મુંબઈ: મહાયુતિનો મોટો વિજયટ થયો છે અને વિપક્ષી નેતા બનાવવા માટે જેટલું સંખ્યાબળ આવશ્યક હોય એટલું પણ કોઈ પાર્ટી પાસે નથી, આથી રાજ્યમાં વિપક્ષી નેતા બનાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. હવે સરકાર પર નિર્ભર છે કે તેઓ વિપક્ષી નેતા બનાવવાની પરવાનગી આપશે કે નહીં. આમ છતાં સભાગૃહમાં (વિધાનસભા) વિપક્ષી નેતા હોવો જોઈએ એવો મારો મત છે, એમ એનસીપી-એસપીના સર્વેસર્વા શરદ પવારે કહ્યું હતું.
આ પણ વાંચો: Maharashtra Elections Results: મહારાષ્ટ્રમાં કેવી રીતે બદલાઈ ગેમ? ભાજપે મારી બાજી અને કોંગ્રેસ જોતી રહી ગઈ…
વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારના 41 વિધાનસભ્યો ચૂંટાયા છે, જ્યારે શરદ પવારના ફક્ત 10. હવે મૂળ એનસીપી અમારી જ છે અને અજિત પવાર તેના અધ્યક્ષ છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે શરદ પવારે વિધાનસભાની ચૂંટણીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું અજિત પવારને વધુ બેઠકો મળી છે તે સાચી વાત છે, બાકી એનસીપીના સ્થાપક કોણ છે તે આખી દુનિયાને ખબર છે.
આ પણ વાંચો: Maharashtra Result: CM શિંદેને ધારાસભ્યો તૂટવાનો ડર? લીધો આ મોટો ફેંસલો…
તેમણે એમ પણ કહ્યું હતું કે અમારી અપેક્ષા મુજબના પરિણામો આવ્યા નથી. જોકે આ જનતાએ આપેલો ચુકાદો છે. અમે તેનો અભ્યાસ કરીશું. આ ચૂંટણીમાં ‘બટેંગે તો કટેંગે’નો નારો આપવામાં આવ્યો તેને કારણે ધ્રુવીકરણ થયું હતું એવો આક્ષેપ કરતાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં લાડકી બહેન યોજના માટે એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો કે એમવીએની સરકાર આવશે તો લાડકી બહેન યોજના બંધ કરવામાં આવશે એટલે મોટા પ્રમાણમાં મહિલાએ અમારા વિરોધમાં મતદાન કર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં જે જનતાની લાગણી હતી તેને કારણે અમને થોડો વિશ્વાસ હતો. આથી જ અમે જે રીતનો પ્રચાર કર્યો તેના કરતાં વધુ આક્રમક પ્રચાર કરવાની આવશ્યકતા હતી એવું લાગી રહ્યું છે. કેટલાક લોકોએ ઈવીએમ પર શંકા વ્યક્ત કરી છે, પરંતુ જ્યાં સુધી સત્તાવાર માહિતી મળશે નહીં ત્યાં સુધી હું કશું જ કહેવા માગતો નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને