતા.મૅચ પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા ખૂબ ખુશ હતો અને સાથીઓ જોડે મસ્તી મજાક કરી રહ્યો હતો. તેઓ એક ટૂંકા સેશનમાં હેડ વૉલીબૉલ પણ રમ્યા હતા.

Also read: રોહિત-વિરાટ ઉપરાંત હેડ-કોચ ગૌતમ પર પણ બીસીસીઆઇમાં ગંભીર ચર્ચા થઈ શકે

રોહિત ઓપનિંગ માટે ગ્રાઉન્ડ પર ઊતર્યો ત્યારે તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. તેણે અને યશસ્વીએ સાવચેતીભરી શરૂઆત કરી હતી. જોકે રોહિતે ફક્ત ત્રણ રન બનાવીને વિકેટ ગુમાવી દીધી હતી. તે કાશ્મીરમાં 31 વર્ષીય ફાસ્ટ બોલર ઉમર નઝીર મીરના બૉલમાં મિડવિકેટ તરફ શૉટ મારવાના પ્રયાસમાં પારસ ડોગરાને કૅચ આપી બેઠો હતો.રોહિતને પ્લેઈંગ ઇલેવનમાં સમાવવા ઇન્ફોર્મ ઓપનર આયુષ મ્હાત્રેને પડતો મૂકવામાં આવ્યો હતો. 17 વર્ષના આયુષની આ પહેલી જ સીઝન છે અને એમાં તેણે નવ ઈનિંગ્સમાં 45.33ની સરેરાશે કુલ 408 રન ખડકી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને