ગ્રૉસ ઇસ્લેટ (સેન્ટ લ્યૂસિયા): વેસ્ટ ઇન્ડિઝના ઓપનર એવિન લુઇસે (68 રન, 31 બૉલ, સાત સિક્સર, ચાર ફોર) શનિવારે અહીં ઇંગ્લૅન્ડને ચોથી ટી-20માં નહોતું જીતવા દીધું. બ્રિટિશ ટીમે 219 રનનો જે લક્ષ્યાંક આપ્યો એ અપાવવામાં લુઇસે સૌથી મોટું યોગદાન આપ્યું હતું. તેની અને શાઇ હોપ (54 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે 136 રનની પ્રારંભિક ભાગીદારી થઈ હતી. એક તબક્કે લુઇસે સ્પિનર લિઆમ લિવિંગસ્ટનની એક ઓવરમાં 30 રન ખડકી દીધા હતા.
આ પણ વાંચો : પાકિસ્તાનની બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફીની ટૂર ભારતમાં ક્યારે છે જાણી લો…
ઇંગ્લૅન્ડ પાંચ મૅચવાળી સિરીઝની પહેલી ત્રણ મૅચ જીતીને ટ્રોફી પર કબજો કરી ચૂક્યું છે. ચોથી મૅચમાં બ્રિટિશરોએ પાંચ વિકેટે 218 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. જોકે લુઇસ અને હોપે શરૂઆતથી જ બ્રિટિશ બોલર્સને વળતો જવાબ આપ્યો હતો. લુઇસ 219.35ના અને હોપ 225.00ના સ્ટ્રાઇક-રેટથી રમ્યો હતો.
એક તબક્કે લુઇસે લિવિંગસ્ટનને ટાર્ગેટ બનાવ્યો હતો. ઇનિંગ્સની આઠમી ઓવરમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી કુલ 30 રન બનાવ્યા હતા.
લિવિંગસ્ટનનો પ્રથમ બૉલ વાઇડ હતો જેમાં બૉલ વિકેટકીપર ફિલ સૉલ્ટના પણ કાબૂ બહાર હતો અને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર જતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમના ખાતામાં પાંચ રન ઉમેરાયા હતા. વાઇટ પછીના પ્રથમ બૉલમાં લુઇસે બૉલને મિડવિકેટ તરફ મોકલીને દોડીને બે રન બનાવી લીધા હતા. બીજા બૉલમાં લુઇસે ગગનચુંબી છગ્ગો માર્યો હતો અને પછી ત્રીજા બૉલમાં ફોર ફટકારી હતી. ચોથો બૉલ ડૉટ રહ્યા પછી પાંચમા ખૂબ જ ટર્ન થયેલા બૉલને લુઇસે લૉન્ગ-ઑન પરથી મેદાનની બહાર મોકલી દીધો હતો. લિવિંગસ્ટનથી ફરી એક વાઇટ બૉલ પડી ગયો અને ત્યાર પછીના અંતિમ બૉલમાં લુઇસે વધુ એક છગ્ગો માર્યો હતો.
ટૂંકમાં, લિવિંગસ્ટનની એ ઓવરમાં લુઇસે જોરદાર ધુલાઈ કરી. તેને કૅપ્ટન જૉસ બટલરે આ એક જ ઓવર આપી હતી એટલે લિવિંગસ્ટન માટે આ મૅચ ભૂલી જવા જેવી હતી, કારણકે બૅટિંગમાં પણ તેણે કંઈ ઉકાળ્યું નહોતું. તે ફક્ત ચાર રન બનાવીને આઉટ થયો હતો.
મૅચના સ્કોર્સ પર નજર કરીએ તો ઇંગ્લૅન્ડે બૅટિંગ મળ્યા પછી ખાસ કરીને ફિલ સૉલ્ટ (પંચાવન રન, 35 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) તથા જૅકબ બેથેલ (62 અણનમ, 32 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 218 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝે લુઇસ અને હોપ ઉપરાંત કૅપ્ટન રૉવમૅન પોવેલ (38 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ના યોગદાનની મદદથી 19 ઓવરમાં પાંચ વિકેટે 221 રન બનાવીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. કૅરિબિયનોની પાંચમાંથી ત્રણ વિકેટ લેગ-સ્પિનર રેહાન અહમદે લીધી હતી.
આ પણ વાંચો : વર્ષ 2024માં ભારત 26 ટી-20માંથી 24 મૅચ જીત્યુંઃ નવો વિક્રમ રચ્યો
છઠ્ઠી નવેમ્બરે વેસ્ટ ઇન્ડિઝે બ્રિટિશરો સામેની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી એના જવાબમાં બ્રિટિશરોએ ટી-20 સિરીઝની ટ્રોફી પર કબજો કરી લીધો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને