પર્થ: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા પહોંચી બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) માટે તૈયારીઓ તીયારી કરી રહી છે, 22 નવેમ્બરથી પર્થમાં ઓસ્ટ્રેલીયા સામેની 5 મેચની પહેલી મેચ (IND vs AUS) રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમ માટે આ સિરીઝ પડકારજનક રહેશે, એવામાં ટીમને વધુ એક ઝટકો લાગી શકે છે. અહેવાલ મુજબ ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને ઈજા થઇ (Virat Kohli Injured)છે, જેને કારણે તે પહેલા મેચ માટે ટીમની બહાર રહી શકે છે.
બૉર્ડર-ગાવકર ટ્રોફી 2024 ચાલુ થવાને આડે એક અઠવાડિયાથી ઓછો સમય બચ્યો છે. એક આહેવાલ મુજબ એવામાં વિરાટની ઇજાને કારણે ટીમ ઇન્ડિયા પર દબાણ વધ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે વિરાટને ગંભીર ઈજા થઈ છે, પરંતુ ઈજાનું કારણ હજુ જાહેર નથી થયું.
કે એલ રાહુલ પણ ઈજાગ્રસ્ત:
ઓસ્ટ્રેલિયાની એક મીડિયા ચેનલ અનુસાર, વિરાટ કોહલીને ગુરુવારે કેટલાક સ્કેન કરાવવા પડ્યા હતા, પરંતુ તેનું કારણ જાણવા મળ્યું નથી. સારા સમાચાર એ છે કે ટેસ્ટ કરાવ્યા બાદ વિરાટ કોહલી સિમ્યુલેશન મેચમાં રમતા જોવા મળ્યો હતો. આ સિમ્યુલેશન મેચમાં કોહલીએ 15 રન બનાવ્યા હતા, પરંતુ આ દરમિયાન કેએલ રાહુલના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. બેટિંગ કરતી વખતે બોલ રાહુલની કોણીમાં વાગતા ઈજા પહોંચી હતી, તેણે બેટિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા સમય બાદ તે રિટાયર હર્ટ થયો હતો.
વિરાટની ફોર્મ ચિંતાની વિષય:
ભારતીય ટીમ બુધવારથી WACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે પણ વિરાટના ફોર્મ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા હતાં, એક નિવેદનમાં પોન્ટિંગે કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં માત્ર 2 ટેસ્ટ સદી ફટકારવી એ વિરાટ અને ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. વિરાટે છેલ્લે ટેસ્ટમાં જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની 6 ઈનિંગ્સમાં વિરાટ માત્ર 93 રન જ બનાવી શક્યો હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ માટે કેપ્ટન રોહિત શર્મા ટીમમાં નહીં હોય, એટલા માટે વિરાટ કોહલીનું ફોર્મમાં આવવું મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થવાના આરે, ત્યારે ચાહકો અને ટીમ મેનેજમેન્ટને વિરાટ પાસે ઘણી આશા છે.
Also Read – ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
કોઈ બીજી ટીમ પર આધાર રાખ્યા વિના WTCનના ફાઇનલ પહોંચવા ભારતીય ટીમને પાંચ મેચની સિરીઝમાં ઓછામાં ઓછી ચાર જીત નોંધાવવી પડશે. કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી 42 ઇનિંગ્સમાં 1,979 રન બનાવ્યા છે. આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં તેના નામે 8 સેન્ચ્યુરી અને પાંચ ફિફ્ટી પણ નોંધાયેલી છે.