ભુજઃ મુંદરા અદાણી બંદર પરથી કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન એન્ડ ઇન્ટેલીજન્સ બ્રાંચ દ્વારા એક વર્ષમાં ત્રીજી વાર પ્રતિબંધિત ગારનેટનો અંદાજે ૫૦ કરોડના મૂલ્યનો ૧૪૦ ટન જથ્થો ઝડપી પાડ્યો હતો.
એબ્રેસીવ, પોલીસીંગ, કટિંગમાં ઉપયોગમાં લેવાતા આ ખનીજની ચાઈનામાં સૌથી વધારે માંગ છે. ભારતમાં જેમની પાસે પરવાનો હોય એ જ તેની નિકાસ કરી શકે છે, પરંતુ મુંદરા કસ્ટમ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે નિકટતા ધરાવનારા કેટલાક શખ્સો દ્વારા મિસડિક્લેરેશન થકી આ રીતે તેની હેરફેર કરવામાં આવતી હોવા અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર, દુબઇ તરફ નીકળેલા આ પાંચ કન્ટેનરમાં બેન્ટોનાઇટનો પાવડર હોવાનું ડિક્લેર કરવામાં આવ્યું હતું પરંતુ પૂર્વ બાતમીના આધારે કસ્ટમની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન એન્ડ ઇન્ટેલીજન્સ બ્રાંચે કન્ટેનરોની તપાસ કરતાં તેમાંથી બેન્ટોનાઇટને બદલે પ્રતિબંધિત ગારનેટનો જથ્થો નીકળી પડતાં તેને સીઝ કરાયો હતો. નમૂનાને મદ્રાસની આઇઆરએલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
ઝડપાયેલો લાલ રેતીનો આ જથ્થો રાજસ્થાનથી મુંબઇના કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન દ્વારા મુંદરા બંદરે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એપ્રિલ-૨૦૨૩માં પણ મુંદરા પોર્ટ પર ડીઆરઆઇએ લાલ રેતીના ૪૯ કન્ટેનર ઝડપીને ગારનેટનો ૫૦૦ કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષે જુલાઇમાં પણ પ્રતિબંધિત ગાર્નેટના ૨૪ જેટલા કન્ટેનર અટકાવાયા હતા. જેમાં ગાંધીધામના કસ્ટમ બ્રોકરે ડિક્લેર કાર્ગો તરીકે પથ્થરના ટુકડા દર્શાવ્યા હતા પણ તપાસમાં ગેરરીતિ બહાર આવી હતી.