જટિલરાય કેશવલાલ વ્યાસ આપણાં અગ્રગણ્ય અને કવિ. ઉપનામ પણ ‘જટિલ’ રાખ્યું, પણ સ્વભાવ અને શૈલીએ સરળ હતા. મૂળ વતન પોરબંદર. એમનો જન્મ ૧૫-૯-૧૯૧૭માં. કોલેજનું શિક્ષણ ભાવનગરની શામળદાસ કોલેજમાં, એમનો શોખનો વિષય હતો શિક્ષણ અને થવું હતું શિક્ષક, પરંતુ કુટુંબ સાથે રહીને માતા-પિતાની સેવા કરી શકાય એ માટે ભાવનગર રેલવેમાં નોકરી સ્વીકારી અને ૧૯૭૫માં નિવૃત્ત થયાં. એમની ગઝલોમાંથી પસાર થતાં એક વાત તાત્કાલિક નજરે પડે છે એ છે ભાષાની સરળતા.
વાતચીતની ભાષા પણ વેધકતા ખરી. માર્મિકતા અને ખુમારી એમના વિશેષ છે.
પહેલો કાવ્યસંગ્રહ ‘કાવ્યાંગના’ ૧૯૪૫માં પ્રગટ થતાં જ કાવ્યપ્રેમીઓનું ધ્યાન એમના તરફ ખેંચાયું. બીજો સંગ્રહ ‘સંસ્પર્શ’ ૧૯૬૮માં પ્રગટ થયો. આ બન્ને સંગ્રહો પછી મહત્ત્વના કવિ તરીકે તેઓ પ્રતિષ્ઠિત થઈ ગયા. અનાયાસ સંગ્રહ તૈયાર કર્યો,
પણ પ્રગટ થાય એ પહેલાં કવિએ ટૂંકી બીમારીમાં અલવિદા કરી દીધી. એમનું મૃત્યુ ૨૦-૬-૧૯૮૭માં થયા પછી ‘અનાયાસ’નું પ્રકાશન થયું હતું. ‘અવસર’ની પ્રસ્તાવના આપણાં મૂર્ધન્ય કવિ અને સાહિત્યકાર ભગવતીકુમાર શર્માએ લખી છે. કવિ ‘જટિલ’ વિશે બહુ ઓછું લખાયું છે, પણ એમની સત્ત્વશીલ રચનાઓ ગુજરાતી ગઝલપ્રેમીઓમાં હંમેશને માટે યાદગાર બની રહેશે એમાં શંકા નથી.
સર્જક ક્યારેય બોલકાં વિધાનો ન કરે પણ મર્મસ્થાને ચોટ પહોંચાડે છે અને તે પણ બહુ ઓછા શબ્દોમાં જેમકે:
છોડી ગયાં છે બુલબુલો સોબત ગુલાબની
કાંટા કરી રહ્યા છે મરમ્મત ગુલાબની
ખુદાને સારી વ્યવસ્થાનું ક્યારે જ્ઞાન હતું?
યુવાન પાંખ હતી, વૃદ્ધ આસમાન હતું.
આકાશને વૃદ્ધનું વિશેષણ મને લાગે છે કે આ કવિએ જ પહેલી વખત આપ્યું છે.
ગલલિયત એટલે કે ગઝલનો રંગ તગઝ્ઝૂલ સચવાય, લાઘવથી ચોટ સધાય અને માર્મિક રીતે જરૂરી વાત કરવાનું સહજતાથી આવ્યું હોય એવા ઘણાં શેરો સંસારમાં જોવા મળે છે.
જીવનનો જામ ભરાતો ગયો, પીવાતો ગયો,
ચડ્યો છે કેટલો નશો એ કોને ભાન હતું?
તમારી જેમ હું યે મારો પરદો રાખું છું,
ગુમાન તમને હતું, તો મને સ્વમાન હતું,
કોઈના ઝુલ્ફની સુગંધ દિલને ભરતી રહી,
‘જટિલ’ આ મારા ઉપર કોણ મહેરબાન હતું.
ભગવતીભાઈએ નોંધ્યું છે કે અહીં કવિએ ગુમાન અને સ્વમાન વચ્ચેનો જે સૂક્ષ્મ ભેદ તારવ્યો છે તે નોંધપાત્ર છે. પોતે પોતાનાથી પરદો રાખે એ વાત પણ નવી છે.
કવિ ક્યારેક ઈશ્ર્વરને પણ પડકારે છે. પ્રતિસ્પર્ધી તરીકે આ વિશ્ર્વનો નિયંતા હોય એ સત્ય પોતે જ અદ્ભુત છે. પરાજય નિશ્ર્ચિત છે પણ કોને હાથે મળે છે એ મહત્ત્વનું છે. જુઓ આ શેર:
મને પરવા નથી કે કોણ જીતે, કોણ હારે છે?
મજા તો એ કે બાજીગર બની તું ખુદ પધારે છે.
કવિ પાસે વ્યંગ છે, મર્મ છે અને સચોટ દાવા-દલીલ પણ છે. ઈશ્ર્વરે સૃષ્ટિની રચના કરી પણ પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો ભુલોની ભરમાર લાગે છે અને કૃતિ ખામીવાળી હોય તો કર્તા કેવો હશે. તેને ખુદને સુધારવાની જરૂરિયાત નહીં હોય? જુઓ આ શેર:
હરેક પથ્થર કહે છે એના ઘડનાર કલાધરને
ખરા શિલ્પી તો તેઓ છે જે પોતાને મઠારે છે.
શાયર જલન માતરીની જેમ આપણાં આ શાયર જટિલને પણ ઈશ્ર્વર સાથે પ્રેમીઓને હોય એવો મીઠો ઝઘડો છે. ઈશ્ર્વર સાથેના માનવીના આ ખાસ સંબંધને છતો કરતાં અનેક શેરો એમણે કહ્યાં છે:
એ જાણ્યું તો વધી છે મારી આસ્થા તારી રહેમત પર
એ મારું લોહી છે ઈશ્ર્વર! કે જે તારી કટારે છે.
વિ ઈશ્ર્વરીય ઘામાં પણ તેની કૃપા જુએ છે અને પોતાની આસ્થાનો પુરાવો આપે છે.
એમણે ‘કામધેનુ વસુકી’ શીર્ષકની એક ગઝલ લખી છે જે સચોટ છે અને ગઝલનાં નામને સાર્થક કરે છે. સામાન્ય બોલચાલની ભાષામાં એમણે કેવા પાણીદાર શેરો આપ્યાં છે:
હું દુનિયાથી એવો તો દાઝી ગયો છું
અડું છું મને પણ હવે ફૂંકી ફૂંકી
અને આ શેર સર્વશ્રેષ્ઠ છે:
મને જોઈને લોક તમને પૂછે છે,
લીલા વૃક્ષની ડાળખી કેમ સૂખી?
લાધવની કળા ગઝલનું હાર્દ છે. બે પંક્તિઓ વચ્ચેની ખાલી જગ્યામાં ઘણું કહેવાતું હોય છે અને તેનો સૌંદર્યબોધ કંઈક ઔર જ હોય છે જેમકે:
પણે ઝૂરતા માટ, મેડી, ઝરૂખા,
અહીં સાંઢણી રણ વચાળે જ ઝૂકી.
શબ્દોનું પુનરાવર્તન પણ ક્યારેક કાર્યસાધક બને છે જેમકે નીચેના શેરમાં ‘ઝબૂકી.’
છતાં સૂર્યને ઊગવાનું ન સૂજ્યું
દીવા ઓલવાયા ઝબૂકી ઝબૂકી
ગઝલમાં આજકાલ શબ્દો કારણ વગર ગોઠવાયેલા નજરે પડે છે. ખરી ખૂબી તો એ છે કે એક શબ્દ પણ અસ્થાને ન હોય કે વધારાનો ન હોય જેમ કે આ શેરમાં:
ગયા હાથ છોડી તો સમણામાં આવ્યાં
હથેળીમાં બૂઝી તો હૈયે ભભૂકી
શાયર જટિલરાય વ્યાસના સર્જનકાળમાં એટલે કે વીસમી સદીના મધ્યકાળમાં ગઝલ રૂપે-રંગે અને ભાષાએ ગુજરાતણ બની રહી હતી. આ કવિએ સાવ સરળ ભાષા પ્રયોજીને ગઝલના ગુજરાતીપણાના કાર્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. કવિ ગઝલનાં પાસેપાસાં જાણે છે અને કટાક્ષ તો તેમનો સોંસરવો હોય છે:
ના, રસ્તામાં રઝળાવે એવા નથી એ
સ્વજન ઘરે જાશે તને આગ મૂકી
મિલનની ઘડીએ જ શબ્દો ના સૂજ્યા:
‘જટિલ’ ટાંકણે કામધેનુ વસુકી.
Also Read – મિજાજ મસ્તી: બંદૂકથી બગીચા સુધી… કેવા રે મળેલા મનના મેળ
ગઝલના છંદના માપ પ્રમાણે ગઝલ મોટી, બહરની કે નાની બહરની હોય છે. આ કવિ નાની-મધ્યમ બહરમાં એકશબ્દી રદીફ લઈને ગઝલ લખે છે. આવી થોડીક ગઝલો પણ ધ્યાન ખેંચે છે. એનું ઉત્તમ દૃષ્ટાંત ‘ફટાણા વસંતના’ શીર્ષકની ગઝલ છે. તેમાં કવિએ વસંતનો મિજાજ આબેહૂબ નિભાવ્યો છે, પણ યોગ્ય કાફિયાનો સફળ ઉપયોગ કર્યો છે.
ફૂલોના મૌનમાં રમે ગાણાં વસંતનાં
સૌરભ બનીને ઊડતાં આણાં વસંતના
રંગોળી કોઈ પૂરી ગયું શૂન્ય ઘરમહીં
ઊકલી ગયાં છે સર્વ ઉખાણાં વસંતના
પાલવમાં એવી રીતે ભર્યે જાય છે સુગંધ
જાણે હવા કરે છે હટાણાં વસંતનાં
રણની તરસ બનીને પધારો પતંગિયાં!
અભરે ભયાર્ં છે આજ તો ભાણાં વસંતનાં
આજે ફરીથી રંગ પિયાલી ભરો ‘જટિલ’
વાગી ગયાં છે દિલને ફટાણાં વસંતનાં
આ મુસલસલ ગઝલનું ઉત્તમ ઉદાહરણ છે. કવિના સર્જનની ઝાંખી કરીએ તો લાગે છે એમનો સ્થાયીભાવ વ્યથાનો છે. વેદનાનો છે પણ રોદણાં નથી વેદનામાં પણ સ્વસ્થતા છે, સંતુલન છે, પક્વતા છે. ખોટી હૈયાવરાળ કાઢ્યા વગર ઊલટાનું તેઓ તો કહે છે:
અશ્રુઓએ જામ છલકાતો કર્યો
યાતનાઓએ મને ગાતો કર્યો
જખ્મના દેનારને લાખ્ખો સલામ
વાંસના ટુકડાને પણ ગાતો કર્યો
વીંધ્યા વિના વાંસ ક્યારેય વાંસળી બની શકતો નથી. આ કવિનું પ્રદાન ચિરંજીવી છે અને આવનારી અને આજની પેઢીને માટે પથદર્શક છે.