વેર- વિખેર -પ્રકરણ -૯૪

2 hours ago 1

કિરણ રાયવડેરા

હું પુરુષ નહીં, સ્ત્રી થયો હોત તો વધુ લાભમાં રહેત. દુનિયાના પુરુષો મને બચાવવા આગમાં પણ કૂદી પડત..!

બધાની સામે એક નજર ફેરવીને ક્બીરે વાત આગળ વધારી :
‘………મને ખબર નથી તમારામાંથી કોણે જગમોહનનું કાટલું કાઢવાનું કા વતરું કર્યું છે. જગ્ગેનું વસિયતનામું હું જોઈ ચૂકયો છું. દરેકના ભાગે કંઈક ને કંઈક તો આવે જ છે. છેલ્લે છેલ્લે ગાયત્રીના નામનો પણ ઉમેરો થયો છે…’
દરેકના કાન સરવા થઈ ગયા.

| Also Read: વેર- વિખેર -પ્રકરણ -૯૩

‘હા, એક વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી… અને બની શકે કે એ વ્યક્તિને વેર વાળવા…’ કબીરે વાક્ય અધૂરું મૂકીને ઈરાદાપૂર્વક જતીનકુમાર સામે જોયું.

‘મરી ગયા. બંને વાત મારા માટે આઘાતજનક છે. તમે મને ખૂની ઠેરવો એ અને મારા નામનો ઉલ્લેખ વસિયતનામામાં ન હોય એ…’ જતીનકુમારનો ચહેરો રડમસ થઈ ગયો.

‘એટલે જ કહું છું કે તમે દાઝમાં સસરાનું ખૂન કરવાની કોશિશ શા માટે ન કરી હોય…’ કબીર બોલ્યો.

‘હવે કબીરભાઈ… હા… હા.. હું તમને કબીરભાઈ જ કહીશ. કેમ કે તમને એ સંબોધન નથી ગમતું એટલે… હવે સાંભળો, તમે લગ્ન નથી કર્યાં એટલે તમને નહીં ખબર હોય કે બૈરીનો દલ્લો પણ તમારો જ ગણાય.’ જતીનકુમારે વળતો પ્રહાર કર્યો.

‘વાહ, જતીનકુમાર, એટલે તમને ખબર હતી કે તમારું નામ વિલમાં નથી પણ તમારી પત્ની માટે તમારા સસરાએ વ્યવસ્થા કરી છે.’ કબીરે ધારદાર નજરે જતીનકુમાર સામે જોયું.

જતીનકુમારનો ચહેરો વિલાઈ ગયો.

‘ભઈસાબ, ભૂલ થઈ ગઈ. હું સાચું કહું છું કે મને વિલ બાબત કંઈ જ ખબર નહોતી. અરે, ખબર હોત તો હું સસરા સાથે બાઝ્યો હોત…?!’ જતીનકુમાર ગળગળા થઈ ગયા હતા.

‘એની વે… હું એમ કહેતો હતો કે વસિયતનામામાં એવું કંઈ નહોતું કે કોઈને વાંધાજનક લાગે, પણ કોણ જાણે કેમ તમે બધાં એક યા બીજા કારણસર જગમોહનના દુશ્મન થઈ બેઠાં. બધાંને એની સાથે વાંધો પડ્યો. એટલી હદ સુધી કે બધાં એક યા બીજા કારણસર જગમોહનને મારવાની ધમકી આપી બેઠાં…’
‘વાહ… તમારી ઇન્ફોર્મેશન સોળ આના સાચી… હવે તમે રાઇટ લાઇન પર આવ્યા…’ જતીનકુમારનો શ્ર્વાસ જાણે હેઠો બેઠો.

‘વિક્રમ, કરણ અને પ્રભા… તમે ત્રણેય જાહેરમાં જગમોહન સાથે ઝઘડ્યાં છો…’
‘એનો અર્થ એ નથી કે અમે એનું ખૂન કરી નાખીએ.’ પ્રભા બોલી ઊઠી.

‘પૂજા, તમે તમારા સસુર સાથે જાહેરમાં ઝઘડો નથી કર્યો પણ તમને એ બહુ ગમતા નથી ખરુંને… ?’
પ્રભાની વાત અવગણીને કબીરે સીધો પૂજાને પ્રશ્ર્ન કર્યો.

‘હા, તમારી વાત સાચી છે, પણ મને એમની સાથે દુશ્મનાવટ પણ નહોતી. મને હંમેશાં મારા સસરા જિદ્દી લાગ્યા છે અને વાતવાતમાં એ બધાંને ઉતારી પાડતા…’ પૂજાએ કબૂલાત કરી લીધી. ‘અને જતીનકુમાર, તમને પણ સસરા તરફ કંઈ બહુ પ્રેમ જેવું નહીં, રાઈટ?’ જતીનકુમાર પર કબીરે નિશાન તાક્યું.

| Also Read: વેર- વિખેર -પ્રકરણ -૯૨

‘જરા પણ નહીં. આખું ગામ જાણે છે અમારા બંને વચ્ચે બારમો ચંદ્રમા હતો. હિન્દી ફિલ્મમાં છત્રીસનો આંકડો’ કહે છે બિલકુલ એ જ. મને એ નહોતા ગમતા… પણ એમ તો તમે પણ મને નથી ગમતા, તો શું મેં તમને મારવાની કોશિશ કરી?’ જતીનકુમાર ફરી લડાયક મિજાજમાં આવી ગયા.

‘જતીનકુમાર, એમ ઘાંઘા ન થાઓ… એક-બે દિવસમાં જ અસલી ખૂનીનો પત્તો લાગી જશે. જો તમે જ હત્યારા હશો તો મારી નજરમાંથી છટકી નહીં શકો એની ખાતરી આપું છું.’ કબીરે ઠંડે કલેજે સંભળાવી દીધું. જતીનકુમાર મૌન રહ્યા.

‘હં, તો આપણે પહેલેથી બધી વિગતો તપાસી લઈએ. જગમોહનના બેડરૂમમાં સૌ પ્રથમ કુમાર ઘૂસ્યો, પછી ગાયત્રી, એની પાછળ પૂજા, પછી વિક્રમ… રાઈટ?
કોઈ કંઈ બોલ્યું નહીં.

‘તમે બધાં ચૂપ છો એનો અર્થ એ કે હું સાચો છું. વિક્રમની પાછળ જતીનકુમાર ઘૂસ્યા અને એની પાછળ પાછળ દોડતી રેવતી આવી.’
કોઈએ વિરોધ ન કર્યો.

‘ત્યાર બાદ પ્રભાએ પ્રવેશ કર્યો. પ્રભાની પાછળ જ કરણ આવ્યો અને છેલ્લે વિક્રમનો સાળો જય… બધાનો પ્રવેશ એટલી ઝડપથી થયો કે ગાયત્રીના દાખલ થયા બાદ એક મિનિટની અંદર બધાં જગમોહનના રૂમમાં દાખલ થઈ ચૂક્યાં હતાં… રાઈટ?’

‘અંકલ, એ જ દેખાડે છે કે ખૂની અમારામાંથી કોઈ હોઈ જ ન શકે… અમે તો બધાં ફાયર થયા બાદ ઘૂસ્યાં હતાં…’ વિક્રમ બોલ્યો.

‘મને ખબર છે તમે બધાંએ એવું બયાન આપ્યું છે કે પાંચ વાગ્યાની આસપાસ તમે બધાંએ બે ચીસ સાંભળી, એક જગમોહનની અને બીજી ગાયત્રીની… ત્યાર બાદ તમે બધાં દોડીને આ રૂમમાં આવ્યાં… ખરું ને?’ કબીરે બધાંને પ્રશ્ર્ન કર્યો.

‘રાઈટ…’ વિક્રમે બધાં વતી જવાબ આપ્યો.

‘પણ આ બયાન તમારું છે. હું કેવી રીતે માની લઉં કે તમે બધાં સાચું બોલો છો? તમારામાંથી એક જણ જગમોહનના કમરામાં છુપાઈને બેઠું હોઈ શકે અથવા ગાયત્રીની પાછળ દાખલ થઈને જગમોહન પર ગોળી છોડી હોય…’ કબીરે અનુમાન લગાવ્યું.

‘આ માણસનું મગજ ખરાબ થઈ ગયું લાગે છે. કબીરભાઈ, અમે કંઈ અહીંયાં સંતાકૂકડી નહોતાં રમતાં કે સસરાના રૂમમાં છુપાઈને જઈએ.’ જતીનકુમાર બોલ્યા.

‘જે પણ હોય, એક વાત ચોક્કસ કે ખૂન કરવાનો પ્રયાસ ગાયત્રીએ નથી કર્યો. એણે જ્યારે જગમોહનને પડતા જોયા કે બિચારી ગભરાઈને ચિલ્લાઈ ઊઠી. એને એમ થયું કે એની ગોળી જગમોહનને વાગી ગઈ છે.’ કબીરે ગાયત્રીનો પક્ષ લીધો
‘આજે પહેલીવાર મને થાય છે કે હું પુરુષ નહીં, સ્ત્રી થયો હોત તો વધુ લાભમાં રહેત. દુનિયાના બધા પુરુષો મને બચાવવા આગમાં પણ કૂદી પડત.’ જતીનકુમાર બબડ્યા.

‘અંકલ, કુમાર આટલી સિક્યુરિટી હોવા છતાં મકાનમાં કેવી રીતે પ્રવેશી શક્યો? કરણે કુતૂહલવશ પૂછ્યું.’
‘કુમાર બુરખો પહેરીને મકાનમાં દાખલ થયો હતો એટલે કદાચ કોઈને શક ન પડ્યો, પણ આશ્ર્ચર્યની વાત એ છે કે મકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર બે સિક્યુરિટીના માણસ બેહોશ મળી આવ્યા હતા. કદાચ, કુમારે અંદર દાખલ થતી વખતે એમને બેશુદ્ધ કરી દીધા હોય…’ કબીરે તર્ક રજૂ કર્યો.

‘એવું ન બને કે કુમાર બે રિવોલ્વર લઈને આવ્યો હોય…’ કરણે પોતાની થિયરી રજૂ કરી.

‘ગુડ પોઇન્ટ, પણ કરણ, કુમાર નાણાભીડમાં હતો. એ બે રિવોલ્વર શા માટે રાખે? એ તો રિવોલ્વરને વેચીને રોકડા કરી લે… આપણે ત્યાં તો રિવોલ્વરને ભંગારમાં વેચવાના પ્લાન કરવાવાળા પણ પડ્યા છે.’ કબીરે તરત જ જતીનકુમાર સામે વેધક નજરે જોયું. જતીનકુમાર અસ્વસ્થ થઈ ગયા.

‘તમારા બધાં પાસે જગમોહનનો ખૂન કરવાનો આશય હતો, મોટિવ હતો. કરણ, તને પચ્ચીસ લાખ જોઈતા હતા જે તને તારા બાપે આપવાની ના પાડી. ભગવાન જાણે તું એવી છોકરી પાછળ કેમ ઘેલો થઈ શકે જે લગ્ન પહેલાં જ રૂપિયાની ડિમાન્ડ કરે? જતીનકુમાર, તમારે પચાસ લાખ જોઈતા હતા જે આપવાની જગમોહને ઘસીને ના પાડી દીધી. વિક્રમ, તારા સાળાને પિસ્તાલીસ લાખની જરૂર હતી. એ ન મળતાં તારી માનહાનિ થઈ હોય એવું તને લાગતું હતું અને પ્રભા, તમે કંઈ માગ્યું નહોતું પણ આટલાં વરસોના દામ્પત્યજીવનમાં જે ન મળ્યું એના કારણે ધિક્કાર અને નફરત ઘૂંટાયા કરી… પૂજા પાસે કોઈ ડાયરેક્ટ મોટિવ નથી, સિવાય કે એણે ઊંઘમાં ચાલતાં ચાલતાં સસરા પર ગોળી છોડી હોય… અને રેવતી નાદાન હોઈ શકે પણ દીકરી બાપની હત્યા ન કરે એ વાત હું પણ માનું છું. એની વે, જે પણ ખૂની હોય, કાનૂનના હાથ બહુ લાંબા હોય છે…’ કબીરે વિસ્તારપૂર્વક કહ્યું.

‘અહીં તો કાનૂનની જીભ પણ લાંબી છે…’ જતીનકુમાર ગણગણ્યા.

પ્રભા ધીમું ધીમું રડતી હતી. વિક્રમનો ચહેરો લેવાઈ ગયો હતો. કરણના ચહેરા પરથી તેજ ઊડી ગયું હતું. કબીર અંકલે આડકતરી રીતે રૂપા બાબત ટકોર કરી એ સાંભળીને એ ઝંખવાઈ ગયો હતો. જતીનકુમાર અંદરખાને થથરી ગયા હતા પણ ચહેરા પર જાણે કંઈ જ ન બન્યું હોય એવા ભાવ જાળવવાની કોશિશ કરતા હતા.

‘ભ’ઈસાબ, તમે પોલીસ થવાને બદલે લેખક થયા હોત તો સારું થાત… એક સસ્તી રહસ્યકથા – ખૂની કોણ? – લખી શક્યા હોત…’ જતીનકુમારથી મૌન સહન નહોતું થતું.

‘હા, હજી લખી શકું છું, પણ પહેલાં ખૂનીનો પત્તો લાગી જાય એ પછી…. પણ જો લેખકની નજરે જોઉં તો શંકાની સોય તમારા તરફ જ વળે છે. તમે તમારા સસરાની રિવોલ્વરની ચોરી કરી હતી, ભલે તમે એને સાચવી ન શક્યા. તમે સતત નાણાકીય ભીંસમાં રહો છો… અને તમે એક જ એવી વ્યક્તિ છો, જેનું નામ જગમોહનના વસિયતનામામાં નથી. આટલાં કારણ પૂરતાં છે તમને પૂછપરછ માટે અટકમાં લેવા માટે…’ કબીરના ચહેરા પર હાસ્ય નહોતું ફરકતું.

પોતાના માથા પર પાછળથી ટપલી મારતા જતીનકુમાર નાટકીય ઢબે બોલ્યા:
‘લે પાછું મેં શરૂ કર્યું. હું શાંતિથી સખણો બેસી જ નથી શકતો. વારંવાર કુહાડી પર પગ મારી આવું છું… તમારે ભ’ઈસાબ, લેખક થવાની જરૂર નથી. પોલીસ ઑફિસર તરીકે જ સારા છો…’
લખુકાકા બધા માટે ચા લઈને આવ્યા.

‘લખુકાકા ખૂની ન હોઈ શકે?’ જતીનકુમાર ગણગણ્યા પણ પછી કોઈએ સાંભળ્યું નથી એની ખાતરી થયા બાદ ફરી પોતાના માથામાં ટપલી મારી.

‘આપણે હવે સવારના મળીશું. સવારના એક વાર હું કોર્ટમાં જઈશ, ગાયત્રીને છોડાવવી પડશે ને… વિક્રમ, તું હોસ્પિટલ ફોન કરી લે. જગ્ગેની તબિયત ઠીક છે ને?’ કબીરે ચા પીતાં પીતાં વિક્રમને સૂચના આપી.
વિક્રમે હોસ્પિટલ ફોન કરીને પિતાની તબિયતના ખબર પૂછી લીધા.

‘ઓ.કે. ગુડનાઇટ…’ સોફામાંથી નીકળેલી બુલેટને ખિસ્સામાં નાખીને કબીરે ઊભા થઈને બધાંની વિદાય લીધી : સી યુ ઓલ ઈન ધ મોર્નિંગ.’
કોઈ કંઈ બોલ્યું નહીં. જાણે દરેકની વાચા હરાઈ ગઈ હતી. કોઈ ઊભા
થઈને પોતાના કમરામાં પણ જવા
તૈયાર નહોતું, જાણે એકલા રહેતા ડર લાગતો હોય. (ક્રમશ:)

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article