મુંબઈઃ આર્થિક રીતે પછાત અને નિરાધાર મહિલાઓ માટે કલ્યાણ શહેર કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ રાજાભાઈ પાટકર દ્વારા અનોખી યોજના અમલમાં મુકવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ આજે એક પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે આગામી દશેરા અને દિવાળીના અવસર પર કલ્યાણ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં મહિલાઓ માટે મફત સિલિન્ડર રિફિલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ પહેલ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રભારી સંજય દત્તના માર્ગદર્શન હેઠળ લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો: બોલો, ભારે કરી બેંકોએઃ લાડકી બહેન યોજનાની રકમ પર ચાર્જ લેવાની ફરિયાદ

કોંગ્રેસ કલ્યાણ શહેર જિલ્લા પ્રમુખ સચિન પોટે, ઉપપ્રમુખ રાજાભાઈ પાટકર, બ્લોક પ્રમુખ વિમલ ઠક્કર, પ્રદેશ સભ્ય રાજેશ (મુન્ના) તિવારી, મહિલા જિલ્લા પ્રમુખ કંચન કુલકર્ણી, યુથ કોંગ્રેસના પ્રમુખ જપજીત સિંહ અને અન્ય અધિકારીઓએ પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી.

અમે ખૂબ જ પ્રતિકૂળ સંજોગોમાંથી આ સ્થાને આવ્યા છીએ. તેથી અમે ગરીબોની સમસ્યાઓ, તેમની પરિસ્થિતિથી વાકેફ છીએ. આ પૃષ્ઠભૂમિ પર, સામાજિક પ્રતિબદ્ધતા તરીકે, દશેરા-દિવાળીના અવસરે, કોંગ્રેસ પાર્ટી દ્વારા આ યોજનાને સ્વખર્ચે અમલમાં મુકવાની માહિતી રાજાભાઈ પાટકરે પત્રકાર પરિષદમાં આપી હતી.

આ પણ વાંચો: લાડકી બહેન યોજના: દિવાળી ધમાકેદાર!

આ યોજના કલ્યાણ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તાર માટે લાગુ થશે અને તેના હેઠળ નિરાધાર, ત્યજી દેવાયેલી અને છૂટાછેડા લીધેલી મહિલાઓ તેનો લાભ લઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે હેલ્પલાઈન નંબર ૭૬૯૯૪૪૪૫૫૫ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત, કલ્યાણ પશ્ચિમમાં ખડકપાડા ખાતે ન્યુટેક ડાયગ્નોસ્ટિક સેન્ટર, ટીટવાલા ગણેશ મંદિરની સામે ઓફિસ અને મોહના ખાતે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.