-ડૉ. પૂર્વી ગોસ્વામી
૧૮૫૭ પછી સશસ્ત્ર આઝાદીની વિચારધારાનો અંત આવ્યો ન હતો, એક યા બીજી રીતે તેનો પ્રવાહ વહેતો રહ્યો અને તેનો અસરકારક વિસ્ફોટ વીસમી સદીની શરૂઆતમાં થયો, તે પણ એક ગુજરાતી પંડિત દ્વારા ભારત પર શાસન કરતા ઈંગ્લેન્ડમાં. અહિંસક વિચાર દ્વારા સ્વતંત્રતાના આગ્રહી મહાત્મા ગાંધી અને સશસ્ત્ર ક્રાંતિનું તત્ત્વજ્ઞાન સ્વીકારનારા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા બંને ગુજરાતના તેમાંય શ્યામજી કચ્છી હોવાથી આપણને વિશેષ ગૌરવ ઊપજે. એજ કચ્છી ક્રાંતિકારીએ આઝાદી મેળવવા અસંખ્ય અવરોધો વચ્ચે વિદેશોમાં પત્રકારત્વને શસ્ત્ર બનાવ્યું. આ પેપર શરૂ કર્યું અને ત્રણ વખત (લંડન-પેરિસ-જીનિવા) સ્થાનાંતરિત કર્યા પછી પણ તેનું પ્રકાશન ચાલુ રાખ્યું.
Also read: ઈકો-સ્પેશિયલ: દેશના અર્થપૂર્ણ વિકાસ માટે જવાબદાર મૂડીવાદ ને આર્થિક સમાનતાનાં લક્ષ્ય જરૂરી છ
આ ઘટના પત્રકારત્વ અને સ્વતંત્રતાના ઈતિહાસમાં ગુજરાતના યોગદાનને ગૌરવપૂર્ણ પ્રદર્શિત કરે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વાતંત્ર્ય સંગ્રામને લોકપ્રિય બનાવનાર તે પ્રથમ અખબાર હતું. શ્યામજી કૃષ્ણવર્માના ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ સાથે શ્રીમતી કામાનું ‘તલવાર’ અને ‘વંદે માતરમ’, છગન ખેરાજ વર્માનું ‘મદન તલવાર’ અને ‘ગદ્દર’ પણ સ્વાતંત્ર્ય સંગ્રામના વિચાર વિસ્તાર માટેના ઉત્તમ ઉદાહરણ સાબિત થયા હતા.
વર્ષ ૧૯૦૫ની ૧૮મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્મા અને સાથીઓએ કરી હતી. આ સ્થાપના અને વિચારના પ્રચારાર્થે જે પત્રનો પ્રારંભ થયો તે જ ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’. વિદેશોમાં પ્રકાશિત થતું આ પહેલવહેલું સ્વાતંત્ર્યજંગનું સમર્થક અખબાર! આ વર્ષોમાં મુંબઈમાં યુવાન વીર સાવરકર ઇન્ડિયન સોશિયોલોજિસ્ટનો અંક વાંચ્યો. ‘કેસરી’માં પણ શ્યામજીની થોડી વિગતો જાહેર થયેલી એટલે શ્યામજીની ‘શિવાજી છાત્રવૃત્તિ’ની સગવડથી તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. તેના દરેક અંક ‘રાજકારણ, સમાજ અને ધર્મના સુધારા અને સ્વતંત્રતાનું મુખપત્ર’ છપાયું હતું.
આ પેપરનું યોગદાન અનેક રીતે હતું. વિશ્ર્વના દરેક સ્વાતંત્ર્ય સંગ્રામને અહીં સમર્થન મળ્યું, વિવિધ દેશોના સ્વાતંત્ર્ય ચિંતકો સાથે સંપર્ક થયો, તેઓ ભારતની આઝાદી માટે પ્રેરિત થયા, તે ભારતીય ક્રાંતિકારીઓ માટે પ્રેરણા બની. ભારતીય ક્રાંતિકારીઓને વિસ્ફોટક સામગ્રી અને નાણાકીય સહાય પૂરી પાડવા, તેમના કારણ સમજાવતા લેખોનું પ્રકાશન, સ્વતંત્રતા ઉત્સવોનું આયોજન, દેશભક્તો માટે શિષ્યવૃત્તિ, વ્યાખ્યાન શ્રેણી, ભારતીય નેતાઓને આમંત્રિત કરવા વગેરે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા અને ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ એક ઉત્તમ માધ્યમ હતું. બ્રિટિશ સરકારે તો તેને ‘દેશદ્રોહી, ઉશ્કેરણીજનક પત્રકારત્વ’ ગણાવ્યું, બ્રિટિશ સ્વતંત્રતાવાદીઓએ તેને ‘સ્વતંત્ર પત્રકારત્વ’ માન્યું અને તે ભારતીય ક્રાંતિનું ‘પ્રેરણાદાયી ક્રાંતિકારી કાગળ’ બની ગયું. આ અખબાર કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું ન હતું પરંતુ સમાજવિગ્રહના મૂળ સિદ્ધાંતો અનુસાર ચાલતું રહ્યું.
તેના એક અંકમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખપદેથી લોકમાન્ય તિલકનું વ્યાખ્યાન, એચ. એમ. હિન્ડમેનના ભારત વિશેના વિચારો, ઉદયપુરમાં યોજાયેલ શાહી દરબાર, હર્બર્ટ સ્પેન્સર ફેલોશિપ અને ઇ.ની રસપ્રદ ટિપ્પણીઓ નજરે પડે છે. ફેબ્રુઆરી ૧૯૦૫ના અંકમાં, એલ ઇ. ઇનના ભારતીય ઉદ્યોગપતિઓની નિંદાનો જવાબ શ્યામજીએ ખુદ ‘ડિસ્પોટિઝમ એન્ડ લાઇંગ’ શીર્ષકથી આપ્યો છે. બ્રિટન અને ભારતમાંથી ‘ભારતીય સમાજશાસ્ત્રી’ની હિંમતની પ્રશંસા કરવામાં આવી હતી. તે બધાના પત્રો આપવામાં આવ્યા હતા અને અખબારો ‘ડેઇલી મેઇલ’ અને રેનોલ્ડ્સ ન્યૂઝપેપર તરફથી ટિપ્પણીઓ પણ આપવામાં આવી હતી. માર્ચ ૧૯૦૫ ના અંકમાં શ્યામજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘ભારત માટે સ્વરાજની તાતી જરૂરિયાત છે. લંડનમાં સ્થપાયેલી ‘ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી’ના સંદર્ભમાં તેમણે લખ્યું કે, ‘કેટલાક વર્ષો પહેલા આયર્લેન્ડ દ્વારા પણ આવી જ માગ કરવામાં આવી હતી. હવે ભારતનો વારો છે.’
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું કે છેક ૧૯૩૦થી જીનિવામાં સાચવી રાખવામાં આવેલા શ્યામજીના અને તેમનાં જીવનસંગિની ભાનુમતિના અસ્થિ જાતે જઈને લાવ્યા અને કચ્છનાં માંડવીને એક ભવ્ય સ્મારક ‘ક્રાંતિતીર્થ’ સ્વરૂપે ભેટ ધર્યું. તાજેતરમાં જ જી. એમ. ડી. સી. ના કુશળ અને ભાવાત્મક રીતે સંચાલિત આ સ્મારક ખાતે ‘વિરાંજલિ ગેલેરી’ના ઉદઘાટન પ્રસંગે વર્ત. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવેલા અને તેમના હસ્તે પંડિતના ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ના ૧૯૦૫ થી ૧૯૨૨ સુધીના અંકોનું સંપાદન અને લેખન ધરાવતા અંકોનું વિમોચન કરવામાં આવ્યું. આ સંપાદન કાર્ય પીઢ પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ કર્યું છે અને પ્રકાશક જીએમડીસી ખુદ છે.
Also read: ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!
ભારતીય ક્રાંતિકારીઓએ કેવી રીતે વિદેશમાં જઈને આઝાદીની ચળવળ શરૂ કરી એનું સંશોધન અને પ્રેક્ટિસ કરવા માટે આ પુસ્તકો ખૂબ જ ઉપયોગી થશે જે બે ભાગમાં ઉપલબ્ધ છે. અને તેનું પ્રકાશન જીએમડીસી દ્વારા કરવામાં આવ્યું છે. શ્યામજીનું જેવું જીવન હતું તેવી જ તેમની વિચાર યાત્રા. હજુ તેમનું ઘણું દુર્લભ છે અને તેમના વિષે લોકોમાં જાગૃતિ પણ! પરંતુ જે પણ હાંસલ થયું તેમાં ઘણાં લોકોનો પરમાર્થ છુપાયેલો છે, આપણા પંડ્યાસાહેબ તેમાંના એક!